ભારતની “પેઇસ-બેટરી”એ રંગ રાખ્યો!!
શમી અને બુમરાહની અણનમ ઇનિંગે ઇંગ્લેન્ડને માનસિક રીતે તોડ્યું!!
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતે ૧૫૧ રને ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપ થી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમ્યાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી. મેચમાં પૂછડીયા બેટ્સમેનો અને પેસ બોલરોએ રંગ રાખ્યો હતો. જે રીતે ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો તે બાદ શામી અને બુમરાહે ૮૯ રનની અણનમ ઇનિંગ રમીને ભારતને મેચ પર મજબૂત પકડ આપી હતી. પૂછડીયા બેસ્ટમેનો આઉટ નહીં થતા ઇંગ્લેન્ડની ટીમનું માનસિક મનોબળ તૂટી ગયું હતું.
બંને પૂછડીયા બેટ્સમેનોની ઇનિંગને કારણે ભારતીય ટીમને કોન્ફિડન્સ આવી ગયો હતો જેના કારણે દાવ ડિકલેર કરવામાં આવ્યો હતો પરંતુ નબળી બનેલી માનસિકતાને કારણે ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહી અને બંને પૂછડીયા બેટ્સમેનોએ જ ઇંગ્લિશ ટીમના બંને ઓપનરને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
પ્રથમ ઇનીંગમાં ભારતે કેએલ રાહુલના શતક વડે ઇંગ્લેન્ડ સામે ૩૬૪ રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન ૧૮૦ રનની અણનમ રમત રમીને ભારત પર ૨૭ રનની સરસાઇ અપાવી હતી. આમ ઇંગ્લેન્ડે પણ ભારતની લીડ મેળવવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.
બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી સહિતના બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે પુજારા અને રહાણેએ રમતની જવાબદારી સ્વિકારી ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી દીધી હતી.
અંતિમ અને પાંચમાં દિવસે બુમરાહ અને શામીએ બેટીંગની જવાબદારી લઇ ઇંગ્લેન્ડ સામે મજબૂત પડકાર સર્જ્યો હતો. બંને એ એવા સમયે બેટીંગ કરી હતી જ્યારે ફરી એકવાર ભારત પર મુશ્કેલીના વાદળ છવાયા હતા. શામીએ પોતાની ફીફટી ૭૦ બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારી પુરી કરી હતી. શામીએ અણનમ ૫૬ રન બનાવ્યા હતા. ૬૪ બોલનો સામનો કરતા બુમરાહે ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ ૩૪ રન બનાવ્યા હતા.
આમ ભારતે ઇંગ્લેન્ડ સામે લંચ બાદ ૮ વિકેટે ૨૯૮ રને પોતાનો દાવ ડીકલેર કર્યો હતો. જેને લઇને ઇંગ્લેન્ડ સામે ૨૭૨ રનનો પડકાર, ૨૭ રનની લીડને લઇ રાખ્યો હતો. ઇંગ્લેન્ડ ના બંને ઓપનરો શૂન્ય રન કરીને જ આઉટ થયા હતા. ઇંગ્લેન્ડના બેટ્સમેનોની વિકેટ ભારતીય બોલરોએ એક બાદ એક ઝડપતા રહ્યા હતા.
ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ રોરી બર્ન્સના રુપમાં ૧ રનના સ્કોર પર ગુમાવી હતી. બીજી વિકેટ તુરત જ સિબ્લીના રુપમાં ગુમાવી હતી. જે વખતે પણ સ્કોર ટીમનો ૧ રન જ હતો. હસિબ હસનની વિકેટના રુપમાં ત્રીજી વિકેટ ઇંગ્લેન્ડે ૪૪ રનના સ્કોર પર ગુમાવી હતી. હસિબે ૪૫ બોલમાં ૯ રન કર્યા હતા. જોની બેયરિસ્ટો ૨ રન કરીને આઉટ થયો હતો. જો રુટ સૌથી વધુ ૩૩ રનની ઇનીંગ કરીને આઉટ થયો હતો. મોઇન અલીએ ૧૩ રન અને સેમ કરન શૂન્ય પર આઉટ થયો હતો. જોસ બટલરે ૯૬ બોલમાં ૨૫ રન કર્યા હતા.
બુમરાહ અને શામીએ જેમ બેટીંગમાં રમત દર્શાવી હતી તેવી જ રીતે તેઓે બોલીંગની શરુઆત કરી હતી. બુમરાહે ૩ વિકેટ મેળવી હતી. જયારે મંહમદ શામીએ ૧ વિકેટ મેળવી હતી. મંહમદ સિરાજે ૪ વિકેટ મેળવી હતી. ઇશાંત શર્માએ ૨ વિકેટ મેળવી હતી.