૧૯૯૩ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ ટાડા કોર્ટનો ચુકાદો: રિયાઝ સિદ્દીકીને ૧૦ વર્ષની સજા: અબુ સાલેમ સહિત ૫ દોષીતોને સજા સંભળાવાઈ
૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજરોજ મુંબઈની સ્પેશ્યલ ટાડા કોર્ટે અબુ સાલેમ સહિતના પાંચ દોષીતોને સજા સંભળાવી છે. કોર્ટે તાહિર મરચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીને સજા ફટકારી છે. જયારે ડોન અબુ સાલેમ તથા કરીમુલ્લા શેખને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત રિયાઝ સીદ્દીકીને ૧૦ વર્ષની સજા આપવામાં આવી છે.આ કેસમાં ૨૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. વર્ષ ૨૦૦૭ના પ્રથમ ભાગના ચુકાદામાં યાકુબ મેમણ સહિત ૧૦૦ આરોપીને સજા આપવામાં આવી હતી. જયારે ૨૩ને છોડી મુકવામાં આવ્યા હતા. બીજા ભાગના આરોપીમાં અબુ સાલેમ ઉપરાંત મુસ્તફા ડોસા, કરીમુલ્લા ખાન, ફિરોઝ અબ્દુલ રસીદ ખાન, રીયાઝ સીદ્દીકી, તાહિર મરચન્ટ અને અબ્દુલ કયુમનો સમાવેશ થાય છે. આ પૈકીના મુસ્તફા ડોસાનું ૨૮ જૂન ૨૦૧૭ના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ કેસના દોષીતોમાં ટાઈગર મેમણને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. જયારે સંજય દત્તે પણ પોતાની સજા પૂરી કરી છે. આજે ટાડા કોર્ટે અબુ સાલેમ કરીમુલ્લા શેખને ૨-૨ લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો આ દંડ નહીં ભરે તો વધુ ૨-૨ વર્ષની સજા પડશે. ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં ૨૫૭ લોકોના મોત થયા હતા. જયારે ૭૧૩ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે ૨૭ કરોડની મિલકતને નુકશાન થયું હતું. ૪ નવેમ્બર ૧૯૯૩ના રોજ ૧૦ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દુબઈમાં મુસ્તફા ડોસાના ભાઈ મોહમદના ઘરે મીટીંગ થઈ હતી. ત્યાં જ આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મુસ્તફા ડોસાએ દુબઈની મીટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર ૯ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ હથીયારો-આરડીએકસનો પ્રથમ જથ્થો મોકલ્યો હતો. ગુજરાતના ભ‚ચથી આ વિસ્ફોટક સામગ્રી અબુ સાલેમ મુંબઈ લઈ આવ્યો હતો. કેટલાક હથીયારો સંજય દત્ત સહિતના અન્ય લોકોને આપવામાં આવ્યા હતા.તાહિર મરચન્ટ ષડયંત્રના દરેક તબકકે સામેલ હતો. દુબઈથી આવનાર લોકો માટે તે સમગ્ર વ્યવસ્થા કરતો હતો. તે ટ્રેનીંગ માટે પાકિસ્તાન મોકલતો હતો. બાબરી મસ્જિદ ધ્વંશ બાદ આ ષડયંત્ર બદલાની ભાવનાથી કરવામાં આવ્યું હતું. કેસમાં અબ્દુલ કયુમ વિરુધ્ધ કોઈ જ પર્યાપ્ત પુરાવા મળ્યા ન હતા. અબુ સાલેમે કેસમાં બ્લાસ્ટ માટે હથીયાર લાવવા, વહેંચવા, ષડયંત્ર રચવું અને આતંકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો દોષીત છે. આ મામલામાં ૩૩ આરોપીઓ હજુ પણ ફરાર છે. મુંબઈમાં બદલાની ભાવનાથી કુલ ૧૨ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૩માં સાલેમ સામેના અન્ય આરોપો પડતા મુકવામાં આવ્યા છે. કારણ કે ભારત અને પોર્ટુગલ વચ્ચે તે પ્રત્યાર્પણ સંધીની વિરુધ્ધ જતા હતા. કોર્ટે ૭૫૦ ફરિયાદ પક્ષના સાથીદારો અને ૫૦ અન્ય સાથીદારોને તપાસ્યા છે. સાલેમ સહિત ત્રણ આરોપીઓએ તપાસ દરમિયાન ગુનાની કબુલાત કરી છે.