ગાંધીનગરમાં ભારે રાજકીય અફડા-તફડીનો માહોલ સર્જાયો છે. કોણ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં છે. કોંગ્રેસ છોડનારને ભાજપ શું આપશે સહિતની ચર્ચા કાર્યકરો અને નેતાઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં તે સમાચાર સતત તેના મત વિસ્તારમાં ગાજી રહ્યાં હતા. ગઈકાલે આખો દિવસ રાજકીય વાતાવરણના ગરમાવા બાદ મોડી સાંજે ગાંધીનગરથી ધારાસભ્ય લલીત વસોયાએ અમારા પ્રતિનિધિની ટેલીફોન વાતચીત મુજબ જણાવેલ કે હું રાજકીય અને સામાજીક નબળી વિચારધારા વાળો માણસ નથી મને ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ખેડૂતોએ ખોબલે ને ખોબલે મત આપી વિજય બનાવેલ છે ત્યારે રાજકીય કે સામાજીક નબળી વિચાર ધારા વાળો માણસ હું નથી.
વધુમાં લલીત વસોયાએ જણાવેલ કે ખેડૂતોના મતે ચૂંટાયો છું, ખેડૂતો સાથે કયારેય ગદારી કરી પક્ષ પલ્ટો કરીશ નહીં. મારી લાયકાત કરતા કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે. કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટાયો છું, કોંગ્રેસના વફાદાર સૈનિક બનીને પાર્ટી સાથે રહેવાનો છું. ગઈકાલે પક્ષ પલ્ટાના અહેવાલ મારા રાજકીય હરિફોએ વહેતા કર્યા હોય કારણ કે આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર મત વિસ્તારમાં ઘણાને મારી અત્યારથી જ બીક લાગવા લાગી છે.