દુકાનમાલિકે ઘરેણાં ગોઠવ્યાં ત્યારે ચોરીની જાણ થતાં ફરિયાદ કરી
લીંબડી શહેરના ચબુતરા ચોકમાં આવેલી સોની રમણીકલાલ મોહનલાલની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે હિન્દી ભાષી ગઠિયા વેપારીની નજર ચૂકવીને કોથળીમાં રાખેલી ૧.૬૦ લાખની ૩૦ નંગ વિંટી લઈને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બજારની દુકાનમાં થયેલી ચોરીથી ચકચાર મચી જવા પામી હતી.
લીંબડીના છાલીયાપરાના ચિત્રાવાળા ખાંચામાં રહેતા જીગાભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ રમણીકલાલ આદેશરા ચબુતરા ચોકમાં સોનીની દુકાન ધરાવે છે.
ગુરૂવારે બપોરના સમયે બે હિન્દી ભાષી શખ્સો સોનાની બુટ્ટી ખરીદવાના બહાને દુકાને આવ્યા હતા. જીગરભાઈ બન્ને ગ્રાહકોને બુટ્ટી દેખાડી રહ્યા હતા. તે અરસામાં વેપારીની નજર ચૂકવી તેમની પાસે રાખેલા પ્લાસ્ટીકના બોક્ષની અંદર કોથળીમાં રાખેલી સોનાની ૩૦ નંગ વિંટી કિંમત રૂપિયા ૧,૬૦,૦૦૦ની લઈને બન્ને હિન્દી ભાષી ગઠિયા હમણાં બજારમાં જઈને પાછા આવીએ તેમ કહી જતા રહ્યા હતા.
ત્યાર બાદ જીગરભાઈ આદેશરા બધી વસ્તુઓ ગોઠવી રહ્યા હતા ત્યારે તેમની નજર પ્લાસ્ટીકના બોક્ષ પર પડી બોક્ષને જોતાં જ ખ્યાલ આવી ગયો કે દુકાનમાં ચોરી થઈ છે.
તરત છે આજુબાજુના દુકાનદારોને જાણ કરી બન્ને ગઠિયાઓને શોધવાની કવાયત શરૂ કરી હતી. પરંતુ કોઈ હાથે નહીં લાગતા જીગરભાઈએ દ્વારા મોડી સાંજે લીંબડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.