ઇન્કમ ટેક્સનો સપાટો: દેશભરમાંથી ૧૧.૪૪ લાખ બોગસ પાન કાર્ડ શોધીને ડિ-એક્ટિવેટ કરવાનું શરૂ કરાયું: રાજ્યમાંથી બે લાખ બોગસ પાનકાર્ડ પકડાયાં
આયકર વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી બોગસ પાન કાર્ડ શોધવાની કવાયત ચાલી રહી હતી. વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટે ગુજરાતના ૨ લાખ સહિત દેશભરમાંથી ૧૧,૪૪,૨૧૧ બોગસ પાનકાર્ડ શોધી કાઢી તેને ડિએક્ટિવેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે આ પાનકાર્ડ રિટર્ન ભરવા કે બેંકમાં ખાતું ખોલાવાના ઉપયોગમાં લઇ શકાશે નહીં. આયકર વિભાગની આ કવાયત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જે લોકો પાસે એક કરતાં વધુ પાન કાર્ડ છે. તેમનાં બાકીના તમામ પાન કાર્ડ ડિએક્ટિવેટ કરવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. હાલ પાન કાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાનું ફરજિયાત બનાવતાં આવા ઘણા બોગસ પાનકાર્ડની વિગતો ડિપાર્ટમેન્ટ સામે આવી રહી છે.
અમદાવાદ આયકર વિભાગની ટીમે મોટા કરચોરની ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન જે તે કરદાતાના નામના જ પાંચ પાનકાર્ડ મળી આવ્યાં હતાં. જેને આધારે જુદા જુદા એકાઉન્ટસ ખોલાવાવીને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હતા. આવી માહિતી સીબીડીટી અને નાણાં વિભાગને પણ મળી હોવાથી બોગસ પાનકાર્ડ શોધવાની કવાયત એક વર્ષ પહેલા શરૂ કરી દેવામાં આવી હતી. વર્ષ દરમિયા દેશભરમાંથી ૧૧,૪૪,૨૧૧ બોગસ પાનકાર્ડ મળી આવ્યાં છે. તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે લોકો વધુ પાનકાર્ડને આધારે જુદા જુદા બેંક એકાઉન્ટસ ખોલવીને તેમાં કરોડો રૂપિયાના વ્યવહાર કરતા હતા. જે વિગતો આયકર વિભાગથી છૂપાવવામાં આવતી હતી. આટલું જ નહીં બોગસ પાન કાર્ડથી લોકો આઇપીઓ પણ ભરતાં હતાં.
ટેક્સ ક્ધસલ્ટન્ટ પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ વર્ષ ૧૯૯૪માં પાન કાર્ડ ઇશ્યુ કરવાની શરૂઆત થઇ હતી. ત્યારે કોઇ પણ પ્રૂફ ચેક કર્યા વગરજ પાન કાર્ડ ઇશ્યુ કરવામાં આવતાં હતાં. ત્યારે લોકોએ પોતાના નામ અને સરનેમમાં થોડો ફરક લખી એક કરતાં વધુ પાન કાર્ડ મેળવી લીધાં હતાં.
સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહિ હોય તો રિટર્ન ફાઈલ નહીં થાય પરંતુ સીબીડીટીએ જાહેર કર્યું છે કે, જેમણે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક નથી કર્યા તેવા કરદાતા પણ રિટર્ન ફાઇલ કરી શકશે. તેમણે માત્ર પોતાનો આધાર નંબર જ દર્શાવવાનો રહેશે. જોકે ૩૧મી ઓગસ્ટ પહેલા કરદાતાએ પોતાનો આધાર અને પાન નંબર લિંક કરી દેવો પડશે. જો તેમાં ચૂક થશે તો કરદાતાએ ફાઇલ કરેલું રિટર્ન રદ થઇ જશે. કરદાતાઓનું રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત પણ વધારીને પ ઓગસ્ટ કરવામાં આવી છે. આયકર વિભાગ દ્વારા ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હતો. જોકે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી જુલાઇ હતી. ટેક્નિકલ ખામીને કારણે રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા ત્રણ દિવસ આયકર વિભાગનું વેબ પોર્ટલ ઠપ થઇ જતાં લોકો રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા. સાથે વેબ પોર્ટલના ધાંધીયાને લીધે કરદાતાઓ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરી શક્યા નથી. માટે સીબીડીટી દ્વારા જે કરદાતા આધારા કાર્ડ અને પાનકાર્ડ લિંક કરી શક્યા નથી તેઓ પણ ૫ ઓગસ્ટ પહેલા પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. તેમણે ફોર્મમાં પોતાનો આધાર નંબર લખવાનો રહેશે.
આયકર વિભાગના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ તેમણે એક સર્ચ દરમિયાન કરદાતા પાસેથી મોટી સંખ્યામાં જુદા જુદા લોકોના પાન કાર્ડ મળી આવ્યાં હતાં. જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું. કે આર્થિક રીતે નબળી સ્થિતિના લોકોના પાન કાર્ડ લઈ તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી એક જ વ્યકિત દ્વારા ઓપરેટ કરવામાં આવતાં હતાં. સાથે સાથે પાન કાર્ડની મદદથી આઇપીઓ પણ નોંધાવવામાં આવતાં હતાં. આ કિસ્સા બાદ આયકર વિભાગે અન્યનું પાન કાર્ડ વાપરનાર સામે તો પગલાં લેવાનાં જ પરંતુ જેણે પાન કાર્ડ કોઇને આપ્યું હોય તો તેની સામે પણ કડક પગલાં લેવાનો નિર્ધાર કર્યો છે.