પ્રાંત અધિકારીએ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપ્યા બાદ જિલ્લા કલેકટરની કાર્યવાહી : મહેસુલ વિભાગની કાર્યવાહી પુરી, હવે પોલીસ કાર્યવાહીમાં શુ થાય છે તેના ઉપર સૌની મીટ
વાવડીનો મહેસુલી રેકોર્ડ ગુમ થવાના પ્રકરણમાં પ્રાંત અધિકારીએ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપ્યા બાદ જિલ્લા કલેકટરે કાર્યવાહી કરી છે. જેમાં તેઓએ તલાટીને સસ્પેન્ડ કર્યો છે અને મામલતદારને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
વાવડી ગામનો મહેસુલી રેકોર્ડ ગુમ થવાના પ્રકરણમાં જિલ્લા કલેકટર દ્વારા સીટી-2 પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્માને તપાસ સોંપી હતી. જેને પગલે પ્રાંત અધિકારીએ તમામ ઘટના અંગે જાણકારી મેળવી હતી અને ઝીણવટભરી તકેદારી સાથે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ તેઓએ ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટરને સોપ્યો હતો.
આ રિપોર્ટમાં તલાટી ગીધવાણીની બેદરકારી છતી થઇ હોવાનું જણાતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ તલાટીને સસ્પેન્ડ કર્યો છે. જ્યારે બીજી તરફ મામલતદારને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
બીજી તરફ તપાસ અધિકારી એવા પ્રાંત દ્વારા રેકોર્ડ ગુમ થયા બાદ જે જે જગ્યાએથી સરકારી કાગળો મળ્યા હતા તેની પણ તપાસ આદરી હતી. એક તો જ્યાંથી રેકોર્ડ ગુમ થયા તેની બાજુની જગ્યાએ નાલા નજીક જે રેકોર્ડ મળ્યું તે અને ભંગરના ડેલામાંથી જે રેકોર્ડ મળ્યું તેની સ્થળ ઉપર જઈને ચકાસણી કરી હતી. જો કે આ રેકોર્સ વાવડીનો ગુમ થયેલ રેકોર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાવડી ગામની જમીનમાં અગાઉના અનેક જમીન વિવાદો હાલ ચાલી રહ્યા છે. વાવડી ગામે ગુમ થયેલો રેકોર્ડ આ વિવાદોને ડામવાના મહત્વપૂર્ણ પુરાવા હતા. જો કે આ કિંમતી રેકોર્ડ હોવા છતાં તેને આવી રીતે અસલામત રીતે રાખવો તે બેદરકારી નહિ પણ મહા કૌભાંડનું ષડયંત્ર હોવાનું વધુ જણાઈ આવે છે.
હાલ મહેસુલ તંત્રએ તો તેના રેકોર્ડ ગુમ થવાના પ્રકરણમાં તલાટીને સસ્પેન્ડ કરીને પોતાની કાર્યવાહી પુરી કરી નાખી છે. હવે પોલીસ કાર્યવાહીમાં શુ થાય છે તેના ઉપર સૌની મીટ છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ ગમે તેટલી કરવામાં આવે. રેકોર્ડ મળવાનો નથી અને ગુમ કરનાર પણ મળવાનો નથી. કારણકે આ એક મહાકૌભાંડ હોવાની ગંધ હાલ આવી રહી છે.