’ક્રિકેટ ઇસ અ મેન્ટલ ગેમ’ની સાથોસાથ ક્રિકેટમાં કિસ્મત પણ કામ કરી જાય છે અને ઘણીવાર કામ બગાડી પણ જાય છે. અગાઉની ક્રિકેટની દુનિયાની વાત કરવામાં આવે તો કપિલદેવ સમયે યોગરાજસિંહ પણ ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર હતો પણ અમુક બાબતોને કારણે તેમને કોઈ મોટી ઓળખ મળી નહીં. તેવી જ રીતે કરશન ઘાવરી સમયે ટીમમાં જામનગરના ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજા ખૂબ સારા બોલર હતા પણ ટીમમાં ગાવસ્કરની બોલબાલા અને ગોડફાધરની કમીએ રાજેન્દ્રસિંહને કોઈ મોટી ફેમ આપી નહીં. તેવી જ પરિસ્થિતિ હાલના સમયમાં પણ બની છે. યુવાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખૂબ શ્રેષ્ઠ ખેલાડી છે પરંતુ કદાચ પંડ્યાની કિસ્મત નબળી છે. જેના કારણે પંડ્યાની કારકિર્દી પર સવાલ ઉદ્ભવયો છે. પંડ્યા સર્જરીને કારણે બોલિંગ કરી શકતો નથી ત્યારે સિલેક્ટર્સ બોલિંગ નહીં કરનાર ઓલરાઉન્ડરની પસંદગીની વિરુદ્ધમાં છે જેના કારણે હાર્દિકની પસંદગી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કરાઈ નથી.
ભારતીય ટીમ આવતા મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની મેચ રમનાર છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર -ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના પછી ઘણા દિગ્ગજ ખેલાડીઓ હાર્દિક પંડ્યા અંગે જુદા જુદા નિવેદનો આપી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય સિલેક્ટર સરનદીપસિંહે હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં નજરઅંદાજ કરવાના વર્તમાન સમિતના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું હતું કે, જો આ ખેલાડી બોલિંગ કરી શકતો નથી તો તે નાના ફોર્મેટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર નથી. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર કહ્યું કે, હાર્દિક તેની સર્જરી પછીથી નિયમિતપણે બોલિંગ કરતો નથી. મને લાગે છે કે, નાના ફોર્મેટમાં પણ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનવા માટે તેઓએ વનડેમાં 10 ઓવર અને ટી-20 માં ચાર ઓવર કરવી પડશે. તે ફક્ત બેટ્સમેન તરીકે રમી શકતો નથી. વર્ષ 2019માં હાર્દિકની પીઠના ભાગે સર્જરી થઈ હતી. ત્યારથી તે નિયમિત બોલિંગ કરી રહ્યો નથી અને ટીમને તેની સર્વાંગી કુશળતાનો લાભ મળી રહ્યો નથી. આ કારણોસર, તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. સરનદીપે વધુમાં કહ્યું કે, જો હાર્દિક બોલિંગ નહીં કરે, તો તે ટીમના સંતુલનને ઘણી અસર કરી શકે છે. તેના કારણે તમારે ટીમમાં એક વધારાનો બોલર રાખવો પડશે, જેથી સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીને બાકાત રાખવો પડે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં તેની અસર આપણે જોઇ છે. આપણે ફક્ત પાંચ વિકલ્પો સાથે બોલિંગ માટે ન ઉતરી શકીએ. તેમણે કહ્યું, ’હવે ટીમમાં વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, જડ્ડુના રૂપમાં અન્ય ઓલરાઉન્ડર છે, શાર્દુલ ઠાકુર પણ ઓલરાઉન્ડર બની શકે છે. જો હાર્દિક બોલિંગ નહીં કરી શકે, તો સામે આ બધા ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે સામે આવી શકે છે.