ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં 6 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હોય ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ સમગ્ર તૈયારીઓની વિગત પત્રકાર પરિષદમાં આપી હતી. તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં કુલ 16,34,674 મતદારો છે જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા 8,44,448 છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 7,90,174 છે. જ્યારે અન્ય મતદારની સંખ્યા 12 છે. જિલ્લામાં સર્વિસ મતદારોની સંખ્યા 441 છે.
તેઓએ જણાવ્યું કે, જિલ્લામાં મતદાન પ્રક્રિયા માટે ઇવીએમ મશીન પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ છે. જિલ્લામાં કુલ 1861 મતદાનમથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. આ ઉપરાંત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઇવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા, મીડિયા વગેરે માટે અલગ અલગ કુલ 21 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મતદારો આચારસંહિતા ઉલ્લંઘનને લઈને ઈ-ટશલશહ એપ પર ફરિયાદ નોંધાવી શકશે. તેઓએ મતદારો મોટી સંખ્યામાં આ એપ ડાઉનલોડ કરીને પારદર્શક ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને તે માટે અનુરોધ પણ કર્યો હતો. જિલ્લાકક્ષાનો કંટ્રોલ રૂમ કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 ઉપર મતદારો કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, ખર્ચ સંબંધિત ફરિયાદ ટોલ ફ્રી નંબર 1800 233 2389 પર કરી શકાશે.
આ ઉપરાંત તેઓએ સ્ટાફની વિગત, એમસીએમસી કમિટી વગેરે બાબતો વિશે જાણકારી આપી હતી. 42 મતદાન મથકોને સખી પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. વધુમાં પાંચ પીડબલ્યુડી મતદાનમથકો નક્કી કરાયા છે. 6 મોડેલ મતદાનમથકો પણ રહેશે. ઉમેદવારી પત્ર 14 નવેમ્બર, 2022 સુધી ભરી શકાશે. જ્યારે પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 નવેમ્બર, 2022 રહેશે. 1 ડિસેમ્બર, 2022ના રોજ મતદાન યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરના રોજ યોજાશે તેમ તેઓએ જણાવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, નાયબ ચૂંટણી અધિકારી બી.કે.પટેલ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, મામલતદાર આર.એમ.પ્રજાપતિ, નાયબ મામલતદાર પુલિનભાઈ ઠક્કર તેમજ પી.જી.સોલંકી સહિત ચૂંટણી શાખાના કર્મીઓ અને પત્રકાર ઓ ઉપસ્થિત રહ્યા હતા.