- આફ્રિકાના બોલરોના તરખાટ સામે અફઘાનિસ્તાનના બેટ્સમેનો ઘુંટાણીયા પડ્યાં
- 56 રનમાં જ અફઘાનિસ્તાનની ટીમ સમેટાઈ, અપેક્ષાથી વિપરીત પ્રદર્શનથી ચાહકો નિરાશ
ટી20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન તરફથી જે પ્રકારનું પ્રદર્શન અપેક્ષિત હતું તે થઈ શક્યું નથી. પ્રથમ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરતી વખતે પડી ભાંગી હતી, અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટો પડતી રહી હતી. પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એટલું જ નહીં કહી શકાય કે આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને કચ્છડી નાખી હતી.
દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવીને રનનો પીછો પૂર્ણ કર્યો હતો. આફ્રિકન ટીમે 29 જૂને બાર્બાડોસમાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલે માટે સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. હવે આફ્રિકન ટીમ ફાઇનલમાં આજે બીજા સેમિફાઇનલમાં વિજેતા ટીમ સામે ટકરાશે. આજનો બીજો સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.
દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે નવ વિકેટથી શાનદાર જીત મેળવીને પ્રથમ વખત મેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. તમામ ફોર્મેટમાં પુરૂષોની વૈશ્વિક ટુર્નામેન્ટમાં લાંબા સમય સુધી આફ્રિકાની ટીમે કોઈ નક્કર પરિણામ મેળવ્યું ન હતું પરંતુ હાલ ચાલી રહેલા ટી20 વિશ્વ કપમાં સુપર આજના મુકાબલામાં પણ આફ્રિકાએ પોતાનું પ્રદર્શન સારું કરી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને આજે અફઘાનિસ્તાનને હરાવી પ્રથમ વખત ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
બ્રાયન લારા ક્રિકેટ એકેડેમીમાં, રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બોલરોએ સેમિફાઇનલના કોઈપણ ડરને દૂર કર્યો અને અફઘાનિસ્તાનને 12 ઓવરમાં 56 રનમાં આઉટ કરી દીધું. ફઝલહક ફારુકીએ ક્વિન્ટન ડી કોક 5 રન પર આઉટ કરી શરૂઆતની વિકેટ લઈને અફઘાનિસ્તાનની આશાઓ અમુક હદ સુધી વધારી હતી, પરંતુ કેપ્ટન એડન માર્કરામના અણનમ 23 રન અને રીઝા હેન્ડ્રીક્સના 29 અણનમ રનના યોગદાને સ્ટીકી વિકેટ પર કોઈ જોખમ લીધું ન હતું અને અફઘાનિસ્તાનને કચળી નાખી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આફ્રિકાના બોલરો નો તરખાટ પણ જોવા મળ્યો હતો જેમાં માર્કો જેન્સન અને તબરેઝ શમસીએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે રબાડા અને નોરકિયાએ બે બે વિકેટ ઝડપી અફઘાનિસ્તાનને ઘુટાણીએ પાડી દીધું હતું અને 56 રનમાં જ ઓલ આઉટ કરી દીધું હતું.
સાંજે બીજા સેમિફાઇનલમાં વરસાદ વેરી ન થાય તો જંગ જામશે
ગુઆના ખાતે આજે બીજો સેમી ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવાનો છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને જો ધ્યાને લેવામાં આવે તો આજના મેચમાં 88% વરસાદ પડવાના ચાન્સ છે . જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો ભારત સીધું જ ફાઇનલમાં પ્રવેશ મેળવશે. બીજી મહત્વની વાત એ છે કે બીજા સેમિફાઇનલ મેચ માટે કોઈ રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો નથી. તો સામે એ અપેક્ષા પણ છે કે જો આ મેચ રમાશે તો ખરાખરીનો જંગ જામશે.