છેલ્લા ઘણા સમયથી ઘરમાં બેઠા બેઠા, ચાલતાં ચાલતાં, ક્રિકેટ રમતાં કે પછી કોઇપણ સ્થળે હાર્ટએટેક આવી જતાં અચાનક ઢળી પડયા બાદ મોત નિપજવાની ઘટનાઓ સતત વધી ગઇ છે. મુઠ્ઠીના કદનો આ અવયવ જીવનભર આપણાં આખા શરીરમાં લોહિ પહોચાડતો રહે છે. આ લોહિ દ્વારા જ શરીરમાં બધે ઓકિસજન અને પોષક તત્વો પહોંચે છે. તથા લોહિ દ્વારા જ શરીરના કચરાનો અને કાર્બન ડાયોકસાઇડનો નિકાલ થાય છે.
પ્રવર્તમાન સંજોગોમાં હ્રદય રોગનું પ્રમાણ વઘ્યું છે ત્યારે યુવાનોએ શરીરની તંદુરસ્તી જાળવવી ખુબ જ જરૂરી
તાજેતરમાં યુવાનોમાં હ્રદય રોગના હુમલામાં વધારો થતો જોવા મળ્યો છે. તેનું કારણ શું..? હ્રદય રોગના લક્ષણો, સારવાર સહિતની બાબતોનું પ્રશ્ર્નોના જવાબ આપતા સિનર્જી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ વિશાલ પોપટાણીએ ‘અબતક’ની ચાઇ પે ચર્ચા દરમ્યાન ડો. અરૂણભાઇ દવે દ્વારા હ્રદય રોગ અંગેના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા અને સરળ ભાષામાં સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પ્રશ્ન:- હાલ હ્રદય રોગ હુમલાના બનાવો વધી રહ્યા છે. તો ખાસ તો તેનું જવાબદાર કારણ શું, પ્રારંભિક લક્ષણો અને કયાં પ્રકારની કાળજી લેવી જોઇએ.
જવાબ:- જયારે હ્રદયની માંસપેશીઓ લોહિને યોગ્ય માત્રામાં પમ્પ નથી કરી શકતી ત્યારે હ્રદય રોગની શરુઆત થાય છે. તેના ઘણા કારણો હોઇ શકે છે. શરૂઆતમાં કોરોનરી ધમનીમાં ચરબીના થર જામતા ધીરે ધીરે સંકોચાઇ જાય છે. અચાનક ચરબીના થર થવાથી હ્રદયની ધમનીમાં લોહિનું પરિભ્રમણ ઓછું થઇ જતું હોય છે. તેથી લોહી ગંઠાઇ જવાથી છાતીમાં તીવ્ર દુ:ખાવા થાય તે હ્રદય રોગના હુમલામાં પરિવર્તત થાય છે.
પ્રશ્ન:- ભારતમાં હ્રદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે તેના કયાં કયાં કારણ હોય શકે?
જવાબ:- ભારતભરમાં હાર્ટ એટેડના બનાવ વધી રહ્યાં છે. જેના કારણોમાં ઝડપી શહેરીકરણ, તણાવમુકત જીવનશૈલી, તમાકુ – ધ્રુમપાનનો વધુ ઉપયોગ, આહારમાં ચહબીવાળા પદાર્થોનું ઉંચુ પ્રમાણ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવા વિવિધ કારણોસર ભારતમાં હ્રદયરોગના પ્રમાણમાં વધારે જોવા મળે છે.
પ્રશ્ન:- કોરોનાની મહામારી બાદ હ્રદય રોગના હુમલાના બનાવો વઘ્યા છે. તેવી લોકોમાં માન્યતા છે તે બાબતે શું કહેવું છે?
જવાબ:- હાર્ટ એટેકના બનાવો કોરોના પહેલા પણ બનતા હતા. પરંતુ કોરોના પછી તમામ વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વઘ્યું છે. ઘણા લોકોમાં વેકસીનની પણ ગેર માન્યતા છે કે વેકિસનના કારણે હાર્ટ એટેક આવે છે પણ કોઇ વૈજ્ઞાનિક સંશોધનમાં હજી સુધી કોઇ કારણ પ્રકાશિત થયું નથી. માટે ચોકકસ પણે એવું ન કહિ શકાય કે વેકિસનના કારણે હાર્ટ એટેકના બનાવો વઘ્યા છે.
પ્રશ્ન:- પ્રવર્તમાનમાં નાની વયમાં હ્રદયરોગના બનાવો વઘ્યા છે ખાસ તો હાલ નવયુવાનોને બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળે છે. તેને ક્ધટ્રોલ કરવા શું કરવું જોઇએ?
જવાબ:- હાલમાં નાની વયમાં પણ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. આ બાબતે વાલીએ પણ જાગૃત થવાનું જરુરી છે. બાળકોને બહારની ચીજવસ્તુઓ ખવડાવે છે. જેથી બાળકોને નાની ઉમરમાં જ બીમારીનો ભોગ બને છે. ખાસ તો નવ યુવાનોને કહેવું છે કે, બ્લડ પ્રેશર કોઇ મોટી બાબત નથી તેનાથી ગભરાવું ન જોઇએ. તેને કંન્ટ્રોલ કરી શકાય છે. રોજીંદા જીવનશૈલી બદલવાથી બીમારીઓ વધી છે.
પ્રશ્ન:- હ્રદય રોગ અને કોલેસ્ટ્રોલને સીધો સંબંધ છે એ બાબતે તથ્ય શું?
જવાબ:- કોલેસ્ટ્રોલ એ ચરબીનો ભાગ છે. જેમ જેમ ચરબીનો થર જામે તેમ તેમ બ્લડનો પ્રવાહ ધીમો પડે છે. તેથી હ્રદયને ઓકિસજન ઓછું પહોંચે છે. આથી હ્રદય રોગનો હુમલો આવવાની શકયતા વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ફેટી ફુટ ખાવાથી, કસરત ન કરવાથી, ઓવરવેટ હોવાથી, સ્મોકિંગ અને ડ્રિંક કરવાથી વધે છે. ઘણી વખત તે જેનિટીક પણ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાના કોઇ સંકેતો પણ નથી મળતા, પરંતુ સમસ્યા એટલી ગંભીર બની જાય છે. કે અનેક રોગો શરીરમાં ઘર કરી બેસે છે. તેથી કહી શકાય કે હ્રદય રોગ અને કોલેસ્ટ્રોલને સિઘ્ધો સંબંધ છે.
પ્રશ્ન:- શું વધુ પડતું શ્રમ કરવાથી હાર્ટ એટેક આવી શકે ખરાં? તેના કારણો શું ?
જવાબ:- વધુ પડતું શ્રમ કરવાથી હ્રદય રોગ થઇ શકે એ માન્યતા ખોટી છે. પહેલા પણ હાર્ટ એટેક આવતા અને હાલ પણ હાર્ટ એટેક આવે છે. હાલની બદલાયેલી જીવનશૈલી પ્રમાણે વધુ શ્રમ ન કરવો જોઇએ પણ એવું નહી શકાય કે વધુ પડતું શ્રમ કરવાથી હ્રદય રોગનો હુમલો આવે છે. અત્યારે હાલની જીવનશૈલી, ચિંતા અને વ્યસનના સેવનથી હાર્ટ એટેક આવવાની શકયતા વધી જાય છે. જંકફુડ ન ખાવું જોઇએ નિયમિત સમયે જમી લેવું જોઇએ.
પ્રશ્ન:- ઘણીવાર ડોકટરો દ્વારા તપાસ દરમ્યાન કહેતા હોય છે કે હ્રદયની નળીઓ બ્લોક છે તો આ નળીઓ શું છે?
જવાબ:- ઘણા લોકોની એવી માન્યતા છે કે હ્રદયની નળી બ્લોક હોય તો હાર્ટ એટેડ આવે એવું નથી હોતું. હ્રદયની નશોમાં પણ ત્રણ નશો હોય છે. હ્રદયની ધમનીઓમાં 30 થી 40 ટકા બ્લોકઝ સામાન્ય હોય છે. પણ 70 થી 80 ટકા નળીઓ બ્લોકિજ થાય તો એન્જીયો પ્લાસ્ટી કે બાયપાસ દ્વારા સારવાર કરવામાં આવે છે. બ્લોકેજ નળીઓ હ્રદયને પુરતુ લોહિ નથી પહોચવા દેતું જેથી ઓકિસજનનું પ્રમાણ ઘટે છે અને હ્રદય રોગનો હુમલો આવી શકે છે.
પ્રશ્ન:- હ્રદય રોગની પ્રાથમિક સારવાર શું હોય તેમજ હ્રદયરોગ શું વારસાગત હોય શકે?
જવાબ:- હ્રદયમાં લોહિ ઓછું પહોચવાને કારણે દર્દીને છાતીમાં ભારે દુખાવો અને ગભરામણ થવા માંડે છે. હ્રદયરોગના હુમલા ઓચિંતા અને ખુબ જ તિવ્રતાથી હોય છે. ઘણા લોકો સામાન્ય લક્ષણોને ઘ્યાનમાં લેતા નથી. તે ગંભીર બાબત છે. છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થાય તો તુરંત તબીબીની સલાહ લેવી જોઇએ. ઘણા લોકોને ગેસની સમસ્યા ને લઇને ઘણીવાર ગંભીર નિવડી શકે છે. હ્રદય રોગ વારસાગત હોય પણ શકે છે.
પ્રશ્ન:- આધુનિક યુગમાં હ્રદય રોગના હુમલાના કિસ્સામાં સારવારમાં કયા પ્રકારના મેડિકલો સાધનોથી ટેસ્ટ કરવામાં આવે છે.
જવાબ:- ઇસીજી વર્ષોથી થતું રહ્યું છે. હાલ એડવાન્સ કારડિયોગ્રાફી એટલે કે હ્રદયની સોનોગ્રાફી, કોરોનરી એન્જીયોગ્રાફી જેવા આધુનિક ટેસ્ટથી હાર્ટ એટેકની સંભાવના વિશે જાણી શકાય છે. હાલ આ બાબતે સંસ્થાઓ, મેડીકલ વિભાગ, સમાજ શ્રેષ્ઠીઓ હ્રદય રોગના હુમલા બાબતે અનેક જનજાગૃતિના સેમીનારો કરી ચુકયા છે. અને હાલ પણ હાર્ટ એટેક અંગેના જનજાગૃતિના સેમીનારો યોજી રહ્યા છે. સી.પી.આર. કઇ રીતે આપવું તેનાથી પણ લોકો અવગત થયા છે.