તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારમાં વીજળીના ધાંધીયા મામલે અધિકારીઓ ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી
કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા અને ધારાસભ્ય વરમોરાએ પીજીવીસીએલના અધિકારીઓને વિજળીના પ્રશ્નોનું તાકીદ કરી
હળવદમાં પીજીવિસીએલની કામગીરીને લઈ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાનમાં પીજીવિસીએલની રીવ્યુ મીટીંગ યોજાઈ હતી. જેમાં આગેવાનોએ વીજળીના પ્રશ્ને અધિકારીઓ ઉપર પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો હતો. મળતી માહિત અનુસાર, હળવદ શહેરમાં હાલના ઉનાળાના સમયકાળ દરમિયાન વારંવાર વિજળી ડુલ થવાની ફરિયાદ વ્યાપક બની છે અને જવાબદારો બેજવાબદાર રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. હાલ ઉનાળામાં લોડ વધારો સ્વાભાવિક હોય તે પ્રમાણે વધુ ટીસી મુકવા માંગ કરાઇ છે.
હળવદ શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજ વિતરણમાં ધાંધીયા વ્યાપક બન્યા છે. ગમે ત્યારે ગમે તે સમયે લાઇટ જતી રહે છે અને ગયેલી લાઇટ ક્યારે પાછી આવશે તેનું કોઇ નક્કી હોતુ નથી. ત્યારે સ્થાનિકોને ભોગવવી પડતી હાલાકીને લઇ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષ સ્થાનમાં પીજીવીસીએલની રીવ્યુ મીટીંગ યોજાઈ હતી. જેમાં હળવદ પંથકમાં વિજળીના પ્રશ્નો વધતા હોવાથી તાત્કાલિક ધોરણે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા તાકીદ કરાઈ હતી.
તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોએ તાલુકા પંચાયતના સદસ્યોએ વીજ પ્રશ્નો જણાવ્યા હતા. તેમજ હળવદ પીજીવીસીએલના એજ્યુકેટિવ એન્જિનિયરે ટૂંક સમયમાં જ પ્રશ્નનો નિરાકરણ લાવવાનું જણાવ્યું હતું. ત્યારે આ બેઠકમાં હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, મોરબી જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.