ટી.બી. નિર્મુલન માટેની સામાજીક જાગૃતી, પોષણ કીટના વિતરણ સહિતની કામગીરીથી ક્ષય હવે અક્ષય નહીં રહે
ટીબી મુકત સમાજના સપનાને સાકાર થવામાં હવે વાર નથી ક્ષય નિવારણ કેન્દ્રો દ્વારા ક્ષયને નાબુદ કરવા માટે સઘન અને સફળ પ્રયાસો હવે પરિણામદાયી બન્યા છે.દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2025 સુધીમાં ક્ષય નાબુદી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ’પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાન કાર્યરત છે. આ અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે તથા ટી.બી.ના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની વધારે જરૂરિયાત રહેતી હોવાથી રાજકોટ જિલ્લામાં ક્ષય નિવારણ કેન્દ્રો ખાતે દાતાઓના સહયોગથી ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવે છે.
જે અન્વયે ગત તા. 12 જુલાઈને બુધવારના રોજ મવડી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા તથા શહેર ક્ષય નિવારણ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રોટરી કલબ ઓફ ગ્રેટર રાજકોટ દ્વારા શહેર ક્ષય અધિકારી ડો. પરેશભાઈ કડિયાના અધ્યક્ષસ્થાને 25 દર્દીઓને પોષણ આહારની કીટના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ત્રણ દર્દીઓને વ્યસનમુક્ત જાહેર કરાયા હતા. આ કાર્યક્રમમાં મવડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો. રાહુલભાઈ પરમારે ટી.બી.ના દર્દીઓને નિયમિત રીતે સારવાર લેવા બાબતે ભાર મૂક્યો હતો.આ કાર્યક્રમમાં રમેશભાઈ વેકરીયા તથા મહેશભાઇ રાચ્છ તેમજ રોટરી ક્લબ ઓફ ગ્રેટર રાજકોટના પ્રમુખ નીલેશભાઈ ભોજાણી તથા ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચિરાગભાઈ પીપળીયા, શ્રી નિશાબેન ચૌહાણ તથા મવડી આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત, ગત તારીખ 22 જુલાઈને શનિવારના રોજ રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામભાઈ મહેતા તથા શહેર ક્ષય અધિકારી ડો. પરેશભાઈ કડિયાના અધ્યક્ષસ્થાને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્મિતાબેન કુમારભાઈ શાહ તરફથી તેમના પુત્રી શ્રી કૃપાબેનના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠ નિમિત્તે સેવાભાવીઓ કુમારભાઈ દોશી, પ્રફુલભાઈ મહેતા, કાજલબેન રાયચુરા અને ચિરાગભાઈ મોદીના હસ્તે ટી.બી.ના 30 દર્દીઓને પોષણ આહારની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચાર MDR (Multidrug-resistant) ટી.બી.ના દર્દીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. બાદલભાઈ વાછાણી અને ડો. સમીરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પિયુષભાઈ કેલેયા, ગાર્ગીવભાઈ ભટ્ટ, ધ્રુવભાઈ સહીત જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
અંદાજિત રૂ. 550ની ન્યુટ્રીશિયન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર, ગોળ, ચોખા તથા દાળ જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવે છે. ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ આપવા ઇચ્છુક સેવાભાવીઓ જૂની કલેકટર કચેરીની બાજુમાં જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર અથવા રાજમોતી ઓઇલ મીલ પાસે શહેર ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે. તેમજ વધુ વિગત માટે મો.નં. 99099 79988 અથવા 99099 79713 પર સંપર્ક કરી શકાશે, તેમ શહેર ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.