બીજી ટી20માં ભારતનો 16 રને પરાજય: સિરીઝ 1-1થી બરાબર: અક્ષર-સૂર્યાની બેટીંગ એળે ગઈ: બોલરોનું નિરાશાજનક પ્રદશન
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝની બીજી મેચ ગુરુવારે પુણેમાં રમાઈ હતી. જેમાં ભારતીય નવોદિતોની બોલીગમાં ખુબ જ ગેરશિસ્ત દેખાઈ હતી જેને લીધે બીજી ટી20મા શ્રીલંકાની 16 રને જીત થઇ હતી. પ્રથમ ટી20માં જે રીતે ભારતના યુવા બોલરો કે જેનું પ્રદશન ખરાબ રહ્યું હતું. તેમ બીજી ટી20માં પણ બોલરોની ગેરશિસ્ત દેખાઈ આવી હતી. ત્યારે નવોદિતોની બોલીગમાં જે રીતે ગેરશિસ્ત દેખાઈ હતી તો શું ભારતનું ભાવિ જોખમમાં મુકાઈ જશે? બીજી મેચમાં હર્ષલ પટેલની જગ્યાએ અર્શદીપને લેતા તેને 5 નોબોલ ફેંકી રેકોર્ડ બનાવી દીધો. અત્યારસુધીના કરિયરમાં અર્શદીપ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે નોબોલ ફેંકનારો બોલર બની ગયો છે.
શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટની સામે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 190 રન જ કરી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 31 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન કર્યા હતા. છેલ્લે શિવમ માવીએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા, દિલશાન મદુશંકા અને દાસુન શનાકાએ 2-2 વિકેટ ઝડપી હતી. તોચમિકા કરુણારત્ને અને વાનિન્દુ હસરંગાને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને 50 રનની અંદર જ 4 વિકેટ પડી ગઈ હતી. આ પછી કેપ્ટન હાર્દિક પણ આઉટ થયા પછી અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 40 બોલમાં 90 રનના પાર્ટનરશિપ કરી હતી અને ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધું હતું. અંતમાં શિવમ માવીએ પણ પાવરહિટિંગનો પરચો દેખાડ્યો હતો. પણ અંતે ટીમને હાર મળી હતી.
અગાઉ શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 206 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ તોફાની બેટિંગ કરી હતી. તેણે 22 બોલમાં 56 રન ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 52 રન (31 બોલમાં), જ્યારે ચરિથ અસલંકાએ 37 રન (19 બોલમાં) બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલને 2 વિકેટ અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી હતી.
કોઈપણ ફોર્મેટમાં નો-બોલ ફેંકવો ગુનો: હાર્દિક પંડ્યા
ગુરુવારે શ્રીલંકા સામે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનો ગુસ્સો અર્શદીપ સિંહ પર ફૂટ્યો હતો. અર્શદીપની તબિયત ઠીક ન હોવાના કારણે તે સીરિઝની પહેલી મેચ રમી શક્યો નહોતો પરંતુ જ્યારે તેણે કમબેક કર્યું તો તેનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું હતું. એક જ ઓવરમાં તેણે ત્રણ બોલની હેટ્રિક નાખીને 19 રન ખર્ચ કરી દીધા હતા. મેચ ખતમ થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં મુરલી કાર્તિક સાથે વાતચીત કરતાં પંડ્યાએ કહ્યું હતું કે, કોઈ પણ ફોર્મેટમાં નોબોલ ફેંકવો તે ગુનો છે અને આવી સામાન્ય ખામીનું પુનરાવર્તન ફરીથી ન થવું જોઈએ.