લોકસભામાં ૨૫૬ સાંસદોમાંથી ૨૪૫ સાંસદોએ ત્રિપલ તલાકના પક્ષમાં કર્યું મતદાન
લોકસભા બીલ ૨૦૧૮ને લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું જે હવે રાજયસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યારબાદ જ ત્રિપલ તલાક બીલ કાનૂની રૂપે રજૂ કરાશે. સંસદમાંથી ૨૫૬ સાંસદોમાંથી ૨૪૫ સાંસદોએ ત્રિપલ તલાકની તરફેણમાં મતદાન કર્યું હતું. જયારે ૧૧ સાંસદો બીલ વિરુધ્ધ મતદાન કર્યું હતું. સદનમાં અસાઉદ્દીન ઓવેશીના ત્રણ મુખ્ય સંશોધનને પણ કોઈની તરફેણ મળી ન હતી જયારે અન્ય પ્રસ્તાવોને પણ મંજૂરીની મહોર મળવામાં અસફળતા મળી હતી.
કોંગ્રેસ અને એઆઈઈડીએમકે આ બીલના વિરુધ્ધમાં વોકઆઉટ કર્યું હતું અને મતદાન વખતે તેઓ હાજર પણ રહ્યાં ન હતા. જયારે સમાજવાદી પાર્ટીના સદસ્યોએ પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. ત્રિપલ તલાક બીલના વિરુધ્ધમાં લેવામાં આવેલા તમામ સંશોધનોને નકારી કાઢવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ સુસ્મીતા દેવે જણાવ્યું હતું કે, આ બીલનો મુળ હેતુ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણનો નહીં પણ મુસ્લિમ પુરુષોને સજા આપવાનો છે. જયારે જવાબમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બીલને રાજકારણના માપદંડથી ન જોવા નિવેદન કર્યું હતું. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે, તે કોઈ ધર્મ કે, સમુદાય સાથે નહીં પણ ન્યાય સાથે સંકળાયેલુ છે. ત્રિપલ તલાક બીલને બીજી વખત લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ પણ ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ત્રિપલ તલાક બીલ નીચલા ગૃહમાં પસાર કરાયું હતું. પરંતુ રાજયસભામાં વિપક્ષના વિરોધને કારણે અટકી ગયું હતું. ત્યારે હવે આ બીલ લોકસભામાંથી તો પસાર થઈ ગયું છે પરંતુ સાચી કસોટી તો રાજયસભામાં પસાર કરવાની રહેશે.
રાજયસભામાં બીલ સામે વિપક્ષોનો વિરોધ ચાલુ રહેતા સપ્ટેમ્બર માસમાં સરકારે વટહુકમ દ્વારા બીલ પસાર કરી દેવાયું હતું જે મુજબ ત્રણ તલાક ગુનો બને છે અને તેના દોષીતોને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. એટલે જો ત્રિપલ તલાક બીલને રાજયસભામાં પાસ કરવામાં આવે તો ખરા અર્થમાં મુસ્લિમ મહિલાઓ એમપાવર થઈ શકશે અને પોતાનું સ્થાન પણ પ્રસ્થાપિત કરી શકશે.
ત્યારે હવે રાજયસભામાં જોવાનું રહ્યું કે, શું પહેલાની જેમ જ ત્રિપલ તલાક બીલને મંજૂરી મળશે કે નહીં મળે જેને લઈ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, ત્રિપલ તલાક બીલ મુસ્લિમ મહિલાઓના ઉત્થાન માટે ખૂબજ મહત્વપૂર્ણ અને અનિવાર્ય બની રહયું છે. ત્યારે બંધારણ કોઈ જ્ઞાતિને નહીં પણ યુનિફોર્મ સીવીલ કોડને માન્ય રાખે છે.
ભાજપના સાંસદ મીનાક્ષી લેખીના જણાવ્યાનુસાર કોઈપણ ધર્મની મહિલાઓ છુટાછેડા લેવા ઈચ્છતી નથી હોતી અને આજીવન સાથ નિભાવવાના કોલ આપતી હોય છે ત્યારે ફકત ત્રણ શબ્દ દ્વારા છૂટાછેડાનો કોઈ અધિકાર કેવી રીતે આપી શકાય તે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે હંમેશા તૃષ્ટીકરણની રાજનીતિ કરી છે નહીંતર મુસ્લિમ મહિલાઓને કયારનો તેમનો અધિકાર મળી ગયો હોત. જેથી તેઓએ જણાવ્યું હતું કે, તેઓ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે નહીં કે મુસ્લિમ કે હિન્દુ કાયદો. સાથો સાથ વિપક્ષે સુધારેલા ખરડામાં રહેલી જોગવાઈઓ સામે ઉગ્ર વાંધો નોંધાવ્યો હતો. કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, તૃણમુલ કોંગ્રેસ અને એનસીપીએ આરોપ મુકયો હતો કે, ખરડાની જોગવાઈ ગેરબંધારણીય છે. મુસદા ખરડાને વ્યાપક ચકાસણી જરૂરી હોવાથી સિલેકટ કમીટી પાસે મોકલી આપવામાં આવે ત્યારે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક ખરડા મુદ્દે વિપક્ષ દ્વારા થઈ રહેલી માંગણી ફગાવી વિપક્ષના જ મનસુબા પર સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, વિપક્ષ શા માટે બેવડા ધોરણો અપનાવી રહી છે. પરંતુ મતદાન પૂર્વે જ વિપક્ષે વોકહાઉટ કર્યો હતો. સાથો સાથ પ્રેમચંદ્રન અને ઓવેશીના સુધારા પણ લોકસભામાં નકારી કાઢવામાં આવ્યા હતા અને વિપક્ષની જે માંગ હતી કે, સંસદની સિલેકટ સમીતીને ત્રિપલ તલાક ખરડો સોંપવામાં આવે તે માંગને પણ ફગાવી દેવામાં આવી હતી.