મોરબીના સનાળારોડ લાયન્સનગરની મહિલાઓએ પાલિકામાં ગંદકી ઉલાળી: ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆત બાદ તંત્રની પ્રશ્ન હલની ખાતરી
મોરબીના વોર્ડ નં. ૧૧ ના સ્લમ વિસ્તાર ગોકુલ નગર, લાયન્સ નગર સહિતના વિસ્તારના સ્થાનિકોએ પોતાના વિસ્તારની ઉભરાતી ગટરો સહિતની સમસ્યાથી તંત્ર છુટકારો અપાવે એવી માંગ સાથે ઢોલ નગારાં સાથે પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી પાલિકાની ઓફિસનો સામાન વેર વિખેર કરી ગટરના પાણી ઠાલવી ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆત કરી હતી.
મોરબીના સ્લમ વિસ્તાર ગોકુલ નગર, લાયન્સ નગર છેલ્લા છ મહિનાથી રોડ પર ઉભરાતી ગટરોની સમસ્યા સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીના સ્લમ વિસ્તાર ગોકુલ નગર, લાયન્સ નગરના સ્થાનિકોએ પોતાના વિસ્તારની ઉભરાતી ગટરો સહિતની લાઈટ પાણી અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા બાબતે ઢોલ નગારાં સાથે રોષ પૂર્ણ રેલી કાઢી મોરબી નગર પાલિકામાં હંગામો મચાવ્યો હતો. રજુઆત કરવા આવેલા લોકોએ પાલિકા કચેરીમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા હતા. અને રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાની ઓફિસમાં સામાન વેર વિખેર કરી કચેરીમાં સાથે લાવેલા ગટરના ગંધારા પાણી ઠાલવ્યા હતા. અને બાદમાં ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆત કરી લોકોએ સમસ્યા હલ કરવાની માંગ કરી હતી.
રહેવાસીઓ રેલીમાં વાહનોમાં રાજકીય પક્ષો સામે રોષ વ્યકત કરતા બેનરો લગાવી પોતાના વિસ્તારની આ સમસ્યા દુરના થાય તો આગામી ચુંટણીમાં આ આક્રોશ દેખાડવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. આ સલામ વિસ્તાર માં ભૂગર્ભ ના પાણી થી બીમારી સહીત ની અનેક બીજી સમસ્યાઓ પણ જન્મી હોવાનો બળાપો પણ સ્થાનિકો એ ઠાલવ્યો હતો માત્ર ચુંટણી સમયે વચનો આપી ને ફરી જતા નેતાઓ પર પણ સ્થાનિકો નો રોષ ઉતર્યો હતો. જોકે પાલિકાના ચીફ ઓફિસરે લોકોની રજુઆત સાંભળીને તાકીદે તેમનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી આપી હતી. અને આ વિસ્તારના ભૂગર્ભ ગટર સહિતના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગયાનું જણાવ્યું હતું.