વાઇન શોપ પરથી ૩૦ મહિલા સહિત ૨૭૪૫ નિયમિત દારૂ મેળવે છે: પરમીટ રિન્યુની પ્રક્રિયા એરિયા મેડિકલ બોર્ડ અને ડેપ્યુટી ડાયરેકટર ઓફ હેલ્થ વચ્ચે અટવાણી
શહેરમાં ૩૦ મહિલા સહીત ૨૭૪૫ જેટલા લીકર પરમીટ ધારકો શહેરનાં પાંચ વાઇન શોપ પરથી સરળતાથી ખરીદી કરી શકે તે માટે નશાબંધી શાખા દ્વારા પાંચેય વાઇન શોપ પર સબ ઈન્સ્પેકટરની બાજ નજર રાખવામાં આવી રહી છે.
શહેરમાં ઢેબર રોડ પર ફોરેઇન વાઇન મરચંટ એસોસિએશન, કોટેચા ચોક ખાતેની કે.કે. હોટેલ, પારવડી ચોક પાસે આવેલી ધ ફર્ન, યાજ્ઞીક રોડ ખાતે આવેલી ઇમ્પિરિયલ હોટલ અને ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલી જે.પી. ફોચ્યુંન હોટલ ખાતે વેચાતા દારુના જથ્થામાં કંઇક ગડબડ કે ગેરરીતી ન થાય તેની નશાબંધી શાખા દ્વારા બાજ નજર રાખવામાં આવતી હોવાનું નશાબંધી શાખા ઓફીસ સુપ્રિ. એલ.એન. ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
શહેરની પાંચેય વાઇન શોપ પર ગુજરાત બહાર દારૂ ની ફેકટરીએથી ઓનલાઇન ખરીદી થાય છે. વાઇન શોપ પર આવેલા દારુના જથ્થાનો સ્ટોક અને પરમીટ ધારકોને વહેચલ સ્ટોકની ગણતરીમાં કોઇ ગડબડ ન થાય તે માટે તમામ વાઇન શોપ પર નશાબંધીના સબ ઇન્સ્પેકટર ફરજ બજાવી સ્ટોક મેઇન્ટેન કરતા હોવાનું જણાવ્યું છે.
વાઇન શોપ પર વહેચાતી જુદી જુદી બ્રાન્ડની દારુની બોટલ પર કેન્દ્ર અને રાજય સરકારનો ૩૦૦ ટકા ટેકસ અને ૬૭ ટકા વેટ લાગતો હોવાથી દારુની બોટલ ફેકટરી પર રૂ ૧૮૦ થી ૨૦૦ સુધીની વહેચાતી બોટલ ગુજરાતમાં રૂ ૧૫૦૦ થી ૧૮૦૦ સુધીમાં વહેચાતી હોવાનું વાઇન શોપ સંચાલકોએ જણાવ્યું છે. લીડર પરમીટ એકસ આર્મીમેન, વિદેશી નાગરીક અને હેલ્થ પરમીટ ધારકને વાઇન શોપ પરથી સરકારના નીતી નિયમ મુજબ દારૂનો વહેચાણ કરવામાં આવશે. નિયત સમયમાં રિન્યુ ન કરવાનારની પરમીટ રદ કરવામાં આવે છે. જયારે નવી પરમીટ પણ નિષ્ણાંત તબીબોની અભિપ્રાય મુજબ જ આપવામાં આવતું હોવાનું સુપ્રિટેન્ડેટ એસ.એન. ચૌહાણે જણાવી રાજકોટ જીલ્લા ઉપરાંત મોરબી જીલ્લાના પરમીટ ધારકોની કામગીરી સંભાળવામાં આવે છે.
રાજકોટ નશાબંધી શાખાના ૨૦ માર્ચથી નવી અને જુની પરમીટ પર પ્રતિબંધ મુકાયા બાદ તાજેતરમાં જ પરમીટ રિન્યુ કરવાની છુટછાટ આપવામાં આવી છે. પણ રાજકોટ નશાબંધી શાખા પરમીટ રિન્યુ કરવા અંગે કામગીરી ઓઢવામાં હોવાથી પરમીટ ધારકોને દારુની બોટલ મેળવવી મુશ્કેલ બની છે.
હેલ્થ પરમીટ રિન્યુ કરવા સરકારે રાજયના તમામ નશાબંધીને પરીપત્ર પાઠવ્યો છે તેમાં રીન્યુ માટે એરીયા મેડીકલ બોર્ડ અને ડેપ્યુટી ડાયરેકટર ઓફ હેલ્થ લખેલું હોવાથી રીન્યુની કામગીરી આગળ ધપાવવામાં આવી ન હોવાનું ઓફીસ સુપ્રિટેન્ડેટ એસ.એન. ચૌહાણે જણાવ્યું હતું.