ધાર્મિક-સામાજિક કાર્યક્રમોના આયોજનની મંજૂરી માટે જતા અરજદારોએ ‘નિરાશ’ પરત ફરવાનો વારો !!
અબતક, રાજકોટ
એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ લગ્ન ગાળો પણ શરૂ થઈ ચુક્યો છે. હાલ કોરોનાના કેસો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે ત્યારે અગાઉથી જેમના પરિવારોમાં પ્રસંગોની તારીખ નક્કી થઈ ચૂકી છે તેમના માટે પગ તળે જમીન જ ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિ નિર્માણાધિન થઇ છે. એક તરફ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરીને પ્રસંગની ઉજવણી જાણે અશક્ય બન્યું છે ત્યાં બીજી બાજુ જે લોકો નિયમોનું પાલન કરવા જાય છે તેને તંત્ર ધરમના ધક્કા ખવડાવતી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
હાલ ધાર્મિક-સામાજિક કાર્યક્રમોની ઉજવણી માટે અગાઉથી જ મંજૂરી લેવી પડશે તેવું એસઓપીમાં જાહેર કરાયું છે ત્યારે અનેક લોકો મંજૂરી ક્યાંથી લેવી તે અંગે અજાણ હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક લોકો મંજૂરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશન જતા હોય છે જ્યાંથી તેમને કોઈ જ પ્રકારનો સંતોષકારક જવાબ મળતો નથી અને અંતે તેઓ મંજૂરી વિના ન પ્રસંગ યોજવા મજબૂર બની જતા હોય છે.
હાલ ‘ડિજિટલ ગુજરાત’ નામની રાજ્ય સરકારની વેબસાઈટ પરથી પ્રસંગોની પૂર્વ મંજૂરી લેવી તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવે છે પરંતુ સામાન્ય માનવી જ્યારે ડિજિટલ ગુજરાત વેબસાઈટ ખોલે ત્યારે તેમને આ પ્રકારની મંજૂરી માટેનો કોઈ વિકલ્પ જ વેબસાઈટમાં જોવા મળતો નથી જેથી લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં લોકો મંજૂરી માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ મોટાભાગના લોકોને ઓનલાઈન મંજૂરી પ્રક્રિયા કરવાનું કહીને પરત મોકલી દેવતા હોય તેવું સામે આવી રહ્યું છે.
ખાસ શાખાની ‘ખો ખો’ વચ્ચે અરજદારોને ધરમના ધક્કા !!
રાજકોટના એક અડજદારે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશને મંજૂરી માટે દોડી ગયા હતા જ્યાંથી તેમને કમિશ્નર કચેરી ખાતે આવેલી ખાસ શાખામાં જવાનું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ અપેક્ષાઓ સાથે ખાસ શાખા દોડી ગયા હતા. જ્યાં ખાસ શાખાએ હાથ ખંખેરતા સાઇબર સેલમાં મંજૂરી માટે જવા જણાવ્યું હતું. અચંબો પમાડે તેવા જવાબ બાદ અરજદાર સાઇબર સેલમાં પણ ગયા હતા જ્યાંથી અરજદારને સવાલ કરાયો હતો કે, તમને આવું કોણે કહ્યું કે, અહીંથી મંજૂરી મળે છે? જેમણે તમને આવું કહ્યું છે તેની પાસે મને ફોન કરાવજો… આ વાત સાંભળી અરજદારે સમગ્ર વાત કરતાં કહ્યું હતું કે, ખાસ શાખામાંથી આવું જણાવાયું છે ત્યારે સાઇબર સેલના એક કરમીએ ઉભરો કાઢતા કહ્યું હતું કે, ખાસ શાખા તો કોઈ પણ અરજદારને સીધા જ સાઇબર સેલમાં મોકલી દે છે, તેઓ તમામ અરજદારોને આવું જ કહે છે, જે તદ્દન ખોટું છે. આ બધી ઘટના જોયા બાદ અરજદાર નિરાશ થઈને પરત ફરી ગયા હતા.