દેશમાં કોરોનાની બીજી તરંગની અસર હવે ઓછી થઈ છે. હવે રાજ્યોએ ધીમે ધીમે અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘણા રાજ્યોમાં અમુક દિવસો સુધી સંપૂર્ણપણે પણ પ્રતિબંધો લદાયા હતા પરંતુ હવે લોકોને નિયમોમાં છૂટ્ટો દોર મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિયમ મુજબ આધાર કાર્ડ લિન્ક કરાવવાની કામગીરી પણ હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન ઉત્તરપ્રદેશના બાંડા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
અહીં એક પૂજારીને ભગવાન શ્રીરામનું આધારકાર્ડ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. રામ જાનકી મંદિરના મહંત રામકુમાર દાસ કે જેઓએ મંદિરની જમીન પર પાક ઉગાડ્યો છે. જેને હવે વેચવામાં મુશ્કેલી પડી રહી છે. અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) સૌરભ શુક્લાએ પૂજારીને સૂચનાઓ જારી કરી છે કે કૃષિ પેદાશોના વેચાણ માટે તેમણે ભગવાન શ્રી રામનું આધારકાર્ડ બતાવવું જરૂરી છે.
રામ જાનકી મંદિરના મહંત રામકુમાર દાસે જણાવ્યું કે મેં સરકારી બજારમાં પાકના વેચાણ માટે ઓનલાઇન પોર્ટલ ઉપર નોંધણી કરાવી હતી. પાક મંદિરની જમીન પર ઉગાડવામાં આવ્યા છે અને તે લેખપાલ દ્વારા ચકાસણીની રાહમાં હતું. તેમણે કહ્યું કે, અમે પંચાયતની ચૂંટણીઓ અને કોવિડને કારણે રાહ જોઈએ છીએ. ચૂંટણી પુરી થયા પછી મેં પૂછપરછ કરી ત્યારે લેખપાલે જણાવ્યું કે એસડીએમ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. અને આ માટે ભગવાનનું આધારકાર્ડ રજૂ કરવા કહેવાયું છે.
મહંત દાસ કહે છે કે હવે દેવતાના આધારકાર્ડ ક્યાંથી મળશે ?? હું ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ કેમ કઢાવીશ ? તેમણે કહ્યું કે અમે મંડળીમાં પાક વેચી શકતા નથી, આમ કરવાથી ભાવ ઓછો મળશે તો ખર્ચ કેવી રીતે પુરો કરીશું ? આ અંગે જિલ્લા ખાતર અધિકારી ગોવિંદકુમાર દાસે કહ્યું, કે આ બનાવ વિચિત્ર છે પરંતું હવે અમે મંદિર અને મસ્જિદની જમીન પર ઉત્પન્ન થયેલા પાકના વેચાણની મંજૂરી ત્યારે જ આપી શકીએ જ્યારે ઓનલાઇન નોંધણી પોર્ટલમાં આ માટેની જોગવાઈ રહેશે. તેમણે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો અમે પાક ખરીદીશું.