શિક્ષણનો વ્યાપ વધારનારા, વિધાર્થીઓને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જનારા, વિદ્યાર્થીઓને તેમની કુટેવોથી દૂર રાખનાર આ શિક્ષકો અને અધ્યાપકો જ કુટેવમાં સપડાયેલા જોવા મળે તો…?? રાજકોટની સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીમાં પણ કંઈક આવો જ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં હિતેશ આડેસરા નામનો પરીક્ષા વિભાગનો કર્મચારીનો દારૂની બોટલ સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિક્ષણધામ ગણાતી વિશ્વ વિદ્યાલયના આ પ્રકારે ફોટા વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી કેન્ટીન પાછળ સોર્સ ખાડામાં દારૂની મહેફિલ મણાતી હોવાનું ખુલ્યું છે. અહીં કોણ કોણ મહેફિલ માણતું હતું ? કેટલા સમયથી આ પ્રકારે મહેફિલ જામતી હતી ? તેવા અનેક સવાલો પણ ઉભા થયા છે. આ સોર્સ ખાડામાં આશરે 30 થી 40 જેટલી બોટલો જોવા મળી છે. જો કે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા પરીક્ષા વિભાગના કર્મચારી હિતેશ આડેસરાના આ ફોટા આશરે ચારથી પાંચ મહિના પહેલાના કોઈ તેમ પણ જાણવા મળ્યું છે. જોકે હજુ આ ઉપર કોઈ સ્પષ્ટતા થઈ નથી.
આ અંગે ઉપકુલપતિ વિજય દેસાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આવી હરકત સાંખી નહીં લેવાય. તેમજ આ માટે 4 લોકોની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં નેહલભાઈ શુક્લ, ધરમભાઇ કાંબલીયા, ભાવિનભાઈ કોઠારી અને ગીરીશભાઈ ભીમાણીને તપાસ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે વધુમાં આવી વિશે કાર્યવાહી અંગે જણાવતા કહ્યું કે પરીક્ષા વિભાગના છેલ્લા એક માસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. તેમજ આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તેમજ પરીક્ષા વિભાગના સિક્યુરિટી ગાર્ડ પાસેથી પણ જુબાની લેવામાં આવશે.
આ મામલામાં પરીક્ષા વિભાગના કર્મચારી ઉપરાંત અન્ય જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જાણવા CCTV તપાસવામાં આવશે. અને જો પુરાવા મળશે તો જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું છે.