વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૩૫ માસુમ બાળકોના મોત નિપજયા છે. છેલ્લા એક માસમાં ૧૩૪ ભુલકાઓના જીવનદીપ બુઝાયા છે. આ ઘટનાથી રાજ્યભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે રાજકોટ મહાનગરપાલિકાના કોંગી કોર્પોરેટરોએ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાની હેઠળ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા હતા અને ૧૨૩૫ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવા પણ માંગણી કરી હતી.
બપોરે ૩:૩૦ કલાકે કોંગી કોર્પોરેટરો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળ્યા હતા અને તેઓને એક આવેદનપત્ર સીએમને આપ્યું હતું. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે, રાજકોટની સિવિલ હાસ્પિટલમાં ડોકટરો તથા અન્ય સ્ટાફની મોટી ઘટ છે તે તાત્કાલીક પૂરી કરવી જોઈએ. જરૂરી દવાનો જથ્થો તથા તાજા જન્મેલા બાળકો માટે જીવન રક્ષક તરીકે ખુબજ આવશ્યક છે તે પુરતા પ્રમાણમાં રાખવો. જો સગર્ભા માતાને પ્રસુતી માટે હોસ્પિટલમાં લાવવામાં આવે ત્યારે તેની કાળજી લેવામાં આવે તો બાળકોના મૃત્યુ દર ઘટાડી શકાય છે. આ પ્રકારની કાળજી લેવા અંગે જરૂરી વ્યવસ કરવાની માંગણી કરી હતી. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પુરતી સ્ટ્રેચરની વ્યવસથા નથી તે પણ ઉભી કરવી જોઈએ. પ્રસુતિ પહેલા અને પ્રસુતી બાદ જે માતાઓ હોસ્પિટલમાં દાખલ થાય છે તેઓને દવાની સાથે વૈજ્ઞાનિક રીતે નક્કી કરેલો ખોરાક આપવો જોઈએ જેથી બાળકોને પણ પુરતું પોષણ મળી રહે અને આ અંગે સ્ટાફને પણ જાણકારી આપવી જોઈએ. અધુરા માસે જન્મતા બાળકો માટે બનાવવામાં આવેલી કાચની પેટી વચ્ચે ખુબજ ઓછી જગ્યા છે જે વધારવી જોઈએ. આસી. પ્રોફેસરની નિમણૂંક ૨૪ કલાક માટે હોવા છતાં સ્ટાફ હાજર રહેતો નથી. આ બાબતની ગંભીર નોંધ લેવા જેવી છે. મુખ્યમંત્રી સમક્ષ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, મનસુખ કાલરીયા, સંજય અજુડીયા, પરેશ હરસોંડા, રવજી ખીમસુરીયા, વલ્લભભાઈ પરસાણા, ગાયધીબેન ભટ્ટ સહિતના કોંગી કોર્પોરેટરોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૨૩૦ બાળકોના મોત માટે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
જનરલ બોર્ડમાં નિયમ ભંગ કરનાર મેયર સામે શું કાર્યવાહી કરી: કોંગ્રેસના ૨૫ કોર્પોરેટરોની અગ્રસચિવ પાસે ઉઘરાણી
રાજકોટ મહાનગર પાલિકામાં જનરલ બોર્ડનું સંચાલન કરવાના નિયમનો ભંગ કરનાર મેયર બીનાબેન આચાર્ય સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના અગ્રસચિવ દ્વારા મેયર સામે શિક્ષાત્મક પગલા લેવાના આદેશ પણ આપવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી મ્યુનિ.કમિશનર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આજે કોંગ્રેસના ૨૫ કોર્પોરેટરોએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન મેયર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરી તેની ઉઘરાણી અગ્રસચિવ સમક્ષ કરી હતી. જો કે, અગ્ર સચિવ ન મળતા અન્ય અધિકારીને લેખીતમાં જાણ કરવામાં આવી હતી.
વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, મેયર સામે શું કાર્યવાહી કરવામાં આવી જેની માહિતી મહાપાલિકામાંથી મળતી નથી તેથી અગ્રસચિવને મળવા માંગતા હતા. પરંતુ તેઓ ન મળતા અન્ય અધિકારીને મળી લેખીતમાં રજૂઆત કરી છે. અગ્રસચિવની કચેરીમાંથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે, મેયર સામે શું કાર્યવાહી કરવામાં આવી તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે જે હજુ સુધી મળ્યો નથી. આ અહેવાલ મળ્યા બાદ કોંગ્રેસને આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.