જિલ્લામાં 16 મકાન ઝૂંપડાઓને નુકશાન,6 પશુ અને 1 માનવ મૃત્યુ નોંધાયું
છેલ્લાં બે દિવસથી પડી રહેલ રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે જાન માલને નુકશાની થવા પામી છે.રાજકોટ જિલા પંચાયત ખાતે કાર્યાન્વિત કંટ્રોલરૂમમાં જુદા જુદા તાલુકાઓ માંથી આવેલ માહિતી અનુસાર જિલ્લામાં 16 જેટલાં મકાન ઝૂંપડાઓને નુકશાન થવા પામ્યું છે અને 6 પશુઓ અને 1 માનવ મૃત્યુ નોંધાયું છે.
જિલ્લામાં અત્યાર સુધી વરસાદી તારાજીથી થયેલ જાન માલને નુકશાની સંદર્ભે હાલ સર્વે ચાલી રહેલ છે અને જરૂરી પ્રક્રિયા પછી આ નોંધાયેલ જાન માલની નુકસાની પેટે સરકાર તરફથી યોગ્ય સહાય ચુકવવામાં વહીવટી પ્રક્રિયા ચાલી રહેલ છે અને સત્વરે આવી સહાય સરકારી ધારા ધોરણ મુજબ ચૂકવાશે તેમ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું.
વર્ષાઋતુ દરમ્યાન રાજકોટ જિલા પંચાયત વિસ્તાર હેઠળ હાલ વીજળી પડવાથી જે પશુઓના મોત નોંધાયા છે તેમાં જેતપુરના ચારણીયા ગામે 1 બળદ, ઉપલેટાના ઢાંક ગામે 1 ભેંસ, ઉપલેટાના તણસવા ગામે 2 બળદ, વીંછીયા ગામે 1 ગાય, 1 ભેંસની પડરડી આમ 6 પશુઓના મોત નોંધાયા છેજ્યારે મેટોડાના પારસ પાર્ક સોસાયટીમાં એક પર પ્રાંતીયનું મોત આકાશી વીજળી પડતા નોંધાયું છે.
જ્યારે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે 4 અને ખીજડિયામાં 1, નાગલપરમાં 1, વડાળીમાં 1, ગઢકામાં 1, કાળીપાટમાં 2, રહેણાંક મકાન, પડધરીના ઢોકળિયામાં 1, ખોખરી ગામે 1 રહેણાક મકાન, ગોંડલ તાલુકાના વેકરીમાં 1 અને નાના માહિકા ગામે 1 રહેણાંક મકાનમાં વરસાદી તારાજીથી નુકશાન થવા પામ્યું છે.જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સચરાચર વરસાદથી બહુ કોઈ જાતની જાનમાલને હાની પહોંચેલ નથી, આમ છતાં જે કઈ જાનમાલની હાની નોંધાયેલ છે તેનો સર્વે હાલ ચાલી રહેલ છે.
આ સર્વે પછી સરકારી સહાય જે મળવા પાત્ર હશે તે તમામ સહાય સગવડ આપવામાં જિલ્લા પંચાયત સક્રિય રીતે કાર્ય કરી રહેલ છે તેમ જિલ્લા પંચાયતના કાર્યશીલ પ્રમુખ ભુપતભાઇ બોદરે ’અબતક’ને જણાવ્યું હતું.