ખેડૂતોને લુંટાતા બચાવી રહ્યું છે નવું બિલ: નવા પેસ્ટીસાઇડ બિલનો ક્રોપ કેર ફેડરેશને કર્યો વિરોધ
ખેડૂતોને જંતુનાશક દવામાં ભેળસેળ સામે રક્ષણ આપતા પેસ્ટીસાઇડ બિલનો એગ્રો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને વિરોધ કરી જણાવ્યું છે કે પેસ્ટીસાઇડ એ આવશ્ય વસ્તુ નથી તેથી તેના પર ભાવ બાંધણું કરવાની જરૂર નથી.
નવા પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ બિલમાં પેસ્ટીસાઇડમાં નકલી કે અસર વગરની જંતુનાશક દવા ઉત્પાદક કંપનીને રૂ ૫૦ લાખનો દંડ અને પાંચ વર્ષની કેદની જોગવાઇ છે.ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયાએ નવા પેસ્ટીસાઇડ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે કેબીનેટે મંજુર કરેલા નવા પેસ્ટીસાઇડ બિલને સંસદમાં આગામી દિવસોમાં મુકવામાં આવનાર છે. આ નવા બિલમાં પેસ્ટીસાઇડ મામલે નાના કે મોટા ગુના વચ્ચેનો ભેદ રહ્યો નથી. નાની ક્ષતિ કે ભૂલ માટે રૂ. ૫૦ લાખનો દંડ અને પાંચ વર્ષની સજાની જોગવાઇ બહુ આકરી છે.
સરકારે આ નવા પેસ્ટીસાઇડ બિલની પુન: સમીક્ષા કરવી જોઇએ તેમ જણાવી સીસીએફઆઇના સીનીયર સલાહકાર હરીશ મહેતાએ ઉમેર્યુ હતું કે સક્ષમ રજીસ્ટ્રેશન કમીટી સમક્ષ રજીસ્ટ્રેશન કરાયા બાદ નિયમ અનુસાર દવા બનાવનારાના રક્ષણ માટે આ નવા બિલમાં કોઇ જોગવાઇ નથી. નાની અમથી ભૂલ માટે મોટી સજા અંગે પુન: વિચારણા નહીં કરાય તો દવા ઉત્પાદકોને પોતાનો વ્યવસાય બંધ કરવાની ફરજ પડશે અને કોઇપણ દવા ઉત્પાદક સામાન્ય ક્ષતિ માટે જેલ સજા ભોગવવા તૈયાર નહીં થાય. એસોસીએશને જણાવ્યું હતું કે જંતુનાશક દવા આવશ્યક ચીજવસ્તુ નથી કે એટલે તેને ભાવ બાંધણામાં લાવવાની જરૂર નથી.
હાલના સમયમાં જંતુનાશક દવા બજારમાં તીવ્ર હરિફાઇ છે આવા સમયે જે લોકો બિન અસરકારક કે નકામી દવા કરતા વધુ અસરકારક અને સારી દવા આપવા પ્રયત્ન કરતા હશે તે પણ આ ઉઘોગથી દૂર થઇ જશે.
ખેડૂતોને લૂંટાતા બચવવાનો સરકારનો પ્રયાસ
જંતુનાશક દવામાં ખેડૂતો લુંટાય નહીં તે માટે સરકારે આ નવું બિલ તૈયાર કર્યુ છે. ચોમાસની સીઝન કે અન્ય સીઝનમાં પાકમાં કીટકો, રોગ ડામવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક દવા ઉત્પાદકો દ્વારા પાકમાં રોગચાળો કે જીવજંતુના ઉપદ્રવ વધે ત્યારે જંતુનાશક દવાની માંગ ખુબ વધે છે. જેથી દવા ઉત્૫ાદકો નિયત ભાવ કરતા વધુ ભાવ પડાવતા હોય છે અને કેટલાક ઉત્પાદકો નાણા કમાઇ લેવાની લાલચમાં ખેડૂતોને નબળી કે બિન અસરકારક દવા પણ ધાબડી દેતા હોય છે. જરૂરીયાતના સમયે યોગ્ય જંતુનાશક દવા મળી રહે અને ખેડૂતો લૂંટાય નહી તે માટે જ સરકારે આ બીલ તૈયાર કર્યુ છે.