કવિવર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં લાગણી સભર સંભારણા

કલકત્તા ખાતે સ્થાયી થયેલ મોટા ભાઈ લાલચંદ મેઘાણીની બીમારીને કારણે ૧૯૧૮ના મે માસમાં ઝવેરચંદ મેઘાણીને ઓચિંતાનું કલક્તા જવાનું થયું. કલકત્તા-રોકાણ લંબાયું ને ૧૯૧૮માં જીવણલાલ એન્ડ કંપની નામના એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. બજારમાં ફરતાં ‘સાઈનબોર્ડ’ વાંચીને બંગાળી ભાષા શીખ્યા. ફરજ બજાવતા બચે તે અંગત સમય દરમિયાન બંગાળી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવતા જઈ તેનો આસ્વાદ માણવા માંડ્યો. પરિણામે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે સવિશેષ આદરભાવ કેળવાયો.

ટાગોરનું અતિ લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા કવિવરના જ સ્વમુખે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૦માં કલક્ત્તા ખાતે સાંભળ્યું ને ખૂબ સ્પર્શી ગયું. હ્રદયમાં સતત ઘૂંટાયા કર્યું. ૧૯૪૧માં ટાગોરના નિધન પછી છેક ૧૯૪૪માં, આ કાવ્યના અનુસર્જનરૂપે, આજે પણ લોકમુખે રમતું રહેલું અતિ લોકપ્રિય અને ઝમકદાર ગીત ‘મોર બની થનગાટ કરે’ (નવી વર્ષા) પ્રગટ થયું.

૧૯૦૦માં પ્રગટ થયેલ ‘કથા ઉ કાહિની’ નામના કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકમાં શીખ, રજપુત, બૌધ્ધ, મરાઠા ઈત્યાદિ તવારીખોમાંથી લીધેલા સ્વાર્પણ અને ત્યાગના સુંદર ભાવના-પ્રસંગો ઓજસ્વી કથાગીતો રૂપે આલેખાયા છે. આ પૈકી અઢાર પાણીદાર ઘટનાઓને ૧૯૨૨માં પ્રગટ થયેલ પોતાની સહુપ્રથમ કૃતિ ‘કુરબાનીની કથાઓમાં ઝવેરચંદ મેઘાણીએ ગદ્યરૂપે ઉતારી છે. ટાગોરનું ઋણ સ્વીકારતાં ઝવેરચંદ મેઘાણી નોંધે છે : આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભૂલી શકું ?

૧૯૪૧માં શાંતિનિકેતન જઈને ઝવેરચંદ મેઘાણીએ આપેલાં લોકસાહિત્ય વિષેનાં એમનાં વ્યાખ્યાનોએ ત્યાં ઉપસ્થિત દેશવિદેશના સેંકડો વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા. માનપત્ર અર્પણ થયું, તેનો નમ્રભાવે સ્વીકાર કરતી વેળાના આ તો પ્રેમપત્ર છે એવા  હૃદયસ્પર્શી, સ્વયંસ્કૂર્ત ઉદ્ગાર થકી શ્રોતાઓ સહુનાં દિલ જીતી લીધાં. એ દિવસોમાં કવિવરનું સ્વાસ્થ્ય અતિ નાદુરસ્ત હતું : અશક્ત, પથારીવશ; શ્રવણેન્દ્રિયની અને ચક્ષુની શક્તિ ક્ષીણ થયેલી. નંદલાલ બોઝ અને ગુરુદિયાલ મલ્લિકે કહ્યું : ‘ચાલો કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે; પણ તમને મળીને રાજી થશે.  ઝવેરચંદ મેઘાણીએ કહ્યું : ‘મારે એમની શકિત નથી બગાડવી.

કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. બન્નેના અતિ આગ્રહને વશ થઈને ઝવેરચંદ મેઘાણી ગુરુદેવના તે વખતના નિવાસ ‘શ્યામલીનાં પગથિયાં સુધી જઈ, ત્યાંથી ચરણ-રજ લઈને પાછા ફર્યા.  ગુરૂદેવને કહેજો : મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે. ૭ ઑગસ્ટ ૧૯૪૧ના રોજ ટાગોરનું નિધન થતાં ઝવેરચંદ મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવભીની તેવી જ વિશિષ્ટ અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું : ‘તમે કવિ હતા. ‘કવિ શબ્દ હવેથી અમે જાળવીને વાપરશું.

૧૯૪૪માં કવિવરની ત્રીજી પુણ્યતિથિએ ટાગોર-કાવ્યો પર આધારિત ૬૪ રવીન્દ્ર-અનુકૃતિઓનો સંગ્રહ રવીન્દ્ર વીણા ગુજરાતીમાં પ્રગટ થયો. લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન અને સન્માન્ય વિવેચક પ્રો. ફિરોઝ સી. દાવરે આ સંગ્રહ માટે ઉચ્ચારેલા શબ્દો  મર્મગ્રાહી હતા !કવિવર રવીન્દ્રનાથ ટાગોરને અંજલિરૂપે તેમનું રચિત હૃદયસ્પર્શી એક બંગાળી પદ : ‘નીરવ યિનિ તાઁહાર પાયે, નીરવ વીણા દિબ ધરિ.’  મારે ગાવાનાં  ગાન સઘળાં સમાપ્ત થયે  નિ:શબ્દ મારી વીણાને હું  એ સદૈવ-નીરવને ચરણે  ધરી દઈશ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.