આતંકવાદ અને સુરક્ષા સહિતના મુદ્દે સાર્કનો સતત બીજા વર્ષે ફિયાસ્કો: ભૌગોલીક કનેક્ટિવીટી ધરાવતા દેશો સાથે ઉર્જા સહિતના ક્ષેત્રે આદાન-પ્રદાન માટે નવું સમૂહ રચવા ભારતની તૈયારી
સતત બીજા વર્ષે સાર્ક સંમેલન ઘોંચમાં મુકાઈ તેવી પ્રબળ શકયતા છે. ગત વર્ષે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને લઈ ભારત-બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને સાર્ક સંમેલનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. ગત વર્ષે સાર્ક સંમેલન ઈસ્લામાબાદમાં યોજાવાનું હતું. પરંતુ વિરોધના કારણે રદ્દ રહ્યું હતું. આ વર્ષે પણ હજુ સાર્ક સંમેલનના યોજાવાના એંધાણ નથી.
તાજેતરમાં યુએનની સામાન્ય સભા દરમિયાન સુષ્મા સ્વરાજ ન્યુયોર્ક ખાતે સાર્કના વિદેશ મંત્રીઓને મળ્યા હતા. જેમાં સાર્ક સંમેલન મામલે ચર્ચા થઈ હતી. આ સંમેલનમાં ભારત હંમેશાથી મુખ્ય ભાગ ભજવતું આવ્યું છે. આગામી સંમેલનમાં પણ ભારત જો દૂર રહેશે તો સાઉથ એશિયા ઉપર તેની અસર થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. જો કે, બીજી તરફ ભારત આતંકવાદ સહિતના મુદ્દે પાકને ભીડવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. સાર્ક માટે હાલ અનુકુળ વાતાવરણ ન હોવાનું માનવામાં આવે છે.
સ્વરાજે તાજેતરમાં કહ્યું હતું કે, પ્રાદેશીક સમૃધ્ધિનું ભવિષ્ય સંપર્ક અને સહયોગ ઉપર આધારિત છે. આ માટે શાંતિ જાળવવાના પગલા લેવા જરી બની ગયા છે. અલબત હાલ પ્રાદેશીક સહયોગ અને સંપર્કના અભાવે સુરક્ષા ઉપર ખતરો છે.
સુષ્મા સ્વરાજે સાર્કમાં મુકત વ્યાપારનો મામલો ઘોંચમાં મુકાયા હોવા અંગે પણ રોષ વ્યકત કર્યો હતો. અત્યાર સુધીમાં સાર્ક સંમેલનમાં વ્યાપાર ક્ષેત્રે યોગ્ય નિર્ણયો ન લેવાયા હોવાનો રોષ પણ તેમણે ઠાલવ્યો છે.
સાર્કની અસફળતાના કારણે ભારતે બીબીઆઈએન (બાંગ્લાદેશ, ભુતાન, ઈન્ડિયા અને નેપાળ) ઉપર કામ કરવાનું શ કર્યું છે. આ ઉપ સમૂહ ભૌગોલીક કનેક્ટિવીટી ધરાવતું હોય, રેલવે અને ઉર્જા સીસ્ટમમાં વિકાસ માટે અનુકુળ રહેશે. સૂત્રોના મત મુજબ ૨૦૧૮નું સાર્ક સંમેલન નેપાળમાં યોજાય શકે તેવી શકયતા છે. અલબત શાર્ક સંમેલન દરમિયાન ભારત પાકિસ્તાન સામે આતંકવાદ અને સુરક્ષાના મુદ્દે વિરોધ તો નોંધાવશે જ તેવું માનવામાં આવે છે.