શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં ગરમ કપડાંની સાચવણ રાખવી પણ એટલી જ જરૂરી છે જેટલું તેને પહેરવું.એવા સમયે આખું વર્ષ સાચવી રાખેલ ઊની કપડાં, શાલ, સ્વેટર અને મોજા – સ્કાર્ફ જેવી મોંઘી વસ્તુઓને સાચવીને સાફ કરીને ફરીથી વાપરવાની શરુઆત કરાય છે.

ગયા વર્ષે સાચવીને રાખેલ ગરમ કપડાં ફરી કાઢીને ઉપયોગમાં લેવાનો સમય આવ્યો છે ત્યારે એની સાચવણી એ રીતે કરવી જોઈએ જેથી શિયાળાની ઋતુ પૂરી થયા બાદ એજ બધાં કપડાંને વ્યવસ્થિત રીતે ફરીથી માવજત કરીને રાખી મૂકી શકાય.

ઊની કપડાંને હંમેશાં ભીની કે ભેજવાળી જગ્યાએ ન રાખવું જોઈએ. ક્યારેય ઊની કપડાંને બાથરૂમમાં ઉતારીને ન રાખવાં જોઈએ. અથવા જો તેના પર પાણી કે અન્ય પ્રવાહી પડી જાય તો તરત જ સુકાવવા સૂર્યપ્રકાશવાળી કે હવાની અવરજવર થતી હોય એવી જગ્યાએ રાખવું જોઈએ.

જે બેગ કે કબાટના ખાનામાં ગોઠવો છો તે જગ્યાની સ્વચ્છતા વિશે સભાનતાપૂર્વક કાળજી રાખવી જોઈએ. એ બેગ, અટેચી કે કબાટમાં હવાની અવરજવર હોય, ભેજ રહિતનું હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં ઊની કપડાં ગોઠવવા પહેલાં સારી ગુણવત્તાવાળાં અખબાર પાથરવા જોઈએ. આજકાલ તો પ્લાસ્ટિક મેટ પણ ઉત્તમ ક્વોલિટીની મળે છે. આ સિવાય ઝીપબેગમાં પણ ગોઠવીને કબાટ કે બેગમાં રાખી શકો છો. તેની અંદર ફિનાઈલ કે નેપ્થિલિન બોલ્સને સાદાં રુમાલ કે સુતરાઉ કપડાંમાં કે છાપાંમાં વીંટાળીને મૂકવા જોઈએ. જેથી તે લાંબો સમય સચવાય અને જીવાત ન પડે.

ઊની કપડાં અને ગરમ શાલ – ચાદરોને ધોવા માટે સારી ક્વોલિટીનો લિક્વીડ ડિટર્જન્ટ વાપરવો જોઈએ. આ સિવાય જો ઊની કે ગરમ કપડાં જો ફરવાળાં હોય તો તેને મુલાયમ બ્રશથી સાફ કરવાં જોઈએ. એ વાત ધ્યાનમાં રહે કે શિયાળુ કપડાંને વોશિંગ મશીનમાં સામાન્ય કપડાંની જેમ ધોવા ન જોઈએ. સામાન્ય રીતે ગરમ કપડાંના રુંવાડાં ખૂબ જ નાજૂક હોય છે જેને ઠંડા પાણીમાં જ ધોવા જોઈએ. પરંતુ ખૂબ ગંદાં થઈ ગયાં હોય તો માફકસરના ગરમ પાણીમાં બોળીને ધોવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.