તાલાલા નગરપાલિકા તંત્ર, માહિતી અધિકાર કાયદા અને માહિતી કમિશનરના હુકમને પણ ગણકારતા ન હોય તેમ બાંધકામ મુદ્ે મંગાયેલી માહિતી આપવામાં તંત્ર ગલ્લાતલ્લા કરતું હોવાની ફરિયાદ ઉઠી છે.
તાલાલા બાંધકામના ગેરરિતીનો ભાંડો ફૂટવાની સ્થિતીમાં માહિતી અપાતી નથી
તાલાલાના પત્રકાર અને સામાજીક આગેવાન લીલાધર હરવાણીએ શહેરમાં બાંધકામોની કથિત ગેરરિતીને લઇ માહિતી અધિકાર અન્વયે માહિતી માંગવામાં આવી છે. સ્થાનિક ધોરણે નગરપાલિકાના જવાબદારો મુદ્તમાં માહિતી ન આપતા લીલાધર હરવાણીએ ભાવનગર નગરપાલિકા કમિશનરને આ અંગે ફરિયાદ કરતા કમિશનરે તાલાલા નગરપાલિકાને બાંધકામ મુદ્ે મંગાયેલી માહિતી આપવા તાકીદ સાથે હુકમ કર્યો છતાં અરજદારને માહિતી અપાતી નથી. બાંધકામની માહિતી માંગનાર અરજદારને ઇજનેર વિભાગના જવાબદારો ‘તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ’ માહિતી નહિં જ મળે અને જવાબદારો એક-બીજાને આરોપ લગાવે છે.
તાલાલા નગરપાલિકામાં નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. ઇન્ચાર્જથી કામ ચલાવાઇ છે. હેડ ક્લાર્ક અને જવાબદારો મનસ્વી રીતે વહિવટ ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. બાંધકામ સબબની માહિતીમાં મોટા કૌભાંડ બહાર આવે તેવી સ્થિતિને લઇ માહિતી આપવામાં ગલ્લાતલ્લા થઇ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.