ગોંડલના રીબ ગામે માતાજીના મઢ પર જ બંને પરિવાર વચ્ચે ધોકા – પાઇપ ઉડ્યા

વોરાકોટડા ગામે ગ્રામ પંચાયતની બાબતે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

ગોંડલ તાલુકાના રીબ ગામે “તમને માતાજી નડે છે” કહી બે પરિવાર વચ્ચે ડખ્ખો થયો હતો.જેમાં સામસામે મારામારીમાં દંપતી સહિત ચાર લોકો ઘવાતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતાજીના મઢ પર જ બંને પરિવાર વચ્ચે ધોકા અને પાઇપ ઉડતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય બનાવમાં વોરકોટડા ગામે ગ્રામ પંચાયતની બાબતે ત્રણ શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા વિજયભાઈ જીવણભાઈ મેવાડા (ઉ.વ.30) તેમના પત્ની જ્યોતિબેન મેવાડા (ઉ.વ.28) અને વિજયભાઈને માતા ભાનુબેન મેવાડા (ઉ.વ.52) પર તેમના જ કુટુંબી બીજલ મેવાડા, સુખા મેવાડા અને રમેશ મેવાડા સહિતના શખ્સોએ ધોકા અને પાઇપ વડે માર મારતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વિજયભાઈ મેવાડાના કુટુંબી બીજલ સહિતનાઓએ ફોન કરી ” તમને માતાજી નડે છે, મઢે આવો આપણે કંકાશ કાઢી લેશું” તેમ કહીને ગામમાં આવેલા મેલડી માતાના મઢ પર બોલાવ્યા હતા. જ્યાં અગાઉથી જ હથિયાર લઈ બેઠેલા બીજલ સહિતના કુટુંબીઓએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યાનું જણાવ્યું છે.

તો સામાપક્ષે રીબ ગામના જ સુખાભાઈ બિજલભાઈ મેવાડા (ઉ.વ.40) માતાજીના મઢે હતા ત્યારે તેમના જ કુટુંબીઓ જીવણ, વિજય, ભાનું અને અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મઢ બાબતે ખાર રાખી માર મારતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો ગોંડલ તાલુકાના વોરકોટડા ગામે પણ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે.

જેમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ રસિકભાઈ વોરા નામનો યુવાન ગઇ કાલે રાતે પાનની દુકાને હતો ત્યારે સામેવાળા અનિલ કાળુ ગરધર, મયુર બાબુ અને ભરત છગન નામના શખ્સોએ ગ્રામ પંચાયત બાબતે બોલાચાલી કરી હતી. ત્યાર ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ભાવેશભાઈ વોરા પર ધોકા વડે તૂટી પડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.