અંતરીયાળ વિસ્તારોમાં કનેકટીવીટી વગર હાજરી પૂરવી અશકય તેમજ અન્ય સરકારી કામે રોકાયેલા હોય ત્યારે ગામે જઈને હાજરી કેમ પૂરવી તેવી અનેક વિટંબણા!!
રાજયના તલાટી કમ મંત્રીઓએ ઓનલાઈન હાજરી સામે વિરોધ નોંધાવ્યો છે. તલાટી મહામંડળ દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી જો યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો તા.૨ ડિસે.થી મહેસુલી કામનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજય તલાટી મહામંડળે જણાવ્યુંં હતુ કે રાજયમાં ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને ઈ-તાસ એપ્લીકેશન તથા ઈ-ગ્રામ કમ્પ્યુટરમાં એપ્લીકેશન દાખલ કરી ફરજ પરની હાજરી પૂરવાઅંગે પરિપત્ર કરેલ છે. સમગ્ર રાજયમાં માત્ર તલાટી કમ મંત્રીની એકજ કેડર માટે ઈ-તાસ ની અમલવારી કરવાનો નિર્ણય કરેલ છે. જે અન્યાયકર્તા હોઈ ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૨૪.૧૦.૧૯ના આદેશથી ઈ-તાસ એપ્લીકેશનનો વિરોધ કરી બહિષ્કાર કરેલ છે.
રાજયની તમામ કેડરની કામગીરી ધ્યાને લેતા તલાટી કમ મંત્રી તમામ યોજનાકીય કાર્યવાહીની અમલવારીની સાથે ચૂંટણી ગરીબ કલ્યાણ મેળા પીએમ કિસાન પૂર રાહત, દુષ્કાળ, મહેસૂલી તથા અન્ય ઈમર્જન્સી કામગીરી કરે છે છતા અન્ય કોઈ કેડરને ઈ-તાસ એપ્લીકેશનની અમલવારી કરવાનો નિર્ણય લેવાયો નથી જે અન્યાયકર્તા છે.
રાજયના અંતરિયાળ વિસ્તાર તથા ડુંગરાળ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં નેટવર્ક સિસ્ટમ પકડાતી નથી જેથી આવા વિસ્તારમાં ઉપરોકત ઈ-તાસ તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશનનો અમલ થઈ શકે તેમ નથી જે એ તલાટી કમ મંત્રીઓને હાજરી પરી શકાય તેમ નથી.
સરકાર દ્વારા ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવામાં આવશે તો તલાટી કમ મંત્રી ફરજનો સમયગાળો ૧૦.૩૦ થી ૬.૧૦ સુધીનો રહેશે એ સિવાયના સમયમા હવે કરાવવામાં આવતી તમામ કામગીરી પર વિપરીત અસર પડશેજે ઈમરજન્સી સેવાઓને ભારે અસર કરશે એ બાબત પણ મહત્વની રહેશે અને ૧૦.૩૦ થી ૬.૧૦ સિવાયના સમયમાં તલાટી કમ મંત્રીને કામગીરી કરવા ફરજ પાડી શકાશે નહી.
આ ઉપરાંત પણ તલાટી કમ મંત્રી ફેરણા કર્મચારી હોઈ પંચાયત તથા મહેસૂલી કામ માટે તાલુકા જિલ્લા કક્ષાએ કે કોર્ટે કચેરીમાં કે અન્ય કચેરીમાં હાજરી આપવાની હોઈ ગામે જઈ હાજરી પૂરવી મુશ્કેલ બને છે છતા ઈ-તાસ અમલ માટે જિલ્લા કક્ષાએથી અધિકારીઓ દ્વારા ખોટુ દબાણ કરી સી.એલ. તથા કપાત પગાર તથા રજાના હુકમો કરેલ છે જે તાત્કાલીક બંધ કરાવવાની માંગણી છે.
તાત્કાલીક આ ઈ-તાસ અમલવારી બંધ કરવામાં નહિ આવે તો આગામી ૨ ડિસે.થી રાજયના તમામ તલાટી કમ મંત્રી રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરશે તેમજ એન્ડ્રોઈડ મોબાઈલનો સંપૂર્ણ બહિષ્કાર કરશે તથા ગામે હાજરી આપી ફકત પંચાયતની કામગીરી કરશે અન્ય કોઈપણ વધારાની કામગીરીનો બહિષ્કાર કરાશે.