કલેકટર તંત્ર દ્વારા છ દિવસમાં સતત ત્રીજું ડીમોલેશન
16 એકર સરકારી જગ્યા ઉપર ફેન્સિંગ કરી દબાણ કર્યું હતું, તાલુકા મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરાવી
માધાપરમાં અંદાજે 50 કરોડની કિંમતી જમીન ઉપરનું દબાણ તાલુકા મામલતદારની ટીમે દૂર કર્યું છે. તાલુકા મામલતદારની ટિમ દ્વારા છેલ્લા છ દિવસમાં સતત ત્રીજું ડીમોલેશન હાથ ધરવામાં આવતા ભુમાફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આજરોજ તા. 19ના રોજ રાજકોટ તાલુકાના માધાપર ગામે સરકારી ખરાબા સર્વે નંબર 111 પૈકીની આશરે 16 એકર જમીન પર તાર ફેન્સીંગ કરી કબજો કરેલ દબાણ કરનાર મુકેશભાઈ નાથાભાઈ ભખોડિયાના દબાણને દૂર કરવામાં આવ્યું છે. આ જગ્યાની બજાર કિંમત અંદાજે રૂ.50 કરોડ જેટલી છે.
આ દબાણની કામગીરીમાં તાલુકા મામલતદાર કે. એચ. મકવાણા, નાયબ મામલતદાર દબાણ રઘુવીર સિંહ વાઘેલા તથા રેવન્યુ તલાટી નિલેશભાઈ વાઘેલા જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગત બુધવારના રોજ કોઠારીયાના સર્વે નંબર 352 પૈકી સરકાર જમીન પર કાયદેસર રીતે કબજા હેઠળની જમીન જેની બજાર કિંમત ત્રણથી ચાર કરોડ જેટલી હોય તે જિલ્લા કલેકટરની સૂચનાથી મામલતદાર રાજકોટ તાલુકાના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદારની ટીમ દ્વારા દબાણ ખુલ્લું કરાવેલ હતું.
ત્યારબાદ શુક્રવારના રોજ વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 149 પૈકીની સરકારી ખરાબાની જમીન પર થયેલ ગેરકાયદેસર કબજો થતા બાંધકામ દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ સરકારી 1000 ચો.મીટર જેટલી જમીનની અંદાજિત બજાર કિંમત ત્રણથી ચાર કરોડ જેટલી હોવાનુ અનુમાન છે.