રાજ્યની ધોરણ-10 અને 12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છૂટછાટ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે 36ના બદલે 25 વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે 24ના બદલે 18 વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે. આમ, શહેરી વિસ્તારમાં 60+36ના બદલે 42+25 વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં 60+24ના બદલે 42+18 વિદ્યાર્થી સંખ્યા જાળવવા આદેશ કરાયો છે.
ગત વર્ષે ધોરણ-9 અને 11ના વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યામાં છૂટછાટની અસર આ વર્ષે ધોરણ-10 અને 12માં જોવા મળતા નિર્ણય કરાયો
ગત વર્ષે ધોરણ-9 અને 11ના વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યામાં છૂટછાટની અસર આ વર્ષે ધોરણ-10 અને 12માં જોવા મળતા નિર્ણય કરાયો છે. જોકે, આ નિર્ણય માત્ર વર્ગ ઘટાડા માટે ધ્યાને લેવાનો રહેશે. વર્ગ વધારા માટે અગાઉની જ જોગવાઈનો અમલ કરવા નક્કી કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા અંગે સરાસરી હાજરી અંગેની નીતિ નક્કી કરવામાં આવેલી છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-10 અને 12માં ઓછા વિદ્યાર્થીઓના પ્રવેશના લીધે 2022-23ની જેમ 2023-24માં પણ ધોરણ-10 અને ધોરણ-12માં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યામાં છૂટ આપવામાં ન આવે તો વર્ગ ઘટાડાની કાર્યવાહી કરવી પડે તેમ હતી અને તેના કારણે શિક્ષકોના ફાજલ થવાના પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હતા. ધોરણ-10 અને ધોરણ-12માં વિદ્યાર્થી સંખ્યા ગ્રામ્ય વિસ્તાર માટે 60+24ના બદલે 42+18 તેમજ શહેરી વિસ્તાર માટે 60+36ના બદલે 42+25 રાખવા માટે તથા અગાઉના ઠરાવોની અન્ય જોગવાઇ યથાવત રાખવા અંગે મંજૂરી આપવાની કમિશનર શાળાઓની કચેરીએ સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ- 9થી 12ના વર્ગવધારા માટે શિક્ષણ વિભાગના 2011ના ઠરાવથી નિયત થયેલ વિદ્યાર્થી સંખ્યાની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે.