રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ રજૂઆત
પડધરીથી રાજકોટ રજૂઆત કરવા આવતી ખેડૂતની પુત્રીને રસ્તામાં પોલીસે અટકાવી
પડધરીના ખેડુત રમેશભાઇ વાઢેરને ગત તા.૪ મેના રોજ પડધરી ગ્રામ પંચાયત ચોક ખાતે પોલીસમેન જયદીપ ચૌહાણે લોક ડાઉન ભંગ અંગે કરેલી અટકાયત બાદ થયેલા ઘર્ષણ અંગે રમેશભાઇ વાઢેરની પાસા હેઠળ અટકાયત કરાતા રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. પડધરીથી રાજકોટ રજૂઆત કરવા આવી રહેલી રમેશભાઇ વાઢેરની પુત્રીને પડધરી અને ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી હોવાના આક્ષેપ કરાયા છે.
પડધરીના ખેડુત રમેશભાઇ વાઢેર તેમના ખેતરે જઇ રહ્યા હતા ત્યારે ગ્રામ પંચાયત ચોકમાં કોન્સ્ટેબલ જયદીસિંહ ચૌહાણે અટકાવી લોક ડાઉન અંગે કેસ કરવા માટે કહ્યું ત્યારે તેઓ ખેડુત હોવાનું અને તેઓ ખેતરે જ ગયાનું જણાવતા ડ્રાઇવીંગ લાયસન્સ અને બાઇકની આરસી બુક માગતા લાયસન્સ બતાવ્યું હતું અને આરસી બુક ઘરે હોવાથી લાવી આપવાનું ર્મેશભાઇ વાઢેરે જણાવ્યું તે દરમિયાન જયદીપસિંહ ચૌહાણે લાયન્સ પોતાની પાસે રાખી રમેશભાઇ વાઢેરને પોલીસ મથકે લઇ જઇ બેરહેમીથી માર મારતા કાન અને પગમાં ગંભીર ઇજા થઇ હોવાનું કરણી સેનાના મૌલિકસિંહ વાઢેરે જણાવ્યું હતું.
જાહેરનામા ભંગનો કેસમાં જામીન મુકત થયેલા રમેશભાઇ વાઢેર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પડધરી કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસ સ્ટાફ ઉશ્કેરાયો હતો અને તાત્કાલિક પાસાના કાગળ તૈયાર કરાવી પી.એસ.આઇ. વાઢીયાએ લાયસન્સ લઇ જવા માટે રમેશભાઇ વાઢેરને પોલીસ મથકે લઇ જવાનું કહી પાસાના વોરન્ટની બજવણી કરી સુરત જેલ હવાલે કયાનું અને કાયદાની જોગવાઇ મુજબ પાસાના વોરન્ટની બજવણી કર્યા અંગેની તેમના પરિવારને જાણ ન કરી પી.એસ.આઇ. વાઢીયાએ કાયદાનું ઉલ્લંઘન કર્યાનો મૌલિકસિંહ વાઢેરે આક્ષેપ કરી રાષ્ટ્રીય કરણી સેનાના ચંદુભા પરમાર, મનિષાબા વાળા, પ્રવિણસિંહ સિંધવ અને જયદીપસિંહ ભાટ્ટી જિલ્લા કલેકટર કચેરીએ રમેશભાઇ વાઢેરને પોલીસે ખોટી રીતે પાસા હેઠળ જેલ હવાલે કર્યા અંગેની રજૂઆત કરવા આવ્યા હતા.
રમેશભાઇ વાઢેરની ખોટી રીતે પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યા અંગેની રજૂઆતમાં તેમની પુત્રી પિયંકા પણ પડધરીથી રાજકોટ આવી રહી હતી ત્યારે તેણીને પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. વાઢેરે અટકાયત કરી રકઝક કરી રાજકોટ આવતા અવરોધ કર્યો હતો. ત્યાંથી ૪૫ મીનીટ બાદ છુટકારો થતા પ્રિયંકા પોતાના મોટા બાપુ સાથે રાજકોટ આવવા નીકળી ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વાળાએ અટકાયત કરી હતી.
જિલ્લા કલેકટર સાથે વાત કરાવ્યા બાદ જવા દેવા માટે પી.આઇ. વાળાએ જીદ કરી પડધરી પરત જતી રહેવા ધમકાવતા પોતે પડધરી જતી રહેશે તેમ કહી ચેક પોસ્ટ પરથી પરત જઇ ફરી રાજકોટ મહામહેનતે પહોચી હોવાનું પ્રિયંકા વાઢેરે જણાવ્યું હતું.
રમેશભાઇ વાઢેરના પાસા રીવોક કરી પડધરી પોલીસ તેમજ તેના ઉપરી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની રાષ્ટ્રીય કરણી સેના દ્વારા માગણી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ન્યાય નહી મળે તો રાષ્ટ્રીય કરણી સેના હાઇકોર્ટમાં દાદ માગશે તેમ મૌલિકસિંહ વાઢેરે જણાવ્યું છે.