આટલુ ઓછું હોય તેમ બસના આવવા જવાના સમયના પણ ઠેકાણા નથી: મુસાફરોનો શું વાંક ?
રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ડેપોનું ૫૦ વર્ષ જુનુ ઢેબર રોડ પર સ્થિરથી શાસ્ત્રી મેદાન ખાતે સ્થળાંતર કર્યા બાદ હજુ અનેક પ્રકારની કામગીરીથી મુસાફરો અને ખુદ તંત્ર હાલાકી ભોગવી રહી છે.
ખાસ તો હંગામી બસ સ્ટેન્ડને સ્થળાંતર કર્યાના દોઢ મહિના થયા છતાં મુસાફરોને ધુળ ગંદકી સહીતની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ૧ મહીના અગાઉ તંત્ર દ્વારા મુસાફરોને ધુળની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કપચી ગ્રીડ નાંખવાની વાત સામે આવી હતી. પરંતુ હાલની ૫રિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે કપચી પાથરવાની વાત માત્રને માત્ર ચોપડે જ નોંધવામાં આવી છે. મુસાફરોને બસ સ્ટેન્ડમાં ધુળની સમસ્યાથી અનેક અગવડતાનો સામનો કરવો પડી રહયો છે. મુસાફરો મોઢે ‚માલ દુપટ્ટો બાંધીને ધુળની સમસ્યાની બચતા હોય તેવું નજરે ચડી રહ્યું છે.
ધ્રોલથી આવતા એક મુસાફરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અહિં રાજકોટમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરું છું છેલ્લા બે વર્ષથી અપ ડાઉન કરીએ છીએ જુના બસ સ્ટેન્ડમાં બસની મુસાફરી કરવી ખુબ જ મઝા આવતી ત્યાં તો કયારેક આવવા જવાના સમયમાં ફેરફાર પડે તો પણ બસ સ્ટેન્ડમાં શાંતિપૂર્વક બેસે શકાતુ નથી. પરંતુ જયારથી હંગામી બસ સ્ટેન્ડ શરુ થયુ અને અમોને મુસાફરી કરવાની પહેલા જેવી મજા નથી આવતી કેમ કે અહીંયા ધુળની ડમરીઓ મોટી માત્રામાં ફેલાય છે.
જેનાથી શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. બીજુ ગંદકી પણ મોટી માત્રામા જોવા મળે છે. તેમજ બસોનું પાકીંગ પણ આડેધડ થાય છે. તંત્ર દ્વારા જલ્દીથી સગવડતામાં વધારો થાય તેવી મારી માંગણી છે.
બીજી બાજુ રાજકોટ એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે એસ.ટી. હંગામી સ્ટેન્ડના સ્થળાંતરને દોઢક માસનો સમય વીતી ગયો છે. પ્રાથમીક ધોરણે અમોએ મુસાફરોને કોઇ અગવડતા ન થાય તેવી બધી જ સુવિધા અપાઇ છે. ગ્રીડની કામગીરી બાકી છે. આવતા દિવસોમાં એ પણ કામગીરી પૂર્ણ થશે તેમજ મુસાફરોની સમસ્યા તેમજ માંગણીને ઘ્યાનમાં રાખીને તંત્ર બધા જ પ્રપ્તનો કરશે.
આ ઉપરાંત બીજા અન્ય મુસાફરોનું કહેવું છે કે આટલો સમય સ્થળાંતરને વીત્યો છતાં અમારે લીમડા ચોકથી બસ સ્ટેન્ડમાં આવવા માટે પ્રવેશ દ્વારા વચ્ચે ફેન્સીંગ નાખવામાં આવી છે. અને રાહદારીઓને મુશ્કેલ પડે છે.
આ બધી જ વસ્તુ જેમાં લોકો રોડ પરથી આવવાના બદલે ફેન્સિગમાંથી જોખમી રીતે આવ-જા કરી રહ્યા છે. જેનાથી ગંભીર અકસ્માત થવાનું જોખમ વઘ્યું છે. બસની અવર જવરથી ધુળ ડમરીનું પ્રમાણ વઘ્યું છે. જેનાથી પ્રદુષણની માત્રામાં પણ વધારો થયો છે. આટલો સમય વીત્યો છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નથી. જોવાનું રહેશે કે એસ.ટી. તંત્ર લોકોની સમસ્યાને કયારે વાચા આપશે ?