સેન્સેકસ ૩૮ અંક વધી ૩૯,૦૫૮ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું
શેરબજાર શુક્રવારે સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૩૭.૬૭ અંક વધી ૩૯,૦૫૮.૦૬ પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે ૩૯,૨૪૧.૬૧ના ઉચ્ચ અને ૩૮,૭૧૮.૨૭ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ ૧.૩૦ અંકના વધારા સાથે ૧૧,૫૮૩.૯૦ પર થયું હતું. કારોબાર દરમિયાન તે ૧૧,૬૪૬.૯૦ના ઉચ્ચ અને ૧૧,૪૯૦.૭૫ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે ઈન્ડેક્સના મોટા ભાગના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૨૬ શેરમાં નુકસાન જોવા મળ્યું હતું. ઈન્ફ્રાટેલ ૭ ટકા ઘટ્યો. ટેક મહિન્દ્રામાં ૨.૬ ટકા ઘટાડો જોવા મળ્યો. એચસીએલ ટેક ૧.૫ ટકા નીચે આવ્યો. કોટક બેન્ક, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૦.૭ ટકાથી ૧ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ઈન્ફોસિસના શેરમાં ૨.૩ ટકા ઉછાળો આવ્યો. એસબીઆઈ અને આઈટીસીમાં ૨-૨ ટકા તેજી આવી. આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯ ટકા અને મારૂતિનો શેર ૦.૮ ટકા ચઢ્યો. બજાજ ફાઈનાન્સ, યસ બેન્ક, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેન્કમાં ૦.૬ ટકાથી ૦.૭ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
બીએસઈ સેન્સેક્સમાં ખુલતામાં ૨૭૦ પોઈન્ટ ઊંચકાયો હતો. ઉપરના સ્તરેથી નફારૂપી વેચવાલી રહેતા સેન્સેક્સ ૩૯,૩૨૭ની ઈન્ટ્રા ડે ઊંચી સપાટીએથી ગગડીને ૩૯,૦૫૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. પ્રારંભિક સુધારો છેતરામણો પુરવાર થયો હતો. નિફ્ટી આંક પણ વધીને ૩૦.૧૦ પોઈન્ટ વધીને ૧૧,૬૩૪ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. એચસીએલ ટેક્નોલોજીસનો શેર ત્રણ ટકા વધ્યો હતો. કંપનીના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામને પગલે શેરમાં લેવાલી રહી હતી. એચસીએલે ચાલુ વર્ષનો આવકનો અંદાજ પણ ૧૫થી ૧૭ ટકા મૂક્યો હતો. ટેક મહિન્દ્રા, તાતા મોટર્સ, એલએન્ડટી, વેદાન્તા, યસ બેન્ક, આઈટીસી, બજાજ ઓટો, એચડીએફસી બેન્ક અને એચડીએફસી સહિતના શેરમાં બે ટકાનો સુધારો હતો. હેવીવેઈટ ભારતી એરટેલ, ઇન્ફોસિસ, ઓએનજીસી, પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ અને હીરો મોટોકોર્પ બે ટકાથી વધુ ગગડ્યા હતા.
ઇન્ફોસિસમાં કંપની પરિણામમાં ખોટા આંકડા રજૂ કરવા માટે ગેરરીતિના આક્ષેપો બાદ હવે ઈન્સાઈડર ટ્રેડિંગની શંકા પણ સામે આવી છે. શેરબજાર નિયમનકારી સંસ્થા સેબી કંપનીના ટોચના મેનેજમેન્ટને સમન્સ પાઠ્વે તેવી સંભાવનાથી શેરમાં સાવચેતી સાથે કામકાજ જોવા મળે છે. ઇન્ફીનો શેર તેની રૂ. ૮૪૭ની વર્ષની ટોચેથી ગગડીને હાલમાં ૬૫૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે વ્હિસલબ્લોઅરના મુદ્દે ઈન્ફોસિસના શેરમાં ૧૭ ટકાનો છેલ્લા છ વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો અને કંપનીના માર્કેટ કેપમાં ૫૧,૦૦૦ કરોડથી વધુનું ધોવાણ થયું હતું.