આવક-જાવકના હિસાબો મંગાવ્યા: ટ્રાફિકવાળા રૂટ પર વધુ બસો દોડાવવા અને ટ્રાફિક વિનાના રૂટમાં કાપકુપની સુચના
શહેરમાં આંતરીક પરીવહન માટે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ અને સિટી બસ સેવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે ત્યારે બીઆરટીએસ અને સિટી બસને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે નવનિયુકત મેયર બીનાબેન આચાર્યએ સંબંધિત અધિકારીઓને કડક ભાષામાં તાકીદ કરી છે.
તાજેતરમાં મેયર બીનાબેન આચાર્યએ બીઆરટીએસ અને સિટીબસ સર્વિસ સેવા મામલે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જેમાં આવક-જાવકના હિસાબો પણ તાકીદે આપવા માટે સુચના આપી હતી. ૧૫૦ ફુટ રીંગ રોડ પર હાલ ૧૦ બીઆરટીએસ બસ અને શહેરભરમાં કુલ ૯૦ જેટલી સિટીબસ દોડી રહી છે. જેનાથી મહાપાલિકાની તિજોરી પર વરસે દહાડે કરોડો રૂપિયાનો બોજ વધે છે.
બીઆરટીએસ અને સિટીબસને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ માટે લોકોમાં જાગૃતી આવે તેવું અભિયાન ચલાવવા ઉપરાંત જે રૂટમાં વધુ ટ્રાફિક હોય ત્યાં વધુ બસ ચલાવવા અને જે રૂટમાં ઓછો ટ્રાફિક હોય ત્યાં સેવામાં કાપ-કુપ મુકવાની પણ તાકીદ કરવામાં આવી હતી.