ચોક્કા… છગ્ગાની જામશે રમઝટ
16 ટીમો વચ્ચે મહામુકાબલો 23 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર બપોરે 1:30થી મેચનો પ્રારંભ
ઓસ્ટ્રેલિયામાં કાલથી યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ચોગ્ગા- છગ્ગાની રમઝટ જામશે.જેમાં ભારત તેની સૌપ્રથમ મેચમાં 23મી ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. આ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે.
ગત વર્ષે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપની જેમ જ વર્લ્ડ કપનો પ્રારંભ ક્વોલિફાયર્સથી થશે. શ્રીલંકા અને નામિબીયા વચ્ચે 16મી ઓક્ટોબરે રમાનારી મેચથી ટી-20ના મહાકુંભનો પ્રારંભ થશે. જેમાં આઠ ટીમો વચ્ચે સુપર-12માં ક્વોલિફાય થવા માટે જંગ જામશે. શ્રીલંકા અને નામિબીયા તેમજ વિન્ડિઝ અને સ્કોટલેન્ડની ટીમ સુપર-12માં ક્વોલિફાય થવા માટે રમશે. ક્વોલિફાયરમાં આ ચાર ટીમની સાથે અન્ય ચાર ટીમો પણ જોડાશે, તેના નામ હવે પછી નક્કી થશે.
જ્યારે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સીધા જ સુપર 12માં પ્રવેશી ચૂક્યા છે. તેમની સાથે વધુ ચાર ટીમો જોડાશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની બીજી ગ્રૂપ મેચ તારીખ 27મી ઓક્ટોબરના સીડનીમાં ક્વોલિફાયર ટીમ સામે છે. જે પછી ભારત 30મી ઓક્ટોબરે પર્થમાં સાઉથ આફ્રિકા સામે અને બીજી નવેમ્બરે એડીલેડમાં બાંગ્લાદેશ સામે રમશે. ત્યાર બાદ ભારતની આખરી લીગ મેચ 6 નવેમ્બરે ગ્રૂપમાં પ્રવેશેલી બીજી ક્વોલિફાયર ટીમ સામે રમાશે. સુપર-12ના રાઉન્ડ બાદ બંને ગ્રૂપમાં ટોચના બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચે સેમિ ફાઈનલ્સ રમાશે. સેમિ ફાઈનલ્સ 9 અને 10 નવેમ્બરના રોજ અનુક્રમે સીડની અને એડીલેડમાં રમાશે. જ્યારે તારીખ 13મી નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ મેચ રમાશે.
ક્યાં યોજાશે ફાઇનલ મેચ?
2022 ટી20 વર્લ્ડ કપમાં એડિલેડ ઓવલ, ધ ગાબા, જિલોંગના કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ સ્ટેડિયમ, ખઈૠ અને જઈૠ ખાતે એક મહિના કરતાં ઓછા સમયમાં કુલ 45 મેચો રમાશે. જઈૠ અને એડિલેડ ઓવલ ખાતે સેમી ફાઈનલ 9 અને 10 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે 13 નવેમ્બર રવિવારના રોજ મેલબોર્ન ખાતે ફાઈનલ મેચ યોજાશે.
ઓસ્ટ્રેલિયા પહેલી વખત કરશે યજમાની
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના સીઇઓ મિચેલ એનરાઇટે જણાવ્યું કે, આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં આ સૌથી મોટી ટૂર્નામેન્ટની મેજબાની દેશનો ઉત્સાહ વધારશે. અમે આ ટૂર્નામેન્ટ માટે ભારે ઉત્સુક છીએ.ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટના લાંબા ઇતિહાસમાં આ પહેલી વખત બનશે જ્યારે ઓસ્ટ્રેલિય આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેમણે 2020માં મહિલા ટી20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી, જેની ફાઇનલ મેચનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.
2021માં ચૂક્યા, 2022માં સપનું થશે પૂરું
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડયા આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની શરૂઆતની બે મેચો ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરવું મુશ્કેલ બની ગયું હતું. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં કોઈ મેચ હાર્યું. જો કે હવે વિરાટ કોહલી કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે અને ટી20, વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આવામાં રોહિત શર્મા ઉપર જ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની નૈયા પાર લગાવવાની જવાબદારી છે.
ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતની મેચો
– ભારત વિરુદ્ધ પાકિસ્તાન 23 ઓક્ટોબર (મેલબર્ન)
– ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર અપ, 27 ઓક્ટોબર (સિડની)
– ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા 30 ઓક્ટોબર (પર્થ)
– ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ 2 નવેમ્બર (એડિલેડ)
– ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર 6 નવેમ્બર (મેલબર્ન)