- નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અંગ્રેજો પ્રથમવાર ટી-20 મેચ રમશે: રાજકોટમાં રમાયેલી પાંચ ટી-20 મેચમાં ચારમાં ભારતનો થયો છે શાનદાર વિજય
બે વર્ષનાં લાંબા અંતરાલ બાદ આગામી 28 જાન્યુઆરી-2025ના રોજ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી ટી.20 ક્રિકેટ જંગ જામશે: જાન્યુઆરી માસમાં ઈગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. જે પાંચ ટી.20 મેચ રમશે જે પૈકીનો ત્રીજો મેચ 28મી જાન્યુઆરીના રોજ રાજકોટ કાતે રમાશે તેવી સતાવાર જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે.
બીસીસીઆઈ દ્વારા ગુરૂવારે ભારતીય ટીમના સપ્ટેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી ઘર આંગણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈગ્લેન્ડ સામે રમાનારી ટી.20, વનડે અને ટેસ્ટ મેચ માટેના કાર્યક્રમની સતાવાર ઘોેષણા કરી દીધી છે. જેમાં રાજકોટને 28મી જાન્યુઆરીએ પાંચ ટી.20 મેચ પૈકીની ત્રીજી મેચ રમશે તેવું જાહેર કરાયુ છે. શ્રેણીની પ્રથમ ટી.20 20 જાન્યુઆરી -2025નારોજ ચેન્નાઈ ખાતે, બીજી મેચ 25મી જાન્યુ. 2025ના રોજ કોલકતા, ત્રીજી મેચ 28મી જાન્યુ.ના રોજ રાજકોટ, ચોથી ટી.20 મેચ 31મી જાન્યુ.ના રોજ પૂણે અને પાંચમી તથા અંતિમ ટી.20 મેચ બે ફેબ્રૂઆરી 2025ના રોજ મુંબઈ ખાતે રમાશે. અંગ્રેજો ભારતમાં ત્રણ વનડે મેચ પણ રમવાના છે. જે પૈકીની પ્રથમ વનડે મેચ 6 ફેબ્રુૂ.2025ના રોજ નાગપુર ખાતે બીજી વનડે 9 ફેબ્રુ.ના રોજ કટક ખાતે જયારે ત્રીજી અને અંતિમ વનડે 12મી ફેબ્રુ.ના રોજ અમદાવાદ ખાતે રમાશે.અત્રે ઉલ્લેખનીય રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ પાંચ ટી.20 મેચ રમાયા ે. જે પૈકી એકમાત્ર ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. જયારે ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. છેલ્લા ગત 7મી જાન્યુ. 2023ના રોજ શ્રીલંકા સામે રમાયો હતો. જેમાં ભારતીય ટીમે અનેક કિર્તીમાન રચ્યા હતા જેમાં સૂર્યકુમાર યાદવે 112 રન ફટકાર્યા હતા. જે આ મેદાન પરનો હાઈએસ્ટ ટી.20 વ્યકિતગત સ્કોર છે.
ઈગ્લેન્ડની ટીમ રાજકોટ ખાતે ટેસ્ટ અને વનડે મેચ રમી ચૂકી છે. જયારે પ્રથમવાર જાન્યુ.માં ટી.20 મેચ રમવા માટે આવશે રાજકોટ ગ્રાઉન્ડ પર ભારતે પાંચ વિકેટના ભોગે બનાવેલા 228રનનો સ્કોર અત્યાર સુધીનો હાઈએસ્ટ છે. બે વર્ષના અંતરાલ બાદ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલશે. ઈગ્લેન્ડ સામેની પાંચ ટી.20 મેચની ત્રીજી મેચ રાજકોટને ફાળવવામાં આવતા સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.