મત આપવા માટે લોકોમાં ભારે ઉત્સાહ: વોકિંગ અને કસરત કરવા વહેલી સવારે બહાર નિકળેલા લોકો સીધા બુથની બહાર ગોઠવાઈ ગયા
આજે લોકસભાની ચુંટણીનું મતદાન થઈ રહ્યું છે. જેમાં વહેલી સવારથી જ લોકોએ ભારે ઉત્સાહ દાખવીને મત આપી લોકશાહીનાં મહાપર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. સવારે ૭:૦૦ વાગ્યા પૂર્વેથી જ મતદાન મથકોની બહાર મતદારોની કતારો પણ જોવા મળી હતી. ઘણા લોકો તો વોકિંગ અને કસરત કરવા વહેલી સવારે બહાર નિકળ્યા હતા તે વેળાએ સીધા બુથની બહાર ગોઠવાઈ ગયા હતા. રાજયભરમાં આજે લોકસભાની ચુંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે સવારે ૭:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. જોકે વહેલી સવારથી જ તમામ મતદાન મથકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી.
લોકો લોકશાહીનાં આ મહાપર્વમાં ભારે ઉત્સાહ દાખવીને મતદાન કરી રહ્યાં છે. તમામ મતદાન મથકોની બહાર મતદારોની મોટી ભીડ જોવા મળી રહી છે. ઘણા ખરા લોકો સવારે વોકિંગ અને કસરત માટે બહાર નિકળ્યા હતા. પોતાની રોજિંદી વોકિંગ અને કસરતની ક્રિયા પુરી કરીને આ લોકો સીધા મતદાન મથકોની બહાર ગોઠવાઈ ગયા હતા. તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે કમર કસવામાં આવી હતી.
તંત્રની આ જહેમત સફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારથી જ તમામ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગત ચુંટણી કરતા આ લોકસભાની ચુંટણીમાં મતદાનની ટકાવારી વધે તેવી પ્રબળ સંભાવનાઓ વર્તાય રહી છે. ખાસ કરીને આ વખતે યુવા મતદારોની સંખ્યા પણ ગત ચુંટણી કરતા વધારે છે. આ યુવા મતદારો પ્રથમ વખત મત આપી રહ્યા હોય તેઓમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.