હોલિવૂડને ભારતની ગરીબી પ્રત્યે અત્યંત લગાવ છે. અહીંની કઢંગી પ્રજા અને ગંદકી જોઈને તેમને કદાચ અનેરો આનંદ આવે છે, કારણ કે આ બધું તેમને ત્યાં નથી જોવા મળતું!
(બાળકો પાસે કપડા-વાસણનું કામ કરાવવું, તેમને લારી પર બેસાડી દેવા કે પછી સાફ-સફાઈનું કોઈ કામ સોંપી દેવું એ જો ગુનો હોય, તો સવાલ એ પણ થાય કે બોલિવૂડ-ટીવીનાં નાના બાળકો પાસે કરાવાતા અભિનયને બાળમજૂરી ગણાવી શકાય કે કેમ? તો આનો જવાબ છે, ના! બાળક પાસે કરાવાતાં દરેક કામને મજૂરી ન ગણાવી શકાય.)
ઓસ્કર-વિનીંગ રેસમાં છેલ્લે સુધી આવીને હાંફી ગયેલી ફિલ્મ ‘લાયન’ ભારતભરનાં થિયેટર્સમાં રીલિઝ થઈ હતી. ફિલ્મની વાત ખૂબ સામાન્ય! ઝૂંપડપટ્ટીમાં રહેનારો એક છોકરો આકસ્મિક રીતે પોતાનાં પરિવારથી વિખૂટો પડી જાય છે. એક અંગ્રેજ દંપતી તેને દત્તક લઈને પાળી-પોષીને મોટો કરે છે. છોકરાનાં મનમાં હજુ પણ ઘરની યાદો તાજી છે. માઁ-ભાઈ-બહેનનાં ચહેરાઓ હજુ પણ તેને સ્વપ્નમાં આવ્યા રાખે છે. આખરે એક દિવસ ઈન્ટરનેટની મદદથી એ ભારતમાં પોતાનું ઘર શોધે છે અને પરત ફરીને વર્ષો પછી પોતાનાં પરિવારને મળે છે. ફિલ્મ સત્ય-ઘટના પરથી પ્રેરિત છે. ભારતીય મૂળના દેવ પટેલે ફિલ્મમાં ‘સરૂ’નું મુખ્ય પાત્ર ભજવ્યું છે, જેને બાદમાં ખબર પડે છે કે તેનું અસલી નામ તો ‘શેરૂ’ (સિંહ) હતું! ‘શેરૂ’પરથી જ ફિલ્મને નામ આપવામાં આવ્યું ‘લાયન’.
હોલિવૂડને ભારતની ગરીબી પ્રત્યે અત્યંત લગાવ છે. અહીંની કઢંગી પ્રજા અને ગંદકી જોઈને તેમને કદાચ અનેરો આનંદ આવે છે, કારણ કે આ બધું તેમને ત્યાં નથી જોવા મળતું!
દેવી-દેવતાઓમાં વારે-તહેવારે ગણેશ અને કૃષ્ણનાં બાળસ્વરૂપને સૌથી વધુ પૂજવામાં આવે છે. પરંતુ આપણાં કમનસીબ એ છે કે વિશ્વમાં બાળમજૂરીનું સૌથી વધુ પ્રમાણ પણ ભારતમાં જ જોવા મળે છે. એકમાત્ર આંધ્ર પ્રદેશમાં જ ચાર લાખ બાળમજૂરો નોંધાયા છે! બીજા રાજયોની તો વાત જ ભૂલી જાઓ…
વસ્તી-વિસ્ફોટ, સાક્ષરતાનો અભાવ, ગરીબી જેવા મહામારીઓને લીધે બાળકો પાસે કરાવાતી બાળમજૂરીમાં ભારત મોખરે છે. સારા શિક્ષણનાં અભાવે બાળકનાં શારીરિક-માનસિક-આંતરિક-બાહ્ય વિકાસમાં અવરોધ પેદા થાય છે અને પેટનો ખાડો પૂરવા તે બાળમજૂરી તરફ દોરાય છે. એક નિર્દોષ બાળક કે જેની હજુ ખેલવા-કૂદવાની ઉંમર છે, તેની પાસે નાનપણથી જ ગધાવૈતરું શરૂ કરાવી દેવાય છે. તેમનાં સોનેરી બાળપણનો ભોગ લેવાય છે. સરકારી સ્કૂલનું ભણતરનું સ્તર દિન-પ્રતિદિન લથડતું જાય છે. બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં ગુણવત્તાનાં કોઈ ઠેકાણાં નથી. શિક્ષણ માટે પૂરતા શિક્ષકોનો અભાવ છે. એવામાં એક ગરીબ બાળક માટે મજૂરી કરવા સિવાય બીજો કયો વિકલ્પ શેષ છે?
અમોલ ગુપ્તેની ‘સ્ટેનલી કા ડબ્બા’ પણ આ વિષય પર ઊંડો પ્રકાશ પાડતી ગઈ! ફિલ્મનાં અંતે એક નાનકડી (પણ ચોટદાર) લાઈન મૂકવામાં આવેલી કે ભારતમાં અંદાજે બાર મિલિયન (એક કરોડ વીસ લાખ) બાળકોને મજૂરી કરવા માટે મોકલવામાં આવે છે.
ભારતમાં બાળકોની તસ્કરીનાં કિસ્સા સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધારે બનાવો તો મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા મહાનગરોમાંથી જ નોંધવામાં આવ્યા! ક્રાય (ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ – CRY)નાં એક અંદાજ મુજબ, આપણાં દેશમાં દરરોજનાં લગભગ 180 બાળકો ગુમ થઈ જાય છે. જેમાંથી 22 જેટલા બાળકો દેશની રાજધાની દિલ્લીમાંથી ગાયબ થાય છે. હવે પ્રશ્ન એ છે કે તે કામ આ ખોવાયેલ બાળકો આખરે જાય છે ક્યાં!?
આ બાળકોને વિદેશની બજારોમાં વેચી દેવામાં આવે છે અથવા તો અહીંના રોડ-રસ્તાઓ પર ભીખ માંગવા માટે મજબૂર કરવામાં આવે છે. 2013-14માં ખોવાયેલાં બાળકોમાંથી 45% જેટલી સગીર વયની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની’ પણ ચાઈલ્ડ ટ્રાફિકિંગની વાર્તાને ઈર્દગિર્દ ઘુમતી હતી.દેહવ્યવસાયની સાથોસાથ શરીરનાં અમુક અંગો જેમકે કિડની વગેરેને વેચીને આવાં બાળકો પાસેથી ભીખ મંગાવવાનો ધંધો કરાવવામાં આવે છે.
અમદાવાદનાં ‘ચાઈલ્ડ લાઈન’ આસિસ્ટન્ટ ડિરેકટર પૂર્ણિમા ગુપ્તા આ વિશે જણાવતાં કહે છે, 3થી 10 વર્ષના બાળકો પાસેથી અંગદાન અને ભીખ વસૂલાય છે… જયારે 11 વર્ષથી ઉપરનાં બાળકો પાસેથી શરીર વેચવાનો ધંધો કરાવવામાં આવે છે. આ બધાં કામો પૂરા પાડવા માટે ગેંગના સભ્યોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે.
બાળકોની તસ્કરી મુખ્યત્વે પૂર્વનાં રાજયો એટલે કે બંગાળ, બિહાર અને આસામમાં વધુ જોવા મળે છે. કેટલાંક ગરીબ પરિવારો તો ઘરની જુવાન દીકરીઓને સામેથી વેશ્યાવૃત્તિની ગટરમાં ઉતરવા માટે મજબૂર કરે છે. દર વર્ષે લગભગ એક લાખ જેટલી સગીર છોકરીઓને આ ધંધામાં જોતરાવી દેવામાં આવે છે, પરંતુ સરકારી ચોપડે આ આંકડો માત્ર એક હજારનો છે! કેટલીકવાર તો છોકરીઓને ફકત 250 રૂપિયા માટે બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન જેવા દેશોમાં વેચી દેવામાં આવે છે. ‘બિગ-બોસ 7’ ફેમ રતન રાજપૂતની સીરિયલ ‘અગલે જનમ મોહે બીટિયા હી કી જો’માં તેણે આવી જ એક ક્ધયાનું પાત્ર ભજવ્યું હતું.
ઝારખંડ, બિહાર જેવી પછાત જગ્યાઓ માટે આ કોઈ નવી વાત નથી કારણ કે ત્યાં ભણતર જ નથી!બાળકો પાસે કપડા-વાસણનું કામ કરાવવું, તેમને લારી પર બેસાડી દેવા કે પછી સાફ-સફાઈનું કોઈ કામ સોંપી દેવું એ જો ગુનો હોય, તો સવાલ એ પણ થાય કે બોલિવૂડ-ટીવીનાં નાના બાળકો પાસે કરાવાતા અભિનયને બાળમજૂરી ગણાવી શકાય કે કેમ? તો આનો જવાબ છે, ના! બાળક પાસે કરાવાતાં દરેક કામને મજૂરી ન ગણાવી શકાય. બાળકનું એવાં કોઈપણ પ્રકારનાં કામમાં જોડાવું કે જે તેની પોતાની માનસિક-શારીરિક તંદુરસ્તી માટે ફાયદારૂપ છે એ ગુનો નથી.
શરત માત્ર એટલી જ કે આવી પ્રવૃત્તિઓ તેમનાં શિક્ષણમાં કોઈ કારણોસર બાધારૂપ ન બનવી જોઈએ. શાળાનાં કલાકો સિવાયનાં સમયમાં કે વેકેશનમાં પોકેટ-મની માટે રૂપિયા કમાવા એ તો બાળકનાં ઘડતરનો જ એક ભાગે છે. પરંતુ કામ કરવાના એ કલાકો પણ નિર્ધારિત હોવા જોઈએ.
બાળમજૂરીને નામશેષ કરવા માટે સૌપ્રથમ તો ગરીબીનું નાબૂદ થવું જરૂરી છે. મફત અને ફરજિયાત શિક્ષણને વધુ પ્રાધાન્ય મળવું જોઈએ. વર્લ્ડ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ દ્વારા દુનિયાનાં દેશોને અપાતી લોન, આ સમસ્યાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી શકે છે. ભારત ‘ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન
(ILO)’નું એક સભ્ય છે. 1919માં સ્થપાયેલ આ સંસ્થાનાં કુલ 187 સભ્યો છે જે દુનિયાભરનાં દેશો માટે મજૂરીનાં ધોરણ નકકી કરે છે. શાંતિના નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવેલાં કૈલાસ સત્યાર્થી પણ 1998થી આમાં જોડાયેલા છે અને બાળમજૂરી વિશે સતત અવાજ ઉઠાવવાના અને જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે.
ધ વાઈરલ ફિવર (ટીવીએફ) નામની પ્રખ્યાત યુટયુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવેલો. ‘હી ઇઝ નોટ છોટુ’ શીર્ષક હેઠળ અપલોડ થયેલ આ વીડિયોમાં ચાઇલ્ડ લેબરની વાત કરવામાં આવી છે. જેમ ગ્રેજયુએટ થયેલ ક્વોલિફાઈડ ઉમેદવાર મોટી-મોટી કંપનીઓમાં ઈન્ટરવ્યૂ આપીને જોબ મેળવે છે, એ જ રીતે 10થી 14 વર્ષના બાળકો અહીં ઉચ્ચ ઘરાનાનાં લોકોને ત્યાં નોકર બનવા માટે પડાપડી કરતા હોય છે! દરેકનાં નામ ‘છોટુ’! દરેકનો એક જ ઉદ્દેશ્ય ‘શેઠને ત્યાં કામ’!આવી કલ્પનાને સાવ નાંખી દેવા જેવી નથી.
દેશની પરિસ્થિતિમાં જો સુધાર નહીં આવે તો, આવો દિવસ જોવો જ પડશે. દેશનાં લગભગ 11.7 મિલિયન (1 કરોડ 17 લાખ) બાળકોને દરરોજ સવારે ઉઠીને સ્કૂલને બદલે મજૂરીકામ કરવા જવું પડે છે. ગુજરાતમાં તો હજુ પણ હાલત સુધાર પર છે. મુખ્યમંત્રી પદ પર વિજય રૂપાણીની નિયુક્તિ બાદ ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ને વધુ સક્રિય બનાવવામાં આવી છે. અહીં બાળકોના અપહરણ અને બળાત્કારના બનાવો પ્રમાણમાં ઓછા સાંભળવા મળે છે. દિલ્હી-મહારાષ્ટ્ર જેવાં રાજયોમાં લોકોનો જીવ સતત પડીકે બંધાયો હોય છે!
દેશનાં કેટલાય ‘લાયન’ને હજુ શોધવાના બાકી છે, જે વર્ષોથી ગુમ થઈ ગયા છે અને વિદેશી બજારોમાં ખરીદી લેવામાં આવ્યા છે. દેશનાં અઢળક ‘છોટુ’ને ફરી શાળા જીવન જોવાની ઈચ્છા છે. આવાં ભૂલકાઓને તેમનું બાળપણ પાછું આપવાની દિશામાં નક્કર પ્રયત્નો થાય એ જોવાની નૈતિક જવાબદારી દેશના નાગરિકોની છે, આપણી છે! હોલિવૂડની ફિલ્મોમાં ભારતને ગરીબડું જ દેખાડવામાં આવે કે પછી સશક્ત અને સમૃદ્ધ, એ તો આજનાં બાળકોનું ભવિષ્ય કેવો આકાર લે છે તેના પરથી જ નકકી થઈ શકશે!
-: ભારતમાં બાળમજૂરી સંબંધિત કાયદાઓ :-
- ધ ફેક્ટરીસ એક્ટ ઓફ 1948 (14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને ફેક્ટરીઓમાં કામ કરવાની મનાઈ ફરમાવતો કાયદો)
- ધ માઈન્સ એક્ટ ઓફ 1952 (18 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકને ખાણમાં કામ કરવાની મનાઈ ફરમાવતો કાયદો)
- ધ ચાઈલ્ડ એન્ડ એડલેસન્ટ લેબર એક્ટ ઓફ 1986 (14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કેટલાંક જોખમી કામોની મનાઈ ફરમાવતો કાયદો)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ઓફ 2009 (6થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાવનાર કાયદો)
- ધ જુવેનાઈલ જસ્ટીસ ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015. (કોઈપણ બાળકને તેની મરજી વિરૂધ્ધ કેદ રાખીને કામ કરાવવું એ સજાપાત્ર ગુનો બને છે).
વાયરલ કરી દો ને !
નાણાં, લાલચ અને બેદરકારીના લીધે કેટલાય બાળકોના ભવિષ્ય કાળમાં ગર્ત કરી નાખવામાં આવે છે