‘વાહ તાજ… આહ્ તાજ…’
વિશ્વની અજાયબી તાજમહેલને પ્રદુષણના નુકસાનથી બચાવવા એએસઆઈનો નિર્ણય: મુસ્લિમ બિરાદરો નારાજ
વિશ્વની સાત અજાયબીઓમાં ભારતના તાજમહલનું વિશિષ્ઠ સ્થાન રહેલું છે પરંતુ વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઐતિહાસિક મુધલ ઈમારત એવા તાજમહેલને ખુબ જ નુકસાન થઈ રહ્યું છે જેને લઈ સુપ્રિમ કોર્ટ પણ ચિંતિત છે.
ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-એએસઆઈએ તાજમહેલની મસ્જિદમાં નમાજ અદા કરવા માટે શુક્રવાર સિવાયના અન્ય દિવસો પર પ્રતિબંધ મુકયો છે. એએસઆઈના અધિકારીઓનું કહેવું છે કે, તાજમહેલની સુરક્ષાને ધ્યાને લઈ તેમના દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત જુલાઈ માસમાં આદેશ કર્યો હતો કે, તાજમહેલમાં માત્ર એક જ દિવસ નમાજ અદા કરવાની છુટ અપાય. જેનું પાલન કરવા એએસઆઈ દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. જોકે, શુક્રવારના રોજ સામાન્ય લોકો માટે તાજમહેલની મુલાકાત પર પ્રતિબંધ જ હોય છે અને વગર ટીકીટે સ્થાનિક લોકોને નમાજ માટે અંદર મસ્જિદમાં જવા દેવાની છુટ હોય છે તો બીજી તરફ શુક્રવાર સિવાયના બાકીના દિવસોમાં બહારથી આવતા મુસાફરોને તાજમહેલની મુલાકાત લેવા પર છુટ હોય છે.
એએસઆઈએ તાજમહેલમાં શુક્રવારના જ દિવસે નમાજ અદા કરી શકવાનો નિર્ણય કર્યો છે તો આ સાથે તાજમહેલમાં આવેલ વજુ ટેંકને પણ બંધ કરી દીધી છે કે જયાં લોકો નમાજ પહેલા પોતાને શુઘ્ધ કરવા અર્થે સ્નાન કરતા હતા. એ.એસ.આઈ.ના આ નિર્ણયથી ઘણા લોકોમાં નારાજગી પ્રવર્તી છે અને વિરોધ ઉઠાવ્યો છે.
એએસઆઈના આ નિર્ણયને લઈ તાજમહેલ ઈંતજામિયા કમિટીના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહીમ હુસૈન જેદીએ કહ્યું કે, છેલ્લા ઘણા લાંબા સમયથી તાજમહેલની મસ્જિદમાં નમાજ અદા કરાય છે અને તેને રોકવાની એએસઆઈની કામગીરી અમારી સમજમાં આવતી નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર અને રાજય સરકાર બંને મુસ્લિમવિરોધી છે માટે જ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.