તમિલ બંધુઓની સમક્ષ ભરતનાટ્યમ્ , ટિપ્પણી, મેર રાસ અને કઠપૂતળી જેવા વિધ વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા
સમગ્ર દેશને એક તાંતણે બાંધવાના સ્વપ્ન સાથે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાર્થક કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે તમિલથી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવની પાવન ધરા પર પધારેલા તમિલ બંધુઓ સમક્ષ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે જ તમિલના કલાકારો દ્વારા તમિલના લોકગીતો નૃત્ય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જે રજૂ થતાં સ્ટેજ પર સામે રહેલા તમિલ દર્શકો ઝૂમી ઉઠયા અને દિલ ખોલીને નાચ્યા હતા. ગુજરાતી ગીત “સ્વાગતમ્ સ્વાગતમ્” પર ભરતનાટ્યમ નૃત્ય દ્વારા તમિલ બંધુઓની ગુજરાતની ગરિમામયી અને દિવ્ય ધરા પર અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમિલના લોકપરંપરાગત વાદ્યો દ્વારા ’તપટ્ટમ્ ’ સંગીત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોક પરંપરાને ઉજાગર કરતા ટિપ્પણી નૃત્યને ઉપસ્થિતોએ માણ્યો હતો.
તમિલના કલાકારો દ્વારા ઢોલ, ઢોલકી, ડફલી, મંજીરા વગેરે વાદ્યો સાથે રજૂ થયેલા પેરિયામેલમ્ પરફોર્મન્સએ કાર્યક્રમમાં અનોખી આભા ઊભી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રની શાન સમા મેર જાતિનો રાસ, તમિલના કલાકારો દ્વારા સ્ટ્રીટ પપેટ (કઠપૂતળી) શો અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ થીમ સોંગ પર તમામ કલાકારો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ અને ગુજરાતની સાંસ્કૃતિકના સંગમ બની ગયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ ખૂબ માણ્યો હતો.હું નૃત્ય કરી અને શિવાંજલિ આપવા માંગતી હતી, સોમનાથદાદાના ચરણોમાં આવતા જ મારા પગ થંભી ગયા : તમિલ દર્શનાર્થી સૂર્યપ્રભા
સૌરાષ્ટ્ર તમિલ સંગમના બીજા દિવસે સંધ્યા આરતીના દર્શનાર્થે પધારેલા તમિલ બાંધવાનો “જય સોમનાથ”ના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું. તમિલનાડુના ચેન્નાઈથી આવેલા અને મદ્રાસ હાઈકોર્ટ ખાતે ફરજ બજાવતી સૂર્યપ્રભા પણ દર્શનાર્થીઓમાંના એક હતાં. અગાઉ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમમાં કાશીની મુલાકાતે જઈ આવ્યા છે તેવા સૂર્યપ્રભા શિવભક્ત છે અને તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્ય પણ કરે છે. તેઓ પગમાં પારંપારિક ઝાંઝર પહેરીને આવ્યા હતાં અને ભગવાન સોમનાથના સાંનિધ્યમાં નૃત્ય કરી શિવાંજલિ આપવા માંગતા હતાં.
તેમણે જણાવ્યું કે, હું અગાઉ કાશી-તમિલ સંગમમનો ભાગ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાયેલા સોરાષ્ટ્ર-તમિલ સંગમનો ભાગ બનવાનો અવસર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું. હું સોમનાથ દાદાના સાનિધ્યમાં નૃત્ય કરવા માંગતી હતી પરંતુ શિવાલયમાં પ્રવેશતાની સાથે જ જે દિવ્યતા અનુભવાઈ, જાણે મારા પગ થંભી ગયાં.