કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
આ શ્રેણીને 50 દિવસ પુરા થયા, ‘શો મસ્ટ ગો ઓન’ના સુત્રને અનુસરીને આજથી એકેડેમિક સેશન શરૂ કરી જે યુવા કલાકારોને ઘણી ઉપયોગી થશે
અબતકના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
ચાયવાય એન્ડ રંગમંચ સીઝન- 3 માં ગઈકાલે આ કોરોના કાળ અને લોકડાઉનમાં 50 મહેમાન પુરા થયા, સતત અવિરત રોજ સાંજે રંગભૂમિના એક નવા કલાકાર મહેમાન સાથે લાઈવ સેશન દ્વારા લોકોને અવનવી વાતોથી માહિતગાર કરવા અને આવનારી પેઢીને કંઈક નવું જાણવા મળે એ હેતુથી શરુ થયેલ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3 નાં 50 દિવસ પુરા થયા. શો મસ્ટ ગો ઓન નાં સૂત્ર ને અનુસરતા જુન મહિનાથી એકેડેમિક સેશન શરુ થાય છે. જે દરેક યુવા કલાકાર ખાસ જોવું જોઈએ. હવે આવનારા સેશન માં કલાકાર, મહેમાનો રંગભૂમિ સાથે સંકળાયેલા દિગ્ગજો હશે. જેવાકે ડો સતીશ દાભાડે, રાજુ બારોટ, ડો. સતીશ વ્યાસ અદિતિ દેસાઈ, પી.એસ.ચારી, ડો. રઈશ મણીયાર, ભારત યાગ્નિક, ભીમ વાકાની, જયશ્રી પરીખ શ્રેણીમાં લાઈવ આવશે.
ગઈકાલે પ્રથમ દિવસે રંગભૂમિનાં પ્રસિદ્ધ, સ્કોલર કે જેમણે નાટ્ય શાસ્ત્ર પર પી.એચ.ડી. કરી છે એવા ડો. મહેશ ચંપકલાલ પધાર્યા. જેમનો વિષય હતો ભરતમુનીનું નાટ્યશાસ્ત્ર આંગીકમ ભુવનમ યસ્ય, વાચિકમ સર્વ વાંગ્મયમ, આહાર્યમ ચંદ્ર તારાદિ, ત્વં નુમ: સાત્વિકમ શિવમ. નાટકની શરૂઆતમાં જેમ રંગદેવતાની સ્તુતિ કરવામાં આવે એમ ડો. મહેશ ભાઈએ સેશનની શરૂઆતમાં રંગદેવતાને યાદ કર્યા અને નાટ્યશાસ્ત્ર વિષે વાત કરવાનું કેમ સુઝ્યું ? એ વિષે જણાવતા મહેશ ભાઈએ કહ્યું કે 1973માં બરોડા યુનીવર્સીટીનાં નાટ્ય વિભાગમાં ગ્રેજ્યુએશનની અંતિમ પરીક્ષામાં પ્રવીણ જોશી મારા એક્ઝામીનાર હતા અને મને એમણે આઈ.એન.ટી માં જોડાવાનું આમંત્રણ આપ્યું. પ્રથમ નાટક અંધ વિશ્વાસ મારી રંગમંચની યાત્રા શરુ થાય એ પહેલા અમુક કારણો સર આગળ નહિ વધાયું અને 1974 માં શરત નાટકમાં ફરી પ્રવીણ ભાઈએ મને આમંત્રણ આપ્યું. ત્યારે દ્રશ્યો જોઈ હું મારો અભીપ્રાય લખીને બતાડતો.
એક દિવસે પ્રવીણ ભાઈએ કહ્યું કે છોકરા આ તું જે લખે છે એ તારી લખાવટ નો અભિગમ, એ પરથી મને લાગે છે કે વ્યાવસાયિક રંગમંચ કરતા જો એકડેમિક થિયેટરને તમે અપનાવશો તો તમારું તો ભલું થશે જ સાથે બીજાઓનું પણ ભલું થશે જ. એમના એ વચને મારી આંખો ખોલી અને હું વડોદરા શિક્ષક તરીકે જોડાયો. એ વખતે અભ્યાસ કરતા ભારત મુની નાં રસ સિદ્ધાંતમાં મને રસ પડતો, સૌન્દર્ય સિદ્ધાંતની વાતો સાંભળતો, નાટ્ય શાસ્ત્ર ની વાતો સાંભળતો ત્યારે મને લાગ્યું કે નાટ્ય શાસ્ત્ર વિષે ઊંડો અભ્યાસ કરવો જોઈએ. અને ભારત મુનીનાં રંગમંચ અને નાટ્ય શાસ્ત્રનાં અભ્યાસની સફર શરુ થઇ. છેલ્લા 40 વર્ષથી મારા સંશોધનનો ગમતો રસનો વિષય રહ્યો છે. નાટ્યશાસ્ત્ર
નાટક અને નાટ્ય આ બન્ને માં પાયાનો તફાવત છે. જેના વિષે વિસ્તારથી વાત સમજાવી, નાટક ક્યારે અસ્તિત્વમાં આવ્યું ? એનાં વિષે જણાવતા કહ્યું કે નાટ્યગુરુ ભરતમુની નાં જણાવ્યા મુજબ જ્યારે અધર્મનું પ્રચલન થયું ત્યારે નાટકની ઉદ્ભાવના થઇ. સંઘર્ષ જ ન હોય તો નાટક ક્યાંથી આવે ? ત્રેતા યુગમાં દેવ દાનવો વચ્ચે કલેશ થવા લાગ્યો ત્યારે દૃશ્ય, શ્રાવ્ય કલા જે જોઈ શકાય સાંભળી શકાય એવા નાટકનો ઉદ્ભવ થયો. નાટ્ય શાસ્ત્રનાં દરેક સૂત્રમાં નાટકની અદ્દભુત વાતો ભરતમુનીએ કરી છે. નાટક એ મનોરંજનનું સાધન છે એ આપણે ન ભૂલવું જોઈએ. ચાર વેદમાંથી ઘણા તત્વો લઈને આ પાંચમો વેદ નાટ્યશાસ્ત્ર નિર્માણ પામ્યો છે. નાટક એક તપસ્ચર્યા, એક ઉપાસના એક આરાધના છે. ઋગ્વેદ માંથી સંવાદ, અથર્વ વેદમાંથી પાઠ્ય, સામવેદ માંથી ગાન ગીત , ચેષ્ટાઓ, અને મુદ્રાઓ યજુર્વેદ માંથી લેવામાં આવી છે.
નાટકની વિશેષતા શું હોય ? નાટક કેમ કરવું ? નાટકનો કલાકાર કેવો હોવો જોઈએ ? કેવા રસ કલાકાર અને પ્રેક્ષકોને જકડી રાખે ? નાટક કેમ ભજવાય ? પ્રાયોગિક, આધુનિક રંગમંચ કેવું હોવું જોઈએ ? એ વાતો પર ડો. મહેશ ચંપકલા ભાઈએ વિસ્તારથી જણાવ્યું જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ડો સતીશ દાભાડે, રાજુ બારોટ, ડો. સતીશ વ્યાસ અદિતિ દેસાઈ, પી.એસ.ચારી, ડો. રઈશ મનીયાર, ભારત યાગ્નિક, ભીમ વાકાની, જયશ્રી પરીખ. જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો અને મળો આપના મનગમતા મહેમાનને.
આજે ડો. પ્રભાકર દાભાડે લાઈવ આવશે
‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે એમ.એસ.યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડિન (નાટ્ય વિભાગ), પાટલી પુત્ર એવોર્ડ વિજેતા જાણિતા દિગ્દર્શક ડો.પ્રભાકર દાભાડે ‘ડાયરેકટર અને ક્રિએટીવ પ્રોસેસ’ વિષય પર પોતાના વિચારો અનુભવ શેર કરશે. ડો. પ્રભાકર ને ગુરૂશિપ એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ જાણિતા દિગ્દર્શક-પ્રોડકશન નિષ્ણાંત-સેટ ડિઝાઈનર અને નાટ્ય માર્ગદર્શક છે. આજનું એકેડેમીક સેશન યુવા કલાકારો માટે ઘણું જ ઉપયોગી છે તેથી કલારસિકોએ ચુકવા જેવી નથી.
નાટકની શરૂઆત થઇ…
જાણિતા નાટ્ય ગુરૂ ભરત મુનીના જણાવ્યા અનુસાર ‘જયારે અધર્મનું પ્રચલન થયું’ ત્યારે નાટકની ઉદ્ભાવના થઈ’. સંઘર્ષ જ ન હોય તો નાટક કયાંથી આવે? ત્રેતા યુગમાં દેવ-દાનવો વચ્ચે કલેશ થવા લાગ્યો ત્યારે દ્રશ્ય-શ્રાવ્ય કલા જે જોઈ શકાય, સાંભળી શકાય એવા નાટકોનો ઉદ્ભવ થયો હતો. નાટ્ય શાસ્ત્રમાં દરેક સુત્રમા ભરત મુનીએ નાટકોની અદ્ભૂત વાતો કરી છે. નાટક એ મનોરંજનનું સાધન છે એ આપણે ભુલવું ન જોઈએ.