રણમાં વિરડી ઝબૂકી!

 લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારીના કારણે ૧૫ માર્ચથી ૧લી એપ્રિલ સુધીમાં સંક્રમણના કેસ બે ગણા થવાની ઝડપમાં ઘટાડો : અગાઉ દર ત્રણ દિવસે કેસ બે ગણા થતાં’તા, હવે દર ૬.૨ દિવસે બે ગણા કેસ થવા લાગ્યા

‘અબતક’એ અગાઉ કહ્યું હતું કે લોકડાઉનની અમલવારી ન થઇ હોત તો એક અઠવાડિયામાં જ ૧૭૦૦૦ કેસ જોવા મળ્યા હોત, અત્યારસુધીમાં કેસ ૨૨૦૦૦થી વધી ગયા હોત તેવી દહેશત

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની અમલવારી અને નાગરિકો દ્વારા દાખવાયેલા સોશ્યલ ડિસ્ટન્સની સારી અસરો જોવા મળી રહી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત જેવા મહાકાય દેશમાં કોરોનાના સંક્રમણ વધવાની રફતાર ધીમી પડી ગઈ છે. કોરોનાના કેસ બે ગણા થવાની ઝડપમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ગત તા.૧લી એપ્રીલથી આ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ ૧૫ માર્ચ સુધીમાં દર ત્રણ દિવસે કોરોનાના સંક્રમણના કેસ ૨ ગણા થઈ રહ્યાં હતા. હવે ઝડપ ઘટીને ૬.૨ દિવસે પહોંચી ગઈ છે.

કોરોના વાયરસથી અસરગ્રસ્ત હોય તેવા વિસ્તારોને અન્ય વિસ્તારોથી અલગ પાડવાનો નિર્ણય ફાયદાકારક નિવડ્યો છે. એકાએક ટોચની સપાટીએ પહોંચેલા કોરોના વાયરસના સંક્રમણના કેસ ધીમે ધીમે નીચે આવી રહ્યાં હોવાનું આંકડા પરથી જાણવા મળે છે. અગાઉ જો લોકડાઉનની અમલવારી થઈ ન હોત તો એક જ અઠવાડિયામાં ૧૭ હજાર કેસ નોંધાવાની દહેશત સેવવામાં આવી હતી. હવે લોકડાઉનના કારણે સમયાંતરે કેસ ઘટી રહ્યાં છે.

આ મામલે આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગત તા.૧લી એપ્રીલથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની સરેરાશ ૧.૨ જોવા મળી છે. તા.૧૫થી ૩૧ માર્ચ વચ્ચે આ સરેરાશ ૨.૧ ટકાની હતી. જેનો મતલબ થાય છે કે, કોરોના વાયરસના સંક્રમણની રફતાર ૪૦ ટકા ધીમી થઈ ચૂકી છે. બીજી તરફ દર્દીઓ સાજા થવાની સરેરાશમાં પણ ઉત્તરોતર વધારો થતો જોવા મળ્યો છે. કોરોના વાયરસ સામે વધુને વધુ દર્દીઓ જીત મેળવી રહ્યાં છે. પરિણામે મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કેરળ, તેલંગણા, તામિલનાડુ જેવા રાજ્યોમાં કોરોનાના દર્દીઓની રિકવરીની ટકાવારી ઉંચી છે.

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વડાપ્રધાન મોદીએ ગત ૨૪ માર્ચથી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે અને સંક્રમણના કિસ્સા ઓછા થાય તેવી અપેક્ષાઓ સેવવામાં આવી હતી. અલબત કેસના આંકડા ધીમે ધીમે વધી રહ્યાં છે પરંતુ બીજી તરફ કોરોના વાયરસની ઝડપ પણ ઘટી ગઈ છે. જે પરથી કહી શકાય કે, આગામી થોડા દિવસોમાં કોરોના વાયરસને કાબુમાં લેવામાં સરકારને મોટી સફળતા હાંસલ થશે. જો કે, લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે તે જરૂ રી છે. બેખૌફ બની બહાર લટાર મારતા લોકોને કારણે દેશમાં કોરોના વાયરસના કેસ વધી શકે છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ડાયાબીટીસ સહિતની બિમારીથી પીડાતા દર્દીઓમાં રિકવરી થવાની શકયતાઓ ઓછી જોવા મળી છે. કોરોનાથી બચવા માટે કોઈ એક વ્યક્તિનો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તેનો ફરીથી રિપોર્ટ કરવાની તકેદારી રાખવામાં આવી રહી છે. ગુરૂ વારની સરખામણીએ કોરોનાનો ચેપ લાગ્યા બાદ દર ૧૩૫૪૧ કેસમાં રિકવરી રેટ ૧૦.૬ ટકા એટલે કે ૧૪૩૭નો હતો. ત્યારબાદ શુક્રવારે રિકવરી રેટ વધી ૧૩.૦૬ ટકાએ પહોંચ્યો હતો. બીજી તરફ સરકાર હવે વધુને વધુ ટેસ્ટ કરવા લાગે છે. પરિણામે કેસ નોંધાવાની સાથો સાથ કેસ રિકવરી થવાની ટકાવારી પણ વધવા પામી છે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ બે ગણા થવાની સરખામણીએ કેરળ, તામિલનાડુ, દિલ્હી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, બિહાર, હરિયાણા અને લદ્દાખ સહિતના રાજ્યોમાં સરેરાશ ખુબજ ઓછી છે. લોકડાઉનની હજુ સખત અમલવારી થશે તો કોરોનાના કેસ ઉપર નિયંત્રણ લાદી શકાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

  • ગુજરાતમાં કોરોના કાબૂમાં?

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી હોવાનું આંકડા કહે છે પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોના વાયરસના સંક્રમણના કેસની રફતાર ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. સરકારે ટેસ્ટ કરવાની ઝડપ વધારતા આંકડા મોટા દેખાઈ રહ્યાં છે. પરંતુ સરેરાશ ઓછી હોવાનું પણ જાણવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાને કાબુમાં લેવામાં સરકારની રણનીતિ એકંદરે સફળ નિવડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદના મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ દરરોજ ૧૦૦ જેટલા કેસ સામે આવશે તેવી વાત કહી હતી. એકંદરે તંત્ર માની રહ્યું છે કે, જેમ જેમ વધુ કેસ થશે તેમ કેસની સંખ્યા વધશે. અલબત આ સરેરાશ અન્ય દેશની સરખામણીએ ખુબજ ઓછી છે. બીજી તરફ રાજ્યમાં રિકવરી થઈ હોય તેવા કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.

વર્તમાન સમયે તબીબો દ્વારા જે વ્યક્તિને લક્ષણો હોય તેમને આઈસોલેશન અથવા કવોરન્ટાઈન કરવાની સલાહ આપી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તેવી તકેદારી રાખવા સુચના તંત્ર દ્વારા અપાઈ છે.

  • કેસના કેલક્યુલેશનથી કઇ રીતે માપી શકાય છે કોરોનાનો ખતરો?

કોરોના વાયરસથી સંક્રમીત દર્દીને હરવા-ફરવાની છુટછાટ આપવામાં આવે તો તે સામાન્ય રીતે અનેક લોકોને એક જ દિવસમાં ચેપ લગાડી શકે છે. સામાન્ય રીતે એક સંક્રમીત વ્યક્તિથી ચેક લાગ્યા બાદ કોરોના વાયરસની પેટર્ન રચાય છે. આ પેટર્ન એક દિવસમાં ૨ થી ૩ ગણા સુધી કેસ વધારી શકાય છે. પેટર્નને તોડવી ખુબજ આવશ્યક છે. જેથી દેશમાં લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. જો લોકડાઉનનો અમલ થયો ન હોત તો એક જ અઠવાડિયામાં ૧૭ હજાર લોકો કોરોનાના ભરડામાં સપડાય જાત. અલબત આ આંકડો ૨૨ થી ૨૩ હજાર નજીક પણ તુરંત પહોંચી ગયો હોત તેવું માનવામાં આવી રહ્યું છે. પરિણામે પ્રારંભીક તબક્કે જ કોરોના વાયરસના દર્દીને ઓળખી તેની સારવાર કરવી

ખુબજ આવશ્યક છે. સારવાર માટે ખાસ વ્યવસ્થા પણ સરકાર દ્વારા થઈ છે. અલબત વર્તમાન સમયે કોરોના વાયરસ સામે કોઈ રસી નથી પરંતુ અન્ય રોગોની દવાના માધ્યમથી કામ ચલાવાઈ રહ્યું છે. કોરોનાથી સંક્રમીત એક વ્યક્તિના કારણે ખૂબજ ટૂંકાગાળામાં ૧૦૦૦થી વધુ લોકોને ચેપ લાગી શકે તેવો અનુભવ અનેક દેશો કરી ચૂકયા છે.

  • હાશ… કોરોનામાં રિકવરીના કિસ્સા વધ્યા

એપ્રીલની પહેલી તારીખથી કોરોના વાયરસના સંક્રમણના કેસ એકાએક ઘટી જવા પામ્યા છે. માર્ચ ૧૫ થી ૩૧ દરમિયાન સંક્રમણના કેસમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.

રિકવરી થયા હોય તેવા કિસ્સા પણ વધ્વા પામ્યા છે. સૌથી વધુ રિકવરી કેરળમાં (૨૪૫) થઈ છે. ત્યારબાદ તેલંગણામાં ૧૮૬, તામિલનાડુમાં ૧૮૦, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૧૬૪ કેસની રિકવરી થઈ હોવાનું જાણવા મળે છે.

દિલ્હીમાં રિકવરીના કિસ્સા દેશમાં અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી ઓછા એટલે કે, ૫૧ છે.

કેરળમાં ગત ૧૧ એપ્રીલ બાદ માત્ર ૩૨ કેસ જ નોંધાયા છે. ૧૭ એપ્રીલ સુધીમાં ૧૨૯ દર્દીઓને રજા પણ આપી દેવાઈ હતી.

દેશના ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સરેરાશ કરતા ઓછા કેસ નોંધાઈ રહ્યાં છે. કેરળ, તામિલનાડુ, દિલ્હી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, બિહાર, હરિયાણા અને લદ્દાખમાં કેસ નોંધાવાની સરેરાશ ખુબજ ઓછી છે.

  • વિશ્ર્વમાં કોરોના દોઢ લાખને ભરખી ગયો

કોરોના મહામારી વિશ્ર્વમાં ૧,૫૦,૧૨૨ લોકોને ભરખી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ૯૬૭૨૧ મોતતો એકલા યુરોપમાં થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૩૪૫૭૫ લોકોના મોત થઈ ચૂકયા છે. વર્તમાન સમયે કુલ ૧૯૩ દેશમાંથી ૨,૨૦૭,૭૩૦ કોરોના કેસ પોઝીટીવ આવ્યા હોવાનું વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આંકડા કહી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૪,૮૩,૦૦૦ લોકો કોરોનાના સંક્રમણ બાદ સાજા થઈ ગયા છે. વર્તમાન સમયે કોરોના વાયરસનો સૌથી તિવ્ર કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમેરિકામાં કોરોનાના કારણે એક દિવસમાં મોતનો આંક ૫૦૦૦ને આંબી જાય તેવી દહેશત વ્યકત થઈ હતી. ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની જેમ પણ અમેરિકામાં કોરોનાની મહામારી લાખો લોકોને ભરડામાં લઈ ચૂકી છે. દરરોજ કેસની સંખ્યામાં સતત વધારો

થઈ રહ્યો છે. જેના પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કોરોનાના કારણે વિશ્ર્વમાં ૧.૫ લાખ જેટલા લોકોના મોત થઈ જતાં હજુ આંકડો વધે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી રહી છે.

  • ચીનથી આવેલી ૬૩૦૦૦ કોરોના પ્રોટેક્શન કિટ ક્વોલિટી ટેસ્ટમાં નાપાસ!!! ચીની માલ તકલાદી!

વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં મોટાપ્રમાણમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. મોટાપાયે થતા ઉત્પાદનના કારણે ચીની ચીજ વસ્તુઓ સસ્તી હોય છે. પરંતુ આવી ચીજ વસ્તુ તકલાદી હોવાની વિશ્ર્વભરમાંથી ફરિયાદો ઉઠતી રહે છે. તકલાદી ચીજ વસ્તુઓ વિદેશોમાં નિકાસ કરવાના કારણે ચીને વિશ્ર્વ વેપારમાં પોતાની વિશ્ર્વસનીયતા ગુમાવી ચૂકયું છે. ચીનની ચીજ વસ્તુ તકલાદી હોવાનો તાજેતરમાં ભારત સરકારને મેડીકલ ઈકવીયમેન્ટમાં પણ કડવો અનુભવ થવા પામ્યો હતો. કોરોના વાયરસનાજનક ગણાતા ચીનમાં હવે આ વાયરસનો કહેર કાબુમાં આવ્યો છે. ભારત

સરકારે કોરોના વાયરસ સામેના જંગનો અનુભવ ધરાવતા ચીનને ૧,૧૭૦૦૦ પર્સનલ પ્રોટેકશન કીટનો ઓર્ડર આપ્યો હતો. આ પર્સનલ પ્રોટેકશન કીટ કોરોનાની સારવાર કરતા તબીબો અને મેડીકલ સ્ટાફને પહેરવી ફરજીયાત છે. ચીનમાંથી પીપીઈ કીટનું ક્ધસાઈનમેન્ટ આવતા ભારત સરકારે તેના ગુણવતા પરિક્ષણ માટે ગ્લાદિયરની ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટમાં મોકલવામાં આવી હતી આ પીપીઈ કીટમાંથી ૬૩૦૦૦ જેટલી કીટ ગુણવત્તાની ચકાસણી દરમ્યાન ભારત સરકારના માપદંડોની પરિક્ષામા નાપાસ થવા પામી હતી જયારે ગુણવત્તા ટેસ્ટમાં પાસ થયેલી પીપીઈ કીટોને રાજય સરકારોને મોકલી આપવામાં આવી છે. આ પીપીઈ કીટમાં માસ્ક,આંખ સીઈડ, શુઝ કવર, ગાઉન, હેન્ડ ગ્લોવઝનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે સીંગાપૂર પાસેથી પણ બે લાખ પીપીઈ કીટ મંગાવી છે જે ટુંક સમયમાં ભારત આવી પહોચશે ભારતમાં પીપીઈ કીટની ગુણવતા ચકાસવા માટે ગ્વાલિયર, કોઈમ્બતુર, અવાડી અને કાનપૂરમાં લેબોરેટરીઓ કાર્યરત કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.