નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઇ નિમાવતને વાઇસ ચેરમેન બનાવાયા: શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા સત્તાવાર જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદનો તાજ ભાજપ દ્વારા વિક્રમભાઇ પુજારાના શિરે મૂકવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઇ નિમાવતની વરણી કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જૂથવાદ અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના તમામ 15 સભ્યોના રાજીનામા પ્રદેશ દ્વારા લઇ લેવામાં આવ્યા હતા. દરમિયાન તાજેતરમાં યોજાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં ભાજપના તમામ 12 સભ્યો ચૂંટાઇ આવ્યા હતા.
ત્રણ સરકાર નિયુક્ત સભ્ય સાથે કુલ 15 સભ્યોના નામ રાજ્ય સરકારના નોટિફિકેશનમાં જાહેર થયા બાદ આજે સવારે ચૂંટણી અધ્યક્ષ એવા મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા બંધ કવરમાં મોકલવામાં આવેલા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા બરાબર 11:00ના ટકોરે કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન પદે શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ વિક્રમભાઇ પુજારાની જ્યારે વાઇસ ચેરમેન પદે નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઇ નિમાવતની વરણી કરવામાં આવી છે.
અગાઉ એવી ચર્ચા થતી હતી કે ચેરમેન પદ કોઇ પુરૂષ સભ્યને આપવામાં આવશે. જ્યારે વાઇસ ચેરમેન પદે મહિલાની નિયુક્તી કરાશે. પરંતુ આગામી સપ્ટેમ્બરમાં મેયરની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. હવે પછીની અઢી વર્ષની મેયર પદની મુદ્ત મહિલા માટે અનામત હોય આ સમિકરણોને ધ્યાનમાં રાખી શિક્ષણ સમિતિનું ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પુરૂષ સભ્યને સોંપવામાં આવ્યું છે. નવનિયુક્ત હોદ્ેદારોને શુભકામના પાઠવવા માટે આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.