ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ દ્વારા બરફીનાં ૪૫ યુનિટોને નોટિસ ફટકારાય
બોગસ માવા અને ટેલકમ પાવડરનાં ઉપયોગથી બનાવવામાં આવેલી મીઠાઈઓને ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા બેન કરવામાં આવી છે અને બરફીનાં ૪૫ યુનિટોને પણ નોટીસ પાઠવવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દિવાળી પૂર્વે જે મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે તેમાં બોગસ માવાનું પ્રમાણ વધતાની સાથે જ લોકોનાં સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતા ચેડા ન થાય તે હેતુસર એફડીસીએ દ્વારા મીઠાઈ બનાવતા યુનિટો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે.
રાજયમાં ગાંધીનગર, મહેસાણા, સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ગોધરા, ગાંધીનગર અને જુનાગઢનાં યુનિટો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. એફડીસીએનાં કમિશનર એચ.જી.કોસીયાએ જણાવ્યું હતું કે, મીઠાઈમાં માવાનું નિર્માણ મિલ્ક ફેટથી થતું હોય છે જેનો ખર્ચ ૨૫૦ રૂ. પ્રતિ કિલો હોય છે પરંતુ નિર્માતાઓ તહેવાર પ્રસંગે જયારે મીઠાઈ બનાવે છે ત્યારે બોગસ માવાનો વપરાશ કરતા હોય છે જે માવો સ્કિમડ મિલ્ક પાઉડર અને વનસ્પતિમાંથી બનાવાય છે જે પ્રતિ કિલો માત્ર ૫૦ રૂપિયે મળે છે. આ વાત સામે આવતા જ ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા તમામ યુનિટો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે જેમાં નજરે ચડતા બરફીનાં ૪૫ યુનિટોને નોટીસ પાઠવવામાં આવી છે. સાથોસાથ આ તમામ યુનિટો ઉપર ભારે દંડ ફટકારવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
બરફીનાં ૧૫ યુનિટોને નોટીસ પાઠવવામાં આવી છે તેમાંથી ૨ યુનિટ ગાંધીનગરનાં હોવાનું સામે આવતાની સાથે જ નવો ઘટસ્ફોટ થયો છે કે, બરફીમાં બોગસ માવાની સાથોસાથ તેઓ ટેલકમ પાવડરનો પણ ઉપયોગ કરતા નજરે પડયા છે જે લોકોનાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
બોગસ માવા માત્ર રાજયનાં ગ્રામીણ વિસ્તારોમાં નહીં પરંતુ અન્ય રાજયો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ તેનું વેચાણ થઈ રહ્યું છે. ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા આ રાજયોમાંથી પ્રારંભિક ધોરણે ૫૪૭ કિલોનો વાઈટ પાવડર જપ્ત કર્યો છે અને ગાંધીનગર જિલ્લામાં કાયલાદેવી મિલ્ક ફુડ પ્રોડકટ અને રહાણાદેવી મિલ્ક ફુડ પ્રોડકટ વિરુઘ્ધ વિશ્ર્વાસ ભંગ, ફોજદારી અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે કરાતા ચેડાને લઈ તેઓ સમક્ષ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. એફડીસીએ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તેઓએ લોકોને અપીલ પણ કરી છે કે, આ પ્રકારની થતી કાર્યવાહી ઉપર રોક લગાવવામાં આવે અને જો તેઓને આ અંગે કોઈપણ ચીજવસ્તુઓની ભાળ મળે તો ત્વરીત તંત્રને જાણ કરવામાં આવશે.