હાલમાં જ એક પછી એક બે વાવાઝોડાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. હવે યાસ વાવાઝોડાએ દેશના પૂર્વ વિસ્તારને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાની વધુ અસર થઇ છે. વાવાઝોડું હાલ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ વાવાઝોડાના કેટલાક ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે.
વાવાઝોડું કેટલું ભયાનક હોય છે તેની પુષ્ટી કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં અમેરિકા અને યુરોપમાં જોવા મળતા ટોર્નેડો ઓડિશા અને બંગાળમાં જોવા મળી રહ્યાં છે. આ ટોર્નેડોના રસ્તામાં જે કાંઇ પર આવી રહ્યું છે જેને હવામાં ફંગોળી તબાહ કરી રહ્યો છે. પહેલીવાર ભારતમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
https://www.abtakmedia.com/live-take-a-look-at-hurricane-yas-find-out-where-it-has-arrived-and-when-it-will-strike/
યાસ વાવાઝોડાએ હવે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામા વિભાગનું કહેવું છે કે આગામી કેટલીક કલાકોમાં વાવાઝોડું વધુ ભયાનક તિવ્રતા ધારણ કરી શકે છે. ચક્રવાત દરમિયાન હવાની ઝડપ 155થી 165 કિલોમીટર પ્રતિકલાક રહેવાની અને તે વધીને 185 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની સંભાવના છે.
ઓડિશા સ્પેશિયલ રિલિફ કમિશનર પી.કે. જેનાનું કહેવું છે કે આજે વહેલી સવારે 9 વાગ્યાથી ભારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. જે આગામી ત્રણથી ચાર કલાક સુધી ચાલુ રહેશે. તો વાવાઝોડું પણ સતત દરિયાકાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જે ઓડિશાના ધર્મા અને બાલાસોર વિસ્તારમાં ત્રાટકશે તેવી સંભાવના છે.