હયાત ૧૭ થી ૧૮ મીટરનો ટાગોર રોડ પહોળો કરતા ૨૦ મીટરનો થશે: ડીવાઈડર, સેન્ટર લાઈટીંગ અને સુવિધાથી સજ્જ બનશે

ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા ટાગોર રોડ પર આવેલી એવીપીટી આઈ કેમ્પસની જુની કમ્પાઉન્ડ વોલ દુર કરી હયાત ટાગોર રોડ પહોળો કરવામાં આવશે. સાથો સાથ ડીવાઈડર, સેન્ટર લાઈટીંગ અને ફુટપાથ જેવી સુવિધાઓ પણ ઉભી કરાશે તેમ આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હયાત ટાગોર રોડની પહોળાઈ ૧૭ થી ૧૮ મીટરની છે આ રોડ પર આવેલી એવીપીટી આઈ કેમ્પસની જુની કમ્પાઉન્ડ વોલ દુર કરી નવી કમ્પાઉન્ડ વોલ તથા ફુટપાથ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલું છે. ટુંક સમયમાં ટાગોર રોડ એવરેજ ૨૦ મીટર (૬૫.૬ ફુટ) સુધી પહોળો કરવામાં આવશે. જેનાથી ટ્રાફિકની સમસ્યા દુર થશે.આ સ્થળે લાઈન દોરીમાં આવતું હયાત બાંધકામ દુર કરી કુલ ૫૭૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવશે અને તેને રોડમાં ભેળવી દેવામાં આવશે. આ માટે જુની કમ્પાઉન્ડ વોલ દુર કરી નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા અને ૧.૨૦ મીટર પહોળાઈની ફુટપાટ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨૧.૮૧ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. હાલ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે.

તેઓએ ઉમેર્યું હતું કે, રોડની વચ્ચે આકર્ષક ફલાવર બેડ ટાઉપ રોડ ડીવાઈડર પણ બનાવવામાં આવશે.જેના વચ્ચે હોર્ડિગ્સ બોર્ડ મુકી આવક ઉભી કરવામાં આવશે. ડીવાઈડરમાં સેન્ટર લાઈટીંગની સુવિધા પણ ઉભી કરાશે. આ રોડ પર ચોમાસામાં પણ વરસાદી પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા હતી જે મહાપાલિકા દ્વારા ગટર બનાવી દુર કરી દેવામાં આવી છે. નાના ડીવાઈડર હોવાના કારણે ટાગોર રોડ પર અવાર નવાર અકસ્માત સર્જાતા હતા જે રસ્તો પહોળો થતા હવે અકસ્માતનું પ્રમાણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા પણ મહદઅંશે હલ થઈ જશે. સંપૂર્ણ ટાગોર રોડને પણ ભવિષ્યમાં પહોળો કરવાનું મહાપાલિકાનું આયોજન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

મહાબળેશ્ર્વર અને દમણમાં સેમિનારમાં ઉપસ્થિત રહેવા મેયરને નિમંત્રણ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ ગર્વમેન્ટ મુંબઈ દ્વારા દમણ ખાતે આગામી ૨૪ અને ૨૫મી જાન્યુઆરીના રોજ જાહેર શૌચક્રિયાનું સીટી વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે ૩૦ અને ૩૧ જાન્યુઆરીના રોજ મહાબળેશ્ર્વર ખાતે એક વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, દિવ-દમણ અને દાદરાનગર હવેલી સહિતના રાજયો ભાગ લેવાના છે. ઉકત બંને વર્કશોપમાં ભાગ લેવા માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.