ક્રિકેટની અધધ ક્માણીનો શાહજાહનો અનુભવ હવે સાઉદીને નાણાં કમાવવાનો લાગ્યો ચસ્કો
એન્ટરટેઇનમેન્ટ એન્ટરટે ઇનમેન્ટ..એન્ડ એન્ટર ટેઇનમેન્ટ ..! પૃથ્વી પરના દરેક માનવીને જીવનમાં આનંદ જોઇએ છે, જેના માટે તે ખિસ્સા ખોલીને ખર્ચ કરવા તૈયાર છે. એમાં યે 21 મી સદીની આજની પેઢી આનંદ માટે કાંઇ પણ કરવા તૈયાર છે. 2008 માં શરૂ થયેલી IPL ક્રિકેટ સ્પર્ધાની સફળતા આજે સૌની નજર સામે છે. જે લોકોને આનંદ તો આપે જ છે સાથે જ જે તે દેશની ઇકોનોમીની સાયકલને પણ વેગવંતી બનાવે છે. 2023 નો જ દાખલો લઇએ તો માત્ર ખેલાડીઓના ઓક્શનમાં જ 167 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
રિસર્ચ કંપનીઓનાં સર્વે કહે છે કે 2023 ની IPL માં કુલ રેવન્યુ 2900 કરોડ થી 3100 કરોડ રુપિયાનો થશે. જે 2022 ની IPL નાં રેવન્યુ કરતા 30 થી 35 ટકા વધારે હોઇ શકે છે. આ ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે ભારતની સફળતા જોઇને હવે સાઉદી અરેબિયા વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગનું આયોજન કરવાનું વિચારી રહી છે. કારણ કે આ એક સ્વાદ છે જે સાઉદીએ ચાખ્યો છે અને હવે દાઢે વળગ્યો છૈ. હવે તમે કહેશો કે IPL થી દેશની ઇકોનોમીને શું ફાયદો? આ સવાલનો જવાબ સવાલ થી આપીએ. IPL ની મેચના સ્ટેડિયમ બહાર મેચનાં દિવસે કેટલા રૂપિયાનાં સમોસા, પિત્ઝા કે પાણીપુરી વેચાય છે તેનો કોઇ અંદાજ આપી શકે ?
વિશ્વમાં સૌથી વધારે કપડાં વેચાય છે, હવે IPL ની ટીમના ટી-શર્ટ અને ટોપી કેટલા વેચાય છે તેનો કોઇ અંદાજ આપી શકે? એક IPL નાં આયોજન પાછળ કેટલા મેનપાવર કલાકનો ઉપયોગ થાય છે? શું આ લોકો ફ્રી માં કામ કરે છે? બાકી હોય તો મેચનાં દિવસોમાં સોશ્યલ મિડીયા ઉપર ફરતા જોક્સ, જીંગલ્સ વિડીયો બનાવતી કંપનીઓ શું ફ્રી માં બનાવીને વેચે છે? સીધું ને સટ કહીએ તો ક્રિકેટ ફેન્સ કે દર્શકો ખિસ્સા ખાલી કરે છે, આનંદ મેળવે છે અને સમાજનો એક વિશાળ વર્ગ છે જે નાણા કમાય છે.
એક સમયે શારજાહનાં શેખે ભારત, પાકિસ્તાન અને અન્ય દેશોની ક્રિકેટ સ્પર્ધા યોજીને અખાતી દેશોમાં ક્રિકેટને જીવિત કર્યુ હતું. ખેર તેમાં સટ્ટાનું તત્વ પણ હોઇ શકે છે. પણ અંતે તો આ અબજો રૂપિયાની ગેમ છૈ તે સાબિત થઇ ચુક્યુ છે.
હવે સાઉદીને આ ગેમ કરવી છે, જેમાં ભારતના સહકાર વગર સફળતા મળવાના ચાન્સ નથી એટલે જ BCCI નો સંપર્ક કરવામાં આવ્યો છે. આમ તો એક વર્ષથી આ વાત ચાલે છૈ. સાઉદી તો ભારતની IPL ની અમુક મેચ પણ સાઉદીમાં રમાડવાની ઓફર કરે છે. પરંતુ અત્યાર સુધી દાળ ગળતી નહોતી. હાલમાં ઓસ્ટ્રૈલિયન સમાચાર સંસ્થાએ અહેવાલ આપ્યા છે કે સાઉદીનાં ક્રિકેટ ફેડરેશનનાં ચેરમેન પ્રિન્સ સાઉદ બિન મિસાલ અલ-સાઉદે ક્યું હતું કે સાઉદીનું લક્ષ્યાંક ક્રિકેટનાં ખેલને સાઉદીમાં પ્રોત્સાહિત કરીને રોજગારની નવી તકો ઉભી કરવાનું છૈ બેશક સપનું એ પણ છે કે આગામી દિવસોમાં સાઉદી વૈશ્વિક ક્રિકેટનું હબ બને. સાઉદીના સત્તાધીશોઐ ભારતીય IPL ની ટીમોનાં માલિકો સાથે મિટીંગ પણ કરી લીધી હોવાના અહેવાલ છે.
યાદ રહે કે BCCI નાં નિયમો પ્રમાણે ભારતીય ખેલાડીઓને અન્ય કોઇ લીગમાં રમવાની પરવાનગી નથી. જો તેમને રમવું હોય તો IPL છોડવી પડે તેમ છે. હવે જો સાઉદીની લીગમાં ભારતીય ખેલાડીઓ જ ન હોય તો સાઉદીની સ્પર્ધામાં ગમે તેટલા રૂપિયા નાખો પણ સફળતા મળવાના ચાન્સ નથી. IPL ટીમનાં માલિકો અગાઉ સાઉથ આફ્રિકાની લીગમાં પાર્ટનરશીપ કરી ચુક્યા છે મતલબ કે માલિકો પોતાની ટીને અન્ય લીગમાં રમવા મોકલે તેની સામે BCCI વાંધો લઇ શકે તેમ નથી. હવે ખેલાડીઓના મામલે BCCI પોતાના નિયમ બદલીને તેમને રમવાની પરવાનગી આપે તે માટે સાઉદીનાં સત્તાધીશો BCCI ને મનાવી રહ્યા છે.
મૂળ સાઉદીનું આયોજન ભારતની IPL ની જેમ જ સાઉદી અરેબિયા લીગ અર્થાત ( SAL) કરવાનું છે. જો સાઉદીને આવી કોઇ લીગ રમાડવી હોય તો ICC ની પણ પરવાનગી લેવી જરૂરી બને છૈ. જો કે આઇ.સી.સી ના ચેરમેન ગ્રેગ બાર્કલે અગાઉ નિવેદન કરી ચુક્યા છે કે સાઉદીમાં ક્રિકેટનો વિકાસ થાય તે જોવા માટે ICC ઉત્સુક છે. જો ICC સાઉદી ઉપર આટલું મહેરબાન હોય તો આગામી એશિયા કપ પણ સાઉદીમાં થઇ શકે છે. જો આવા સપના સાકાર થાય તો સાઉદીમાં ગોલ્ફ અને ફોમ્યુલા વન બાદ ક્રિકેટ પણ ગાજતું થઇ જશે.
આ માટે સાઉદીની તૈયારી તો એટલે સુધી જોરદાર છે કે IPL 2023 માં સાઉદી ટુરિઝમે સ્પોન્સરશીપનો ખર્ચ પણ કરી નાખ્યો છે. હાલમાં જ સાઉદીનાં પ્રિન્સ સાઉદી સ્થિત ભારતીય એલચી કચેરીમાં પણ જોવા મળ્યા હતા જે સાઉદીમાં ક્રિકેટને પ્રમોટ કરવાનાં પ્લાન ની ચર્ચા કરવા માટે ગયા હોવાના અહેવાલ છે. અગાઉ સાઉદીમાં થયેલી ILT 20 તથા SA20 ની તમામ છ ટીમનાં માલિક ભારતીય હતા. જેમને તેમની ભારતીય ફ્રેન્ચાઇઝી ટીમમાંથી ચાર ખેલાડી લેવાની પરવાનગી પણ અપાઇ હતી.
હવે સાઉદીની લીગ માં ભારતની અને ભારતીય ક્રિકેટરોની શા માટે જરૂર છે? આંકડા બોલે છે કે વિશ્વમાં આજે 100 કરોડ થી વધારે ક્રિકેટ રસિક છૈ જેમાંથી 90 ટકા ભારતીયો છે. IPL નાં બજેટમાં 60 ટકા જેટલો હિસ્સો મિડીયા રાઇટસનો પણ હોય છે. હવે જો ભારતીય ક્રિકેટરો જ ન હોય તો 90 ટકા ક્રાઉડ ઓછું થઇ શકે છે. આંકડા જોઇએ તો આજે IPL ની બ્રાન્ડ વેલ્યુ 4.7 અબજ ડોલર મુકાઇ રહી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ ની બ્રાન્ડ વેલ્યુ 79 મિલીયન ડોલર છે.
ખેર સૌ પ્રથમ ઝી વાળા સુભાષચંદ્રએ ICL ઇન્ડિયન ક્રિકેટ લીગના નામે આવા ક્રિકેટનો વિચાર આપ્યો હતો પણ એ સમયનાં BCCI નાં વડા શરદ પવારે ગેમ કરીને ભારતીય ક્રિકેટરોને ICL માં રમવા ઉપર પ્રતિંબંધ મુકીને તુરત જ IPLની જાહેરાત કરી હતી. મતલબ કે એ સમયે પવાર સાહેબે સુભાષચંદ્રને ક્લિન બોલ્ડ કર્યા હતા. હવે સાઉદી ક્રિકેટ ફેડરેશન BCCI ને રન આઉટ કરશે કે બન્ને સાથે મળીને લાંબી ભાગીદારી કરીને મોટી કમાણીનો જુમલો કરશૈ..!?