મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવીને ભારતે મોટી વૈશ્વિક કુટનૈતિક જીત મેળવી જયારે મસુદ સામે પગલા લેવા જતા પાકિસ્તાન અંધકારની ગર્તામાં ધકેલાય જાય તેવી સ્થિતિ
ભારતને આઝાદી બાદથી કનડતા સૌથી મોટી સમસ્યા આતંકવાદ મુદે ગઈકાલે ભારતનો એક મોટો કુટનૈતિક વિજય થવા પામ્યો છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે ઉભા કરેલા વૈશ્વિક દબાણ સામે ચીને પણ ઝૂકીને પાકિસ્તાનમાં છુવાયેલા જૈસે મહંમદના આતંકી સરગણા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સહમતી દાખવી હતી.
મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાતા પાકિસ્તાન પણ બચાવની સ્થિતિમાં આવી ગયું છે. અને મસુદ સામે આ પ્રતિબંધના તુરંત અમલ કરવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ અફઘાનિસ્તાની તાલીબાનો સાથે શાંતિ મંત્રણાઓનો પ્રારંભ કરીને આતંકવાદના મુદે મસુદ અને તેના સંગઠ્ઠનને એકલા પાડી દેવાની કુટનીતિનો પ્રારંભ કર્યો છે.
છેલ્લા એક દાયકામાં ભારતે જે રીતે વિકાસ કર્યો છે. અને વડાપ્રધાન મોદીએ તેમના પાંચ વર્ષનાં કાર્યકાળમાં અનેક દેશો સાથે ભારતના નવા ઉષ્માપૂર્ણ સંબંધો બનાવ્યા છે. જેથી અમેરિકા સહિતના અનેક દેશો હવે ભારત સાથે સારા સંબંધો રાખવા માટે તત્પર બન્યા છે. પુલવામામાં હત્યાકાંડ બાદ ભારતે હિંમતભેર આતંકવાદ અને તેના આકા પાકિસ્તાનને જે રીતે આકરો જવાબ આપ્યો હતો.
તેનાથી વિશ્વભરના દેશો ભારતીય સેનાની તાકાતથી અચંબિત થઈ ગયા હતા. જે બાદ, ભારતે આ હુમલો કરનારા જૈસ મહંમદના આકા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ પાસે માંગ કરી હતી. મસુદને છેલ્લા ૧૦ વર્ષથી મસુદને આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન વીટો વાપરીને રોકી દેતુ હતુ.
આ વખતના પ્રયાસોમાં ચીને આડો પગ કરવાના પ્રયાસો કર્યા હતા. અને એકાદ માસ પહેલા સુરક્ષા પરિષદમાં મુકાયેલા ઠરાવ સામે વીટો વાપર્યો હતો. જે બાદ ભારત સરકાર ચીન પર વૈશ્વિક દબાણ ઉભુ કર્યું હતુ વિશ્વિભરનાં રાજનૈતિક દબાણ સામે ચીન ગઈકાલે ઝુકયું હતુ અને ગઈકાલે સુરક્ષા પરિષદમાં મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના રજૂ થયેલા ઠરાવને ચીને વિરોધ કર્યો ન હતો.
જેથી મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આમ લાંબા સમય બાદ આતંકવાદ મુદે ભારતનો કુટનૈતિક વિજય થવા પામ્યો હતો. મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરતા જ આર્થિક દેવાળાની સ્થિતિ પર ઉભેલા પાકિસ્તાની સરકારે પણ મસુદ પર પ્રતિબંધના તાત્કાલીક અમલ કરવાની ખાત્રી આપતુ નિવેદન કર્યું છે.
મસુદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થતા તેની તથા તેની સંસ્થાની તમામ સંપતિઓને જપ્ત કરી દેવામાં આવશે તથા તેને વિદેશોમાં મળતી આર્થિક સહાય પર પ્રતિબંધ લાગી જશે. ઉપરાંત તેને અન્ય પ્રકારે મદદ કરતી તમામ દેશો, સંસ્થા અને વ્યકિતઓ પર પ્રતિબંધ આવી જશે તેને કોઈપણ દેશ પોતાના ત્યાં રહેવા માટેની વ્યવસ્થા નહી આપી શકે. તેને કોઈ દેશોએ સુરક્ષા વ્યવસ્થા આપી હશે.
તો પણ તેને પરત ખેંચવી પડશે જેથી મસુદ અઝહર હવે પાકિસ્તાનમાં ખૂલ્લે આમ નહી ફરી શકે તેના બેંક એકાઉન્ટો, મિલ્કતો સીલ થઈ જવાથી આર્થિક રીતે કંગાળ થઈ જશે જેથી તેની આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થઈ જશે તેને ઓસામા-બિન-લાદેનની જેમ છુપાતુ છુપાતુ ફરવુ પડશે. વૈશ્વિક આતંકવાદીને કોઈપણ દેશ ખતમ કરી શકતો હોય મસુદની હાલત પણ ભારત ઓસામા બિન લાદેન જેવી કરી શકશે અને પાકિસ્તાન તેનો કોઈ પણ પ્રકારે વિરોધ નહી કરી શકે.
જગજાહેર છે કે મસુદ અઝહરને પાકિસ્તાની સેના તથા ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો ખૂલ્લુ સમર્થન છે. આ સમર્થન પાછુ ખેંચી લેવાથી મસુદ અને તેની સંસ્થા જૈશે મહંમદ ભુરાયી થઈને પાકિસ્તાન પર જ હુમલા કરી શકે તેવી સંભાવનાઓ નિમાણ થવા પામી છે. જેથી મસુદ મુદે પાકિસ્તાનની હાલત દુધ પાઈને ઉછરેલા નાગના ફુંફાડા સમાન બની જનારી છે. મસુદ અને આતંકવાદના મુદે પાકિસ્તાનની હાલત ચોતરફથી ઘેરાયેલા જેવી થઈ જવા પામી છે.
અમેરિકાએ પણ ન્યુયોર્કમાં ૯/૧૧માં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદ સામે કડક હાથે કામ લઈને અત્યાર સુધીમાં ૫૦ લાખ કરોડ રૂ.નો ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ હજુ પણ ‘જગત જમાદાર’ ગણાતા અમેરિકા આતંકવાદ સામે સંપૂર્ણકાબુ મેળવી શકયું નથી જેની મસુદના મુદે ભારતની મદદ કરી હતી હવે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના મુદા પર તાલીબાનો સાથે મંત્રણાનો પ્રારંભ કર્યો છે.
જે દ્વારા અમેરિકા મસુદ અને તેની સંસ્થા જૈસે મહંમદને મળતા તાલીબાનો તરફથી મળતી મદદ બંધ કરાવવાની કુટનીતિ બનાવી છે. આ કુટનીતિમાં અમેરિકા સફળ થાય તો ભારત માટે મસુદ અઝહરનો અંત અમેરિકાએ ઓસામા બિન લાદેનને મારવા કરેલા ઓપરેશન કરતા વધારે સરળતાથી થઈ શકશે પરંતુ આ સમગ્ર ઘટનાચક્રથી આતંકવાદનું આકા બનેલા પાકિસ્તાન અંધકારની ગર્તામાં ધકેલાય જશે તે નિશ્ચિ છે.