મંત્રી મંડળમાં જે જિલ્લાને પ્રતિનિધિત્વ નથી આપી શકાયુ તે જિલ્લાના રાજકીય આગેવાનોને બોર્ડ-નિગમમાં લઇ સાચવી લેવાશે
15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 182 બેઠકોમાંથી 156 બેઠકો પર ભાજપના ઉમેદવારીની રેકોર્ડ બે્રક લીડ સાથે જીત થવા પામી છે. ગત 12મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા. નવી સરકાર રચાયાના એક પખવાડિયા બાદ હવે બોર્ડ-નિગમના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોની નિમણૂંક કરવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નામો પણ ફાઇનલ થઇ ગયા છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા વિધિવત ઘોષણા કરી દેવામાં આવશે.
પ્રચંડ બહુમતી મળવા છતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંત્રી મંડળ ખૂબ જ નાનુ રાખવામાં આવ્યું છે. મંત્રી મંડળમાં સીએમ સહિત માત્ર 17 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર 13 જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. 20 જિલ્લાઓ મંત્રી પદથી વંચિત રહ્યા છે. આગામી 15મી જાન્યુઆરીએ કમુરતા ઉતરતાની સાથે જ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અને સંગઠન દ્વારા બોર્ડ-નિગમોમાં નવી નિમણુંકની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેનાર પાયાના કાર્યકરોને બોર્ડ-નિગમના સભ્ય તરીકે સ્થાન આપવામાં આવે તેવું મનાય રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદાર હોવા જ્ઞાતિ-જાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખી જે આગેવાનને ટિકિટ આપી શકાય નથી તેવા નેતાઓને બોર્ડ-નિગમના ચેરમેન કે વાઇસ ચેરમેન બનાવી તેવોની વફાદારીની કદર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ગત વર્ષ યોજાયેલી ચૂંટણીમાં જે નગરસેવકોની ટિકિટ એક યા બીજા કારણોસર કાંપી નાંખવામાં આવી હતી. તેઓને પણ બોર્ડ નિગમના સભ્ય તરીકે લેવામાં આવે તેવું મનાય રહ્યું છે. સામાન્ય રિતે સરકાર રચાયા બાદ મહિનાઓ પછી બોર્ડ-નિગમોમાં નિમણૂંક કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળી છે. તમામ જિલ્લાઓમાંથી એક સમાન જનાદેશ પ્રાપ્ત થયો છે.
આવામાં કોઇપણ જિલ્લાને રાજકીય અન્યાય સહન કરવો ન પડે તેવું પક્ષ દ્વારા ધ્યાન રાખવું પડશે. જે જિલ્લાને સરકારમાં સ્થાન આપી શકાયુ નથી. તે જિલ્લાનો રાજકીય આગેવાનોની બોર્ડ નિગમમાં નિમણૂંક કરવામાં આવે તેવી સંભાવના પણ હાલ દેખાય રહી છે. સરકાર અને સંગઠન અર્થાત પટેલ અને પાટીલ સંકલન સાધીને બોર્ડ નિગમમાં નિમણૂંક કરશે. કેટલાક રાજકીય આગેવાનો કે જેઓને ટિકિટ ફાળવણી સમયે એવું કરી મનાવી લેવામાં આવ્યા હતા કે પરિણામ બાદ આપને ધ્યાને લેવામાં આવશે.
તેઓને બોર્ડ-નિગમમાં હોદ્ે આપી સાચવી લેવામાં આવશે. 50થી વધુ બોર્ડ-નિગમમાં નવી નિમણૂંકનો તખ્તો તૈયાર છે. કેટલાક નામો ફાઇનલ કરી દેવામાં આવ્યા હોવાનું અને યાદી દિલ્હી મોકલી દેવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હી દરબારમાંથી લીલીઝંડી મળતાની સાથે જ બોર્ડ-નિગમના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યો ડિરેક્ટરોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે.