ભગવતીપરાના બે શખ્સોએ પાસ કઢાવી આપવા રૂ.૩૫૦૦ ખંખેર્યા: વીર સાવરકર કવાર્ટરના શખ્સે પાસ માટે અરજી કરવા રૂ.૧૦૦ પડાવ્યા: ત્રણ શખ્સોની અટકાયત
કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોક ડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ ધાબડી કૌભાંડ આચર્યાનું જિલ્લા કલેકટરના ધ્યાને આવતા ભગવતીપરા અને કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં રહેતા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારના દિપેન કોટેચા અને ગૌરાંગ નામના શખ્સો લોક ડાઉન દરમિયાન મૂક્તિ પાસ બોગસ બનાવી ફસાયેલી વ્યક્તિઓની મજબુરીનો ફાયદો ઉઠાવી રૂા.૩૫૦૦માં પાસ અપાવી દેતા હોવાનું જિલ્લા કલેકટર રૈમ્યા મોહનના ધ્યાને આવતા મામલતદાર સી.એમ.દંગીએ પોલીસને સાથે રાખી મુળ અમદાવાદના વતની અને ભગવતીપરામાં રહેતા દિપેન મહેશ કોટેચા અને વાણીયાવાડી શેરી નંબર ૨માં આવેલા જીઇબી પાસે રહેતા ગૌરાંગ બીપીનચંદ૩ ભટ્ટ રાજકોટ જિલ્લામાંથી બહાર જવા ઇચ્છુક વ્યક્તિઓ પાસેથી રૂા.૩૫૦૦માં લોક ડાઉન મૂક્તિ પાસ બોગસ બનાવી આપતા હોવાનું બહાર આવ્યું હતું. બોગસ મૂક્તિ પાસનો ખરા તરીકે ઉપયોગ કરી તંત્રને બદનામ કરવાનો પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે. દિપેન મહેશ કોટેચા અને ગૌરાંગ બીપીન ભટ્ટ સામે બી ડિવિઝન પોલીસમાં અને વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા સામે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયા અંગેની અને સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોચવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયાનું ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
જ્યારે કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા નામના શખ્સે દુધ સાગર રોડ પર સોલંકી હોલ પાસે લોક ડાઉન મૂક્તિ પાસ મેળવવા ઓન લાઇન અરજી કરવાના બદલામાં રૂા.૧૦૦થી ૨૦૦ ઉઘરાવતો હોવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલેકટર કચેરીના પાસના ફોટા સાથે ચોપાનીયા બનાવી વોટસએપમાં વાયરલ કરતા તંત્રના ધ્યાને આવતા ડમી ગ્રાહક મોકલી સંજય મકવાણા સામે ગુનો નોંધાયો છે
દિપેન કોટેચા અને ગૌરાંગ ભટ્ટે જુદી જુદી ૨૦ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂા.૪ હજારથી રૂા.૩,૫૦૦ સુધી એડવાન્સ મેળવી જિલ્લા બહાર જવા માટેના પાસ મેળવવા જરૂરી ડોકયુમેન્ટ મેળવ્યા હતા. પોલીસે તમામ શખ્સોની ઓન લાઇન અરજી થઇ છે કે કેમ અને ૨૦ શખ્સો પૈકી કેટલાના પાસ કલેકટર કચેરીમાંથી તૈયાર થયા તે અંગેની તપાસ હાથધરી છે. પાસ કોઇને ઇસ્યુ થયા હોય તો તે બોગસ છે કે ખરેખર કલેકટર કચેરીમાંથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને કલેકટર કચેરીનો કોઇ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રકારનો ગંભીર ગુનો કરનારાઓને વોર્નિંગ, તંત્ર છોડશે નહિ : કલેકટર આકરા પાણીએ
જિલ્લા કલેકટર રેમ્યા મોહને બોગસ પાસ કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્રકારનો ગંભીર ગુનો કરનારાઓને હું વોર્નિંગ આપું છું. તેઓની સામે શખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓ આ મહામારી વચ્ચે દિવસ રાત કામ કરી રહ્યા છે. પ્રજાની પણ આ મહામારીમાં હાલત ખરાબ છે. ત્યારે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આવું પાપ કરવું અયોગ્ય છે. આ મામલે વહીવટી તંત્ર અને પોલીસ સંયુક્ત તપાસ હાથ ધરશે. આ કૌભાંડની તપાસ સિટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.